વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્નાની બહુપ્રતિક્ષિત ફિલ્મ "રાણાબલી" થિયેટરોમાં રિલીઝ થતાં જ સિનેપ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. દર્શકો આ લોકપ્રિય જોડીને મોટા પડદા પર ફરીથી સાથે જોવા માટે ભારે ઉત્સાહિત હતા. "રાણાબલી" એવા સમયે રિલીઝ થઈ છે જ્યારે સિનેમાઘરોમાં રજનીકાંતની "જેલર 2", અજય દેવગણની "દ્રશ્યમ 3", યામી ગૌતમની હોરર-કોમેડી "નયી નવેલી" અને રાજકુમાર રાવની "પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી" જેવી મોટો ધમાકો કરનારી ફિલ્મો પણ ચાલી રહી છે.

"રાણાબલી" X પર પબ્લિક રિસ્પોન્સ

રિલીઝની સાથે જ X (ટ્વિટર) પર દર્શકોના મંતવ્યો વિભાજિત થતા જોવા મળી રહ્યા છે. કેટલાક ચાહકોએ વિજયની મહેનત, પાવરફુલ ડાયલોગ ડિલિવરી અને રશ્મિકાની સ્ક્રીન પ્રેઝન્સની પ્રશંસા કરી છે, જ્યારે ઘણા દર્શકોને ફિલ્મનો બીજો ભાગ કંટાળાજનક લાગ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક દર્શકોએ વિજય દેવેરાકોંડાના શક્તિશાળી અભિનય અને રોકિંગ સ્ક્રીન હાજરીના વખાણ કર્યા છે. તેની સાથે રશ્મિકા મંદન્નાની જોડી અને બંને વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

રાણાબલી ફિલ્મ પર યુઝર્સની પ્રતિક્રિયા

એક યુઝરે દિગ્દર્શક રાહુલ સાંકૃત્યનની પ્રશંસા કરતા લખ્યું: "હમણાં જ #રાણાબાલી જોઈ. શું ફિલ્મ છે! શાનદાર. રાહુલ સાંકૃત્યનના વિઝન અને સ્ટોરીટેલિંગની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેમણે જે રીતે લાગણીઓ, પાત્રો અને દ્રશ્યોનું વિઝ્યુઅલાઈઝેશન કર્યું છે તે સિનેમા પ્રત્યેનો તેમનો જુસ્સો દર્શાવે છે." આ દર્શકે ફિલ્મને ૫ માંથી ૩.૫ સ્ટાર આપ્યા હતા.

બીજા એક વ્યુઅરે જણાવ્યું કે: "વિજય દેવેરાકોંડાએ પાવરફુલ પરફોર્મન્સ આપ્યું છે. તેની તીવ્રતા ફિલ્મને આગળ ધપાવે છે. રશ્મિકા પણ એટલી જ શાનદાર છે. ફિલ્મ કેટલીક જગ્યાએ ધીમી પડે છે, પરંતુ તેની પાવરફુલ મોમેન્ટ્સ તેને જોવાલાયક બનાવે છે."

ફિલ્મના સેકન્ડ હાફે બાજી બગાડી

સકારાત્મક પ્રતિસાદની સાથે સાથે ફિલ્મને નકારાત્મક રિવ્યૂ પણ મળી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મના બીજા ભાગની સ્પીડ (Pacing), એડિટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સામે દર્શકોએ સવાલો ઉઠાવ્યા છે. એક યુઝરે પોતાનો અસંતોષ વ્યક્ત કરતા લખ્યું કે, "ફિલ્મ પૂરી થઈ, બીજો ભાગ ખૂબ જ કંટાળાજનક હતો. વિજયની મહેનત એળે ગઈ. અજય-અતુલનું સંગીત અત્યંત નિરાશાજનક છે અને ફિલ્મમાં જરૂર વગરની હિંસા છે. એકંદરે આ એક સહેલાઈથી ભૂલી શકાય તેવી ફિલ્મ છે."  અન્ય એક પ્રેક્ષકે લખ્યું કે, "રાણાબલીનો પહેલો ભાગ પણ ધીમો છે. વિજય-રશ્મિકાના સીન સારા છે, પણ બાકીની વાર્તા બોરિંગ છે. બ્રિટિશ અત્યાચારોના દ્રશ્યો ભાવનાત્મક અસર છોડવામાં નિષ્ફળ રહ્યા છે અને BGM પણ નબળું છે."

બોક્સ ઓફિસ પર ટક્કર અને ભવિષ્ય

બ્રિટિશ કાળના અત્યાચારો અને ભાવનાત્મક પાસાઓને આવરી લેતી આ ફિલ્મ કન્ટેન્ટની દ્રષ્ટિએ મિશ્ર પ્રતિસાદ મેળવી રહી છે. એક તરફ જ્યાં વિજય-રશ્મિકાના ફેન્સ માટે આ ફિલ્મ વિઝ્યુઅલ ટ્રીટ છે, તો બીજી તરફ સામાન્ય સિનેપ્રેમીઓ માટે નબળા એડિટિંગ અને અતિશય હિંસાને કારણે ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી.


આ પણ વાંચો : Prahaar Movie : પાવરપેક્ડ પર્ફોર્મન્સથી દિલ જીતી લીધું! પ્રહારમાં રાજકુમાર રાવનો દમદાર અભિનય