બોલીવુડની ઝાકઝમાળ પાછળ અનેક કિસ્સાઓમાં એકલતા અને ગરીબીનું અંધારું છુપાયેલું હોય છે. એવા સિતારાઓની, જેમણે કરોડો દિલો પર રાજ તો કર્યું, પણ તેમનો અંતિમ સફર અત્યંત દર્દનાક અને મજબૂરીમાં વીત્યો.


સમય કોઈનો સગો નથી: આ સિતારાઓનો દુઃખદ અંત

1. મીના કુમારી: ભારતીય સિનેમાની ટ્રેજેડી ક્વીન મીના કુમારીએ પડદા પર જેટલું દુઃખ જીવ્યું, તેનાથી વધુ પીડા અસલી જિંદગીમાં ભોગવી. વૈવાહિક તણાવ અને એકલતાને કારણે તેઓ દારૂના રવાડે ચડી ગયા. જ્યારે લિવર સીરોસિસને કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારે તેમની પાસે બિલ ભરવાના પૈસા પણ નહોતા.

2. એ.કે. હંગલ: શોલેના રહીમ કાકા તરીકે જાણીતા હંગલ સાહેબે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ અંતિમ દિવસોમાં કામ ન મળતા તેઓ ભારે આર્થિક તંગીમાં આવી ગયા. નાના એવા ઘરમાં રહેતા હંગલ સાહેબ પાસે ઈલાજ માટે પણ પૈસા નહોતા. અંતે 2012માં સરકારી હોસ્પિટલમાં તેમનું નિધન થયું.

3. ગુરુ દત્ત: ભારતીય સિનેમાના શ્રેષ્ઠ દિગ્દર્શક ગુરુ દત્ત 1964માં તેમના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યા હતા. એવું કહેવાય છે કે પત્ની સાથેના ખરાબ સંબંધો અને બાળકોથી દૂર રહેવાના દુઃખમાં તેમણે દારૂ સાથે ઊંઘની ગોળીઓ લઈ લીધી હતી. તે રાત્રે શું થયું હતું, તે આજે પણ એક રહસ્ય છે.

4. ભગવાન દાદા: એક સમયે આલીશાન ગાડીઓ અને બંગલા ધરાવતા ભગવાન દાદાની હાલત હંસતે રહના ફિલ્મની નિષ્ફળતા પછી બદલાઈ ગઈ. બધું જ વેચાઈ ગયું અને અંતિમ વર્ષો મુંબઈની એક ચાલમાં ગરીબીમાં વીત્યા. જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા, ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ તેમનાથી મોઢું ફેરવી લીધું હતું.

5. પરવીન બાબી: 70-80ના દાયકાની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ પરવીન બાબી પેરાનોઈડ સિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીનો ભોગ બની હતી. તેમને સતત એવું લાગતું કે લોકો તેમને મારી નાખવા માંગે છે. 2005માં તેમના ફ્લેટમાં તેમનો મૃતદેહ એવી હાલતમાં મળ્યો કે તે સડવા લાગ્યો હતો. તેમના ઘરની બહાર દૂધના પેકેટ અને છાપા જમા થતા પાડોશીઓને શંકા ગઈ હતી.

6. વિમી: હમરાજ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી વિમીનો અંત સૌથી વધુ હૃદયદ્રાવક હતો. કરિયર ડૂબ્યા બાદ તેઓ દારૂના નશામાં ડૂબી ગયા. 1977માં જ્યારે તેમનું નિધન થયું, ત્યારે તેમની પાસે અંતિમ સંસ્કાર માટે પણ પૈસા નહોતા. તેમના મૃતદેહને લારીમાં નાખીને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો.

આ કલાકારોની કહાની આપણને શીખવે છે કે સમય હંમેશા એક જેવો નથી રહેતો અને ગ્લેમરની દુનિયા જેટલી હસીન દેખાય છે, તેટલી જ ક્યારેક બેરહેમ પણ બની શકે છે.

આ પણ વાંચો- 100 કરોડનું બજેટ! ફિલ્મ રાજા શિવાજીનો સૌથી મોંઘો એક્ટર કોણ? જાણો રિતેશ દેશમુખથી લઈને અન્ય સ્ટાર્સની ફી!

  • Follow us on: