બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પકડાયેલા 11 આરોપીઓની પૂછપરછ અને તેમના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનાને અંજામ આપવા માટે એક સુનિયોજિત નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું.

આરોપીઓને 3 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચ્યા

મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી અનિલ પંડિતે તમામ 11 આરોપીઓને ત્રણ અલગ-અલગ જૂથોમાં વહેંચીને તેમની જવાબદારીઓ સોંપી હતી. દરેક ગ્રૂપને અલગ ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેથી આખી કાવતરા દરમિયાન જો કોઈ એક આરોપી પકડાઈ જાય તો પોલીસ બાકીના લોકો સુધી સરળતાથી પહોંચી ન શકે.

રેકી, હથિયારોની ખરીદી અને ડિલિવરીનું નેટવર્ક

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પહેલા ગ્રૂપને રેકી કરવાની અને ફાયરિંગ કરવાની જવાબદારી સોંપાઈ હતી. જેમાં ફૂલ સિંહ, રેહાન સિદ્દીકી, ઋતિક કુમાર અને અંકિત ખટવ સામેલ હતા. બીજા ગ્રૂપનું કામ હથિયારોની ખરીદી કરવાનું હતું. આ ગ્રૂપમાં પ્રાંજલ, કુણાલ, સુમિત અને જતિનનો સમાવેશ થતો હતો. જ્યારે ત્રીજા ગ્રૂપને ખરીદેલા હથિયારો સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવાનું કામ સોંપાયું હતું, જેમાં સમીર, કુણાલ, તેની પ્રેમિકા રાધા અને તેની મિત્ર બબીતા સામેલ હતાં.

માર્ચ 2026થી ઘડાઈ રહ્યું હતું ફાયરિંગનું કાવતરું

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાધા, બબીતા, કુણાલ, સુમિત અને પ્રાંજલને એ વાતની પૂરી જાણકારી હતી કે મુંબઈમાં કયા હેતુથી હથિયારો પહોંચાડવામાં આવી રહ્યા છે અને કઈ મોટી ઘટનાની તૈયારી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના મતે, ટાઇગર શ્રોફ પર ફાયરિંગનું ષડયંત્ર અચાનક નહોતું ઘડાયું, પરંતુ તેની તૈયારીઓ લગભગ આઠ મહિના પહેલાં માર્ચ 2026માં શરૂ કરી દેવામાં આવી હતી.

મુખ્ય આરોપી સાથે મુલાકાત અને શૂટર્સને મુંબઈ મોકલવાનું ષડયંત્ર

આ દરમિયાન કાવતરામાં સામેલ રણદીપ મલિકે કુણાલ અને રેહાનની મુલાકાત મુખ્ય આરોપી અનિલ પંડિત સાથે કરાવી હતી. આ મુલાકાત પછી અનિલ પંડિતે પોતાના નેટવર્કના લોકો સાથે મળીને આખી ઘટનાનો પ્લાન તૈયાર કર્યો હતો. ષડયંત્રને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ ઘટનાના લગભગ 25 દિવસ પહેલાં એટલે કે 23 સપ્ટેમ્બર 2026ના રોજ અનિલ પંડિતે પોતાના બે મુખ્ય શૂટર્સ ફૂલ સિંહ અને રેહાનને અંકિત સાથે મુંબઈ મોકલ્યા હતા. આ લોકોને મુંબઈમાં રહીને આગળની ગતિવિધિઓ પાર પાડવાની હતી.

Tiger Shroff Firing Case (1)

અનિલ પંડિતે કર્યું હતું સમગ્ર કાવતરાનું ફંડિંગ

ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાવતરાના પ્લાનિંગથી લઈને તેને અમલમાં મૂકવા સુધીનો તમામ નાણાકીય ખર્ચ અનિલ પંડિતે જ ઉપાડ્યો હતો. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સ અને તેમની વચ્ચે થયેલી નાણાકીય લેવડ-દેવડની તપાસ કરી રહી છે.

વોટ્સએપ ચેટ અને વોઈસ નોટ્સથી ખૂલ્યા રહસ્યો

તપાસમાં જાણવા મળ્યું છે કે કુણાલ અને પ્રાંજલ સતત અનિલ પંડિતના સંપર્કમાં હતા. આરોપીઓના મોબાઇલ ફોનની ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ દરમિયાન પોલીસને ઘણા મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. જેમાં વોટ્સએપ ચેટ્સ, વોઇસ નોટ્સ અને એકબીજાને મોકલેલા વીડિયો સામેલ છે. પોલીસ આ તમામ ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ વચ્ચેની વાતચીત અને આ કાવતરામાં તેમની ચોક્કસ ભૂમિકાની કડીઓ જોડી રહી છે.

આ પણ વાંચો-Box Office Report : જેલર 2ની કમાણી ઘટી, ઉડતા તીર પણ લથડાઈ! થિયેટરોમાં ફિલ્મોની હાલત ખરાબ