ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસની તપાસ દરમિયાન પોલીસ સતત નવા ખુલાસા કરી રહી છે. હવે સામે આવ્યું છે કે ટાઇગર શ્રોફ નહીં પણ બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન પર હુમલો થવાનો હતો. શૂટર્સે પોતાનો પ્લાન કેમ બદલવો પડ્યો, તેનું કારણ પણ સામે આવી ગયું છે.

આમિર ખાન પર થવાનો હતો હુમલો?

પોલીસ તપાસ મુજબ, ગેંગ બોલીવુડના કોઈ મોટા સ્ટાર પર હુમલો કરીને આખા દેશમાં ડરનો માહોલ ઊભો કરવા માંગતી હતી. આ માટે બાંદ્રા કાર્ટર રોડ સ્થિત તે જ બિલ્ડિંગમાં રહેતા આમિર ખાનની પણ રેકી કરવામાં આવી હતી. કડક સુરક્ષા અને અનિશ્ચિત રૂટિનના કારણે આમિર પર હુમલો કરવો અશક્ય લાગ્યો હતો.

ટાઇગર શ્રોફ કેવી રીતે ટાર્ગેટ બન્યા?

આમિર ખાન સહિત અન્ય સેલિબ્રિટીઝના ટાઇમિંગ અને સિક્યોરિટીના કારણે તેમના પર કોઈ હુમલો કરવો મુશ્કેલ હતો. ટાઇગર શ્રોફ શૂટર્સ માટે સૌથી આસાન ટાર્ગેટ લાગ્યા. એક્ટરનો જિમ રૂટિન અને સ્પોર્ટ્સનો સમય ફિક્સ હતો. સુરક્ષાની ખામી, ફિક્સ રૂટિન અને સરળ પહોંચના કારણે ટાઇગર શ્રોફ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ કારણથી ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ટર્કીશ અને લોકલ પિસ્તોલનો થયો ઉપયોગ

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો મુજબ, શૂટર્સે ટાઇગર શ્રોફ પર ફાયરિંગ માટે ટર્કીમાં બનેલી ઝિગાના પિસ્તોલ અને એક લોકલ દેશી પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. દેશી પિસ્તોલ જામ થઈ ગઈ હતી, જેથી શૂટર ટાઇગર શ્રોફની કારની સાઈડ વિન્ડો પર ગોળી ચલાવી શક્યો નહીં અને આ હુમલામાં ટાઇગર શ્રોફ આબાદ બચી ગયા.

સૂરતથી બંને પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ જપ્ત

પોલીસે 2 દિવસ પહેલાં સૂરતથી બંને પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ટર્કીમાં બનેલી ઝિગાના પિસ્તોલનો ઉપયોગ બિશ્નોઈ ગેંગે વર્ષ 2024માં બાબા સિદ્દીકી અને સલમાન ખાન શૂટિંગ કેસમાં પણ કર્યો હતો.

આ પણ વાંચો-South Cinema : રજનીકાંતની જેલર 2એ વિશ્વભરમાં રચ્યો ઇતિહાસ, બની તમિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ!