બોલીવુડના કિંગ શાહરૂખ ખાને અમેરિકામાં ક્રિકેટ પ્રેમીઓને મોટી ગિફ્ટ આપી. ભારતીયોની ફેવરીટ અમેરિકાના લોસ એન્જલસમાં પોતાના ડ્રીમ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરાવ્યું છે. આશરે ₹200 કરોડના ખર્ચે બનેલું આ સ્ટેડિયમ ICCના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.
200 કરોડના ખર્ચે તૈયાર થયું શાહરૂખ ખાનનું ડ્રીમ પ્રોજેક્ટ
હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ક્રિકેટને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનું સ્વપ્ન હવે સાકાર થયું છે. તેમના નાઈટ રાઈડર્સ ગ્રુપ દ્વારા અમેરિકાના લોસ એન્જલસના ફેરપ્લેક્સ પોમોના ખાતે આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટ માટે અંદાજે ₹200 કરોડનુ રોકાણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના તમામ ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મેદાનને સંપૂર્ણ સમતળ બનાવવા માટે આશરે 32,000 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેથી વિશ્વસ્તરીય ક્રિકેટ માટે શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ થઈ શકે.
ICC ધોરણ મુજબની પિચ અને આધુનિક સુવિધાઓ
આ સ્ટેડિયમનું સૌથી મોટું આકર્ષણ તેની વિશ્વસ્તરીય ક્રિકેટ સુવિધાઓ છે. મેદાનના કેન્દ્રમાં કુલ આઠ કુદરતી ઘાસની પિચ તૈયાર કરવામાં આવી છે, જે ICCના નિયમો અનુસાર વિકસાવવામાં આવી છે. આ પિચો ખેલાડીઓને ઉત્તમ બાઉન્સ અને ટર્ન આપશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સનું સફળ આયોજન થઈ શકે. ઉપરાંત, સ્ટેડિયમમાં અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે વરસાદ બાદ પાણી ઝડપથી બહાર નીકળી જાય છે અને મેચમાં વિલંબ થતો નથી. આ સુવિધાઓ સ્ટેડિયમને વિશ્વના આધુનિક ક્રિકેટ મેદાનોની હરોળમાં સ્થાન અપાવે છે.
જાણો સ્ટેડિયમની ખાસિયત
હાલમાં આ સ્ટેડિયમમાં લગભગ 5,000 પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા છે. જોકે, નાઈટ રાઈડર્સ ગ્રુપે તેને તબક્કાવાર વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. વર્ષ 2027 સુધીમાં બેઠક ક્ષમતા 12,000 સુધી વધારવામાં આવશે, જ્યારે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ પહેલાં તેને 15,000 બેઠકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ માત્ર શાહરૂખ ખાનના ક્રિકેટ પ્રત્યેના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ અમેરિકામાં ક્રિકેટને નવી ઓળખ અને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Kajal Aggarwal Interview: એરપોર્ટ લુક અને બોડી શેમિંગના પ્રેશર પર ભડકી કાજલ અગ્રવાલ