બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ એક્ટર ટાઈગર શ્રોફની BMW કાર પર ફાયરિંગ કરવા માટે દેશી પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આ પિસ્તોલને કોપી પીસ પણ કહેવામાં આવે છે.

કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ

હુમલાખોરોએ કારના આગળના વિન્ડશિલ્ડ અને સાઈડની બારીને નિશાન બનાવીને કુલ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમાંથી 5 ગોળીઓ કારમાં વાગી, જ્યારે 2 ગોળીઓ નિશાન ચૂકી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચમી ગોળી ચલાવ્યા પછી પેસેન્જર સાઈડની બારીની સૌથી નજીક રહેલો શૂટર કાર પાસે પહોંચ્યો અને ટાઈગર શ્રોફ પર ખૂબ જ નજીકથી ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો.

પિસ્તોલ જામ થતાં ટળી મોટી દુર્ઘટના

જોકે પિસ્તોલ જામ થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શૂટરે 2 વાર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હથિયારમાં ખામી સર્જાવાને કારણે ફાયર ન થઈ શક્યું. માનવામાં આવી રહ્યું છે કે હથિયારમાં આવેલી આ ખામીના કારણે એક્ટર પર નજીકથી ગોળી ચાલતા રહી ગઈ. ત્યારબાદ બંને શૂટર એ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયા, જે તેમના ત્રીજા સાથીએ પહેલાંથી જ તૈયાર રાખી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ હુમલા પહેલાં વિસ્તારની રેકી કરી હતી. ફાયરિંગ કરતાં પહેલાં તેઓ પુષ્પા પાર્ક પાસે લગભગ 45 મિનિટ સુધી રાહ જોતા રહ્યા હતા.

બાઈક છોડીને સુરત તરફ ભાગ્યા હોવાની શંકા

ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓ મોટરસાઇકલ લઈને અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન પહોંચ્યા અને પોલીસ બીટ ચોકી પાસે એવી જગ્યાએ બાઈક છોડી દીધી, જ્યાં CCTV કેમેરાની નજર ન પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ સુરત તરફ ભાગી ગયા હોવાની શંકા છે.

FIR થી મોટો ખુલાસો: કેવી રીતે થયો હુમલો

આ મામલે FIR નોંધાઈ ચૂકી છે. FIR મુજબ, ફરિયાદ કરનાર ફિરદોસ ઇબ્રાહિમ બલોચ 47 છેલ્લા 28 વર્ષથી ટાઈગર શ્રોફના કેરટેકર તરીકે કામ કરી રહ્યા છે. જરૂર પડે ત્યારે તેઓ તેમની ગાડી પણ ચલાવે છે. 18 ઓક્ટોબરની સાંજે લગભગ 7 વાગ્યે ટાઈગર શ્રોફ અને ફિરદોસ સાંતાક્રુઝ વેસ્ટમાં આવેલા એમ.એમ. મેટ્રિક્સ જિમમાંથી BMW કાર MH-02-GE-0264 માં બેસીને વિલે પાર્લે વેસ્ટમાં આવેલા જમુનાબાઈ નર્સરી ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા ગયા હતા. ફૂટબોલ રમ્યા પછી જ્યારે બંને પાછા ફરી રહ્યા હતા, ત્યારે સ્કૂલના ગ્રાઉન્ડના ગેટમાંથી બહાર નીકળીને ડાબી બાજુ વળતી વખતે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/reel/DepQ7D4DIUT/?utm_source=ig_web_copy_link&vrfl=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ

આ હુમલાની તપાસ પહેલાં મુંબઈ પોલીસ કરી રહી હતી પરંતુ હવે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા કેસોની તપાસ અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચે જ કરી છે. આ જ કારણે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-South Cinema : 2026ની ટોપ 5 ફિલ્મોમાં છવાઈ જેલર 2, રજનીકાંતના તોફાન સામે અન્ય મેગા ફિલ્મો પડી ફિક્કી!