સંગીતાએ શુક્રવારે ચેંગલપટ્ટુ પાસેની ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. સુનાવણી દરમિયાન તેણે પોતાની અરજી પર આગળ કાર્યવાહી ન કરવા પાછળના કારણો જણાવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેની અરજી પાછી ખેંચાયેલી માનીને કેસનો નિકાલ કરી દીધો હતો. કોર્ટના સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.
સંગીતાએ વિજય પર લગાવ્યા હતા ગંભીર આરોપ
સંગીતાએ અગાઉ દાખલ કરેલી અરજીમાં પતિ થલાપતિ વિજય પર એક્ટ્રેસ સાથે લગ્નેતર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેને સતત માનસિક ત્રાસ, અવગણના અને અલગ રહેવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અરજીમાં તેણે કહ્યું હતું કે જરૂર પડે તો સંબંધિત એક્ટ્રેસને કેસમાં બીજા પ્રતિવાદી તરીકે સામેલ કરી શકાય છે. સંગીતાએ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ છૂટાછેડાની માગ કરી હતી. તેણે કહ્યું હતું કે તેમનો લગ્નજીવન સંપૂર્ણપણે તૂટી ગયું છે અને હવે તેને ફરીથી જોડવાની કોઈ શક્યતા નથી.
25 ઓગસ્ટ 1999ના રોજ થયા હતા લગ્ન
વિજયે 25 ઓગસ્ટ 1999ના રોજ સંગીતા સોર્ણાલિંગમ સાથે લગ્ન કર્યા હતા. સંગીતા મૂળ શ્રીલંકાના તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને લગ્ન પહેલાં વિજયની ફેન હતી. બંનેની મુલાકાત બાદ તેમનો સંબંધ આગળ વધ્યો અને વાત લગ્ન સુધી પહોંચી. લગ્ન બાદ સંગીતા ઘણા વર્ષો સુધી વિજય સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતી રહી હતી અને તેમના પારિવારિક જીવનમાં પણ મહત્વની ભૂમિકા ભજવતી હતી. લગ્ન બાદ બંનેને 2 બાળકો થયા. તેમના પુત્રનું નામ જેસન સંજય અને પુત્રીનું નામ દિવ્યા સાશા છે. જેસન સંજય ફિલ્મ પ્રોડક્શનમાં રસ ધરાવે છે, જ્યારે દિવ્યા સાશા પણ કેટલાક પ્રસંગોએ પોતાના પિતા સાથે જોવા મળી ચૂકી છે.
27 વર્ષ બાદ સંબંધોમાં અંતર વધ્યું
લગભગ 27 વર્ષના લગ્નજીવન બાદ વિજય અને સંગીતાના સંબંધોમાં અંતર વધ્યું હોવાના અહેવાલો સામે આવવા લાગ્યા હતા. વર્ષ 2026માં સંગીતાએ ચેંગલપટ્ટુની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અરજીમાં લગ્નજીવન સાથે જોડાયેલા અનેક આરોપો અને અલગ રહેવા અંગેના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, આ આરોપો અંગે વિજય તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નહોતી. કેસની સુનાવણી ઘણી વખત ટળી હતી અને કોર્ટે બંને પક્ષોની હાજરીને લઈને કેટલાક નિર્દેશો પણ આપ્યા હતા. આ દરમિયાન વિજય પોતાના રાજકીય કરિયરમાં ઝડપથી આગળ વધ્યા અને તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેમના પારિવારિક સંબંધોને લઈને પણ ચર્ચા થતી રહી હતી.
સંગીતાએ હવે છૂટાછેડાની અરજી પાછી ખેંચી
સંગીતાએ ફેમિલી કોર્ટમાં પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેતા હવે આ કેસનો અંત આવી ગયો છે. કોર્ટ દ્વારા પણ અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો-Actress Love Life : 51ની ઉંમરે પણ અમીષા પટેલે કેમ નથી કર્યા લગ્ન? એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો!