બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસની તપાસ દરમિયાન હથિયારોની ખરીદી અંગે મહત્વની વિગતો સામે આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, ફાયરિંગમાં વપરાયેલી જીગાના પિસ્તોલ અમૃતસરથી 2.50 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. તેની સાથે 20 રાઉન્ડ કારતૂસ પણ લાવવામાં આવ્યા હતા. પોલીસ હવે હથિયારો સપ્લાય કરનાર વ્યક્તિની ઓળખ કરવા અને આ આખા નેટવર્કનો પર્દાફાશ કરવાના પ્રયાસો કરી રહી છે.
બિશ્નોઈ ગેંગના નિર્દેશ પર હથિયારોની ખરીદી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બિશ્નોઈ ગેંગનો સભ્ય અનિલ પંડિતના નિર્દેશ પર આરોપીઓએ અમૃતસરથી પિસ્તોલ અને કારતૂસની વ્યવસ્થા કરી હતી. હથિયાર ખરીદવા માટે 2.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કુણાલ, સુમિત અને જતિન પૈસા લઈને સીધા અમૃતસર પહોંચ્યા હતા. ત્યાં તેણે એક અજાણી જગ્યાએથી પિસ્તોલ અને કારતૂસ લીધા હતા.
પૈસા મૂકીને હથિયાર લઈને પરત ફર્યા આરોપીઓ
તપાસ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, આરોપીઓએ અમૃતસરમાં જે અજાણી જગ્યાએથી હથિયાર અને કારતૂસ લીધા હતા, ત્યાં જ ખરીદી માટે લાવેલા પૈસા મૂકી દીધા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેને હથિયાર અને કારતૂસ આપનાર વ્યક્તિ કોણ હતો. ક્રાઇમ બ્રાન્ચ આ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી હથિયારોની ખરીદી અને સપ્લાય સાથે સંકળાયેલા સમગ્ર નેટવર્ક સુધી પહોંચી શકાય.
સપ્લાયર સાથેના સંપર્કની તપાસ તેજ
તપાસ એજન્સીઓ એ પણ શોધવામાં લાગી છે કે આરોપીઓનો હથિયાર પૂરા પાડનાર વ્યક્તિ સાથે સંપર્ક કેવી રીતે થયો અને આ ડીલમાં કોણ કોણ સામેલ હતું. હાલમાં, અમૃતસરમાં હથિયાર આપનાર વ્યક્તિની ઓળખ કરવી એ તપાસનો મુખ્ય હિસ્સો બની ગઈ છે.
ફાયરિંગ કેસમાં હથિયારોના સપ્લાય પર ફોકસ
ટાઇગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. હવે જીગાના પિસ્તોલની ખરીદી અને તેને મુંબઈ પહોંચાડવા સાથે જોડાયેલી કડીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે. હથિયારો સપ્લાય કરનાર વ્યક્તિની ઓળખ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકો અંગે વિગતો સામે આવ્યા બાદ આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
18 ઓક્ટોબરે ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું. તેઓ ફૂટબોલ રમીને પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે 3 લોકોએ તેમની કાર પર હુમલો કરી દીધો હતો. જોકે, આ ઘટનામાં ટાઇગરને કોઈ ગોળી વાગી નહોતી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. આ કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Ranbir Kapoorનો પર્સનલ ફોન નંબર થઈ ગયો લીક? રામાયણ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ!