રણબીર કપૂરે ફરી એકવાર રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેતાએ પુણેના પિંપરી ગામમાં 16.42 કરોડમાં ચાર પ્લોટ ખરીદ્યા છે. આ પહેલાં પણ તેઓ અયોધ્યાના લક્ઝરી પ્રોજેક્ટ ધ સરયુમાં કરોડોની જમીન ખરીદી ચૂક્યો છે. અભિનય ઉપરાંત રોકાણની દુનિયામાં પણ રણબીર કપૂર સતત સ્માર્ટ નિર્ણયો લઈ રહ્યો છે.

પુણેમાં ખરીદ્યા કરોડોના પ્લોટ 

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર માત્ર પોતાના અભિનય માટે જ નહીં પરંતુ સ્માર્ટ રોકાણ માટે પણ જાણીતો છે. તાજેતરમાં તેણે પુણેના મુલશી તાલુકાના પિંપરી ગામમાં કુલ 16.42 કરોડના ચાર પ્લોટ ખરીદીને ફરી ચર્ચા જગાવી છે. રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ CRE Matrix અને અહેવાલો અનુસાર, આ સોદો 30 એપ્રિલે નોંધાયો હતો. રિયલ એસ્ટેટમાં સતત રોકાણ કરનાર રણબીર હવે પોતાની સંપત્તિનો વિસ્તાર વધુ ઝડપથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મોટા પ્લોટ, લાખોની સ્ટેમ્પ ડ્યુટી

રણબીરે ખરીદેલા પ્લોટનું કદ 8,900 ચોરસ મીટરથી લઈને 43,800 ચોરસ મીટર સુધીનું છે. સૌથી મોટો 43,800 ચોરસ મીટરનો પ્લોટ તેણે 7.07 કરોડમાં ખરીદ્યો, જેના માટે 35.40 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. 29,900 ચોરસ મીટરનો પ્લોટ તેમણે 4.62 કરોડમાં ખરીદ્યો, જેના પર 23.13 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવાઈ હતી. ચારેય પ્લોટ માટે રણબીરે કુલ 82.13 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે, જે તેમની આ ડીલના કદને દર્શાવે છે.

અયોધ્યામાં પણ કરી ચૂક્યો છે મોટું રોકાણ

પુણે પહેલાં રણબીર કપૂરે અયોધ્યામાં પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું. તેણે HoABL (House of Abhinandan Lodha)ના પ્રીમિયમ પ્રોજેક્ટ ધ સરયુમાં અંદાજે ₹3.31 કરોડમાં 2,134 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. સરયુ નદીના કિનારે 75 એકરમાં વિકસાવવામાં આવી રહેલો આ લક્ઝરી પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ માટે જાણીતો છે. અયોધ્યામાં રોકાણ અંગે રણબીરે કહ્યું હતું કે તેને લાગે છે કે અયોધ્યાએ જ તેને પસંદ કર્યું છે અને આ રોકાણ તેના પરિવાર માટે સાંસ્કૃતિક વારસાની નિશાની તરીકે રહેશે.

રિયલ એસ્ટેટમાં પણ દેખાય છે રણબીરની સ્માર્ટ સ્ટ્રેટેજી

રણબીર કપૂરના આ સતત રોકાણ દર્શાવે છે કે તે માત્ર ફિલ્મો સુધી સીમિત નથી, પરંતુ લાંબા ગાળાના નાણાકીય આયોજન પર પણ ખાસ ધ્યાન આપી રહ્યો છે. શેરબજાર પછી હવે રિયલ એસ્ટેટમાં પણ તેની સક્રિયતા વધી રહી છે. રસપ્રદ વાત એ છે કે અયોધ્યામાં રણબીર પહેલાં અમિતાભ બચ્ચને પણ લગભગ 15 કરોડમાં 15,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. પુણે અને અયોધ્યામાં થયેલા આ રોકાણો પછી હવે ચર્ચા એ છે કે રણબીર કપૂરનું આગામી મોટું રોકાણ કયા શહેરમાં જોવા મળશે.

આ પણ વાંચો-Flop Dhurandhar : વર્લ્ડવાઇડ ધૂમ મચાવનારી ધુરંધર જાપાનમાં પડી ફીક્કી, સાબિત થઈ મોટી ડિઝાસ્ટર!