બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાને થયેલા ગોળીબારના મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક મોટી અને નિર્ણાયક કાર્યવાહી કરી છે. આ કેસની તપાસમાં તેજી લાવતા પોલીસે રાજસ્થાનથી વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ નવી ધરપકડ સાથે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે 11 પર પહોંચી ગઈ છે.
રાજસ્થાનથી 6 અન્ય આરોપીઓ પકડ્યા
ઘટના બાદથી જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે આરોપીઓનો પીછો કરી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડીઓ મળી હતી કે હુમલાખોરો અને તેમને મદદ કરનારા શખ્સો રાજસ્થાનમાં છુપાયેલા છે. આ માહિતીના આધારે મુંબઈ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સંકલન સાધી દરોડા પાડ્યા હતા અને છ આરોપીઓને ઝડપી લીધા હતા. હાલ આ તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે.
IMPA એ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
આ ઘટનાને પગલે સમગ્ર ફિલ્મ જગતમાં ભય અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશને આ મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો છે. IMPA એ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખીને તાકીદે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
IMPA એ સરકારને કરી વિનંતી
પત્રમાં જણાવાયું છે કે, રોહિત શેટ્ટીએ માત્ર ભારતીય સિનેમામાં જ મોટું યોગદાન આપ્યું નથી, પરંતુ તેઓ સામાજિક કાર્યો અને રાષ્ટ્રીય હિતમાં પણ હંમેશા આગળ રહે છે. આવા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘર પર ગોળીબાર થવો એ સમગ્ર ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે. IMPA એ સરકારને વિનંતી કરી છે કે ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને નિર્માતાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવે.
11 આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા
પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગોળીબાર પાછળનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે? શું આ કોઈ ગેંગસ્ટર દ્વારા ખંડણી માંગવાનો પ્રયાસ હતો કે પછી કોઈ અન્ય ઉદ્દેશ્ય? પકડાયેલા 11 આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાના કાવતરામાં સામેલ દરેક વ્યક્તિને કાયદાના શિકંજામાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Entertainment: 'પદમાવત' બાદ સંજય લીલા ભણસાલી ફરી ઇતિહાસ રચશે, 'જય સોમનાથ' મંદિરનો ઇતિહાસ મોટા પડદે બતાવશે