નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ હાલમાં ખૂબ ચર્ચામાં છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. પરંતુ શું તમને ખબર છે કે સલમાન ખાન પણ એક સમયે રામના પાત્રમાં જોવા મળવાના હતા?
ફિલ્મનું શૂટિંગ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં
એક્ટર અને ડિરેક્ટર સોહેલ ખાન પણ સુપરસ્ટાર સલમાન ખાન અને એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને લઈને પૌરાણિક કથા રામાયણ પર ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મ માટે તેમણે સલમાન ખાનને ભગવાન રામ અને સોનાલી બેન્દ્રેને માતા સીતાના પાત્ર માટે પસંદ કર્યા હતા. જોકે, આ ફિલ્મનું શૂટિંગ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં.
સોહેલ ખાનની રામાયણ કેમ બંધ થઈ ગઈ?
90ના દાયકાનો સોહેલ ખાનનો એક પ્રોજેક્ટ હાલમાં ફરી ચર્ચામાં આવ્યો છે. અહેવાલ મુજબ, સોહેલ ખાન 90ના દાયકામાં મહાકાવ્ય રામાયણ પર ફિલ્મ બનાવવાના હતા. એટલું જ નહીં, આ ફિલ્મનું લગભગ 40% શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું હતું. ફિલ્મમાં સલમાન ખાન ભગવાન રામના પાત્રમાં જોવા મળવાના હતા. જ્યારે માતા સીતાનું પાત્ર સોનાલી બેન્દ્રે ભજવવાના હતા.

આ ફિલ્મમાં એક્ટ્રેસ પૂજા ભટ્ટ પણ મહત્વના પાત્રમાં જોવા મળવાની હતી. જોકે, શૂટિંગ દરમિયાન સોહેલ અને પૂજા વચ્ચેની નિકટતા વધી ગઈ હતી. આ વાતનો ખુલાસો પૂજા ભટ્ટે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે સલીમ ખાનના હસ્તક્ષેપ બાદ સોહેલ અને પૂજાનો સંબંધ લાંબો ચાલી શક્યો નહોતો. ત્યારબાદ બંને વચ્ચેના પ્રોફેશનલ સંબંધો પણ બગડી ગયા હતા. તેના કારણે ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.
રણબીરની રામાયણ ક્યારે રિલીઝ થશે?
જાણીતા ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ લગભગ 4000 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે. આ ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થવાની છે. ફિલ્મનો પહેલો ભાગ 6 નવેમ્બર 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે. જ્યારે ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો-Ramayana Vs Godzilla : બોક્સ ઓફિસ પર ગોડઝિલા અને રામાયણ વચ્ચે થશે જબરદસ્ત ટક્કર!