બોલીવુડના સૌથી એનર્જેટિક અને વર્સેટાઈલ સુપરસ્ટાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. આજે ભલે તેઓ "ધુરંધર", "પદ્માવત" અને "બાજીરાવ મસ્તાની" જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને સફળતાના શિખરે હોય, પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે ભારે સંઘર્ષ વેઠ્યો છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ પ્રખ્યાત એજન્સી O&M માં કોપીરાઇટર તરીકે કામ કરતા હતા. શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચથી લઈને અસ્વીકાર (Rejection) સુધીના કઠોર અનુભવોનો સામનો કરનાર રણવીરના જીવનની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. 

રણવીર સિંહના જન્મદિવસના ખાસ પ્રસંગે જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની

કિસ્સો-1: ક્રિકેટર બનવાનું સ્વપ્ન તૂટ્યું; મોહિન્દર અમરનાથે કર્યા હતા રિજેક્ટ

બાળપણમાં રણવીર ક્રિકેટર બનવા માંગતા હતા. સાતમા ધોરણમાં સ્કૂલની એક મેચમાં તેમણે માત્ર 46 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. આ ઇનિંગથી પ્રેરિત થઈને તેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથની ક્રિકેટ એકેડમીમાં ટ્રાયલ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2017 માં ફિલ્મ '83' ના એક પ્રમોશનલ ઈવેન્ટમાં રણવીરે આ કિસ્સો શેર કરતા કહ્યું હતું, "મારા મિત્રો સમયસર પહોંચી ગયા પણ હું મોડો પડ્યો. અમરનાથ સરે મારી રમત જોઈને મને નકારી કાઢ્યો. સારું થયું કે તેમણે તે દિવસે મને રિજેક્ટ કરવાનો સાચો નિર્ણય લીધો, નહીંતર હું આજે એક અભિનેતા તરીકે અહીં ન હોત." રસપ્રદ વાત એ છે કે, જે ક્રિકેટ એકેડમીમાંથી તેઓ રિજેક્ટ થયા હતા, આગળ જતાં વર્ષ 2021 માં આવેલી ફિલ્મ '83' માં તેમણે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો આઇકોનિક રોલ ભજવ્યો.

કિસ્સો-2:અભિનેતા બનવાની પ્રેરણા અને અટક બદલવાનું કારણ

રણવીરના દાદી ચાંદ બુર્ક ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના જાણીતા અભિનેત્રી હતા. તેમણે રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ "બૂટ પોલિશ" સહિત "બસંત બહાર" અને "અદાલત" જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રણવીરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની દાદી જ હતા જેમણે તેમનામાં એક્ટર બનવાનું સપનું જગાડ્યું હતું. બોલિવૂડમાં આવ્યા પછી રણવીરે પોતાના નામમાંથી 'ભાવનાની' અટક હટાવી દીધી હતી. તેમનું માનવું હતું કે 'રણવીર સિંહ ભાવનાની' નામ ખૂબ લાંબુ છે અને સ્ક્રીન નેમ તરીકે કદાચ ઘણું મોટું લાગશે.

કિસ્સો-3: પ્રોડ્યુસરે પાછળ કૂતરો દોડાવ્યો, સંઘર્ષના દિવસોનો કડવો અનુભવ

૧૯મા મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે પોતાના સ્ટ્રગલના દિવસોનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો. કામની શોધમાં તેઓ પોતાનો પોર્ટફોલિયો લઈને એક નિર્માતાના ઘરે પહોંચ્યા હતા. નિર્માતા અંદર મિત્રો સાથે બીયર પીવામાં મસ્ત હતા અને રણવીર કલાકો સુધી વરંડામાં રાહ જોતા રહ્યા. મજાક ઉડાવવાના ઈરાદે તે પ્રોડ્યુસરે પોતાના પાલતુ કૂતરાને રણવીર પાછળ દોડાવ્યો. રણવીર ડરના માર્યા ત્યાંથી ભાગ્યા હતા. તેમણે કહ્યું કે, "એક સંઘર્ષ કરતા કલાકારની આ રીતે મજાક ઉડાવાતી જોઈ હું ગભરાઈ ગયો હતો." જોકે તેમણે તે પ્રોડ્યુસરનું નામ જાહેર કર્યું ન હતું.

કિસ્સો-4: અમેરિકામાં સ્ટારબક્સમાં વેઈટર બન્યા અને બટર ચિકન વેચ્યું

અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લૂમિંગ્ટનમાં ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી વખતે રણવીર પોતાનો ખર્ચ કાઢવા પાર્ટ-ટાઇમ કામ કરતા હતા. તેમણે સ્ટારબક્સમાં વેઈટર અને સર્વર તરીકે નોકરી કરી હતી. "કોફી વિથ કરણ" શોમાં તેમણે મજાકમાં જણાવ્યું હતું કે ત્યાં આવતી છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ વાળ લાંબા રાખતા અને એનિમેટેડ શોના કેરેક્ટર 'અપુ' ની જેમ ભારતીય ઉચ્ચારણ (Accent) માં અંગ્રેજી બોલતા હતા. આ સિવાય વધારાની કમાણી માટે તેમણે અમેરિકામાં બટર ચિકન વેચવાનું કામ પણ કર્યું હતું.

કિસ્સો-5: માલદીવના દરિયા કિનારે દીપિકાને કર્યું હતું સિક્રેટ પ્રપોઝ

રણવીર સિંહે ૨૦૧૫ માં જ દીપિકા પાદુકોણને પ્રપોઝ કરી દીધું હતું અને ૩ વર્ષ સુધી આ સગાઈ પરિવારના થોડા સભ્યો વચ્ચે ગુપ્ત રહી હતી. રણવીરે પોતાની ક્ષમતા કરતાં મોંઘી હીરાની વીંટી ખરીદી હતી. માલદીવમાં વેકેશન દરમિયાન, એક નાનકડા ટાપુ પર જ્યાં આસપાસ માત્ર વાદળી પાણી હતું, રણવીરે ઘૂંટણિયે બેસીને દીપિકાને પ્રપોઝ કર્યું. દીપિકા ભાવુક થઈ ગઈ અને તેણે "હા" પાડી. ત્યારબાદ નવેમ્બર ૨૦૧૮ માં ઇટાલીના લેક કોમોમાં બંનેએ લગ્ન કર્યા અને સપ્ટેમ્બર ૨૦૨૪ માં તેમની પુત્રી 'દુઆ' નો જન્મ થયો. આ રીયલ લાઈફ કપલે પડદા પર પણ 'રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને '83' જેવી શાનદાર ફિલ્મો આપી છે.


આ પણ વાંચો : Satluj Film: રિલીઝ થતા જ દિલજીતની ફિલ્મ 'સતલુજ' પર લાગ્યો પ્રતિબંધ? ચાહકો ચોંક્યા