તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો પ્રિય શો છે 17 વર્ષથી આ શોમાં ઘણા બધા વળાંકો આવ્યા પરંતુ TRPને કોઈ જ ફર્ક પડ્યો નહીં. ત્યારે હવે તારક મહેતા દર્શકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી શોમાંથી ગેરહાજર રહેલી દયાબેન એટલે કે દિશા વાકાણી ટૂંક સમયમાં પરત ફરી શકે છે. રક્ષાબંધનના ખાસ અવસર પર મેકર અસિત મોદી ઘરે પહોંચ્યા હતા અને દયાબેન પ્રેમથી રાખડી બાંધતા જોવા મળ્યા હતા. અસિત મોદીએ પોતે એક વીડિયો દ્વારા આ માહિતી શેર કરી છે.
અસિત મોદી અને દયાબેનને સાથે જોતા ફેન્સ થયા ખુશ
અસિત મોદીએ દયાબેન સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોતા જ ફેન્સ ખુબ જ ખુશ થયા છે અને કહી રહ્યા છે કે, તારક મહેતામાં હવે દયાબેનની એન્ટ્રી નક્કી થશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, અસિત મોદી દયાબેનના ઘરે ગયા છે ત્યાં દિશા સિવાય આખો પરિવાર હાજર જોવા મળી રહ્યો છે. દિશા અસિત મોદીને તિલક લગાવી, આરતી ઉતારે છે અને ત્યાર બાદ તેમના હાથ પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. આ દરમિયાન અસિત દયાબેનને મીઠાઈ પણ ખવડાવે છે અને બંને એકબીજાના ચરણ સ્પર્શ કરે છે.
અસિત મોદી કહ્યું- દિલથી સંબંધ.....
અસિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર આ મુલાકાત અને તહેવાર વિશે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, કેટલાક સંબંધો કિસ્મતથી બનેલા હોય છે, તે લોહીનો સબંધ નથી પરંતુ હૃદયના સંબંધો છે. તે ફક્ત અમારી 'દયા ભાભી' નથી પણ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો અને નિકટતા શેર કરતી વખતે આ સંબંધ સ્ક્રીનથી ઘણો આગળ વધી ગયો છે. આ રાખી પર એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડી નિકટતા ફરી અનુભવાઈ....આ બંધન હંમેશા તેની મીઠાશ અને શક્તિ સાથે રહે.
શું તારક મહેતામાં દયાબેનની થશે એન્ટ્રી?
દયાબેન એટલે કે દિશા વાકાણીએ લગ્ન બાદ 2017માં એક પુત્રીને જન્મ આપ્યો હતો. તે સમય દરમિયાન, તેણીએ શો છોડી દીધો હતો અને તે પછી તે આજ સુધી શોમાં પાછી ફરી નથી. દરેક પ્રસંગે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માત્ર તેને યાદ કરતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે. ઘણી વખત એવા અહેવાલો આવ્યા હતા કે દિશા ટૂંક સમયમાં શોમાં પરત ફરશે પરંતુ અત્યાર સુધી આવું થયું નથી.