પોપ્યુલર ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂકાવ્યું છે. 30 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. સંચિતાએ રવિવારે સાંજે આત્મહત્યા કરી હતી. સંચિતાએ ટીવીમાં કુમકુમ ભાગ્ય જેવા શો કર્યા છે. તેઓ ટીવીમાં મુખ્ય એક્ટ્રેસ હતા. જો કે, ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે આ વિશે વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઉટસાઇડર હોવાના નાતે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મળવી ખૂબ મુશ્કેલ હોય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સંચિતાએ ટીવી અને ફિલ્મોમાં કામ કરવા અંગે પ્રતિક્રિયા આપી હતી.
'ટીવીમાં સરખી તક મળે છે'
તેમણે કહ્યું હતું, ટીવી માટે મારા દિલમાં બહુ સન્માન છે. આ પ્લેટફોર્મ બધા માટે સમાન છે. અહીં માત્ર સખત મહેનત અને ટેલેન્ટની જરૂર હોય છે. કોઈ શોર્ટકટ ચાલતો નથી. આ માધ્યમે મને અભિનય શીખવામાં અને કેમેરાનો સામનો કરવામાં મદદ કરી. હું ટીવીમાં કામ કરવાનું ચાલુ રાખવા માગું છું પરંતુ હવે મારો ધ્યેય ફિલ્મો કરવાનો પણ છે.













