ચર્ચિત કનૈયાલાલ ટેલર હત્યાકાંડ પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજે રિલીઝ થઈ છે. ફિલ્મની રિલીઝના અવસરે કનૈયાલાલના પુત્ર યશ સાહુએ ભાવુક અપીલ કરતાં કહ્યું કે, આ ફિલ્મ માત્ર એક કહાની નથી, પરંતુ દેશના લોકો માટે એ સંદેશ છે કે 28 જૂનના રોજ મારા પિતાજી સાથે શું થયું અને કઈ રીતે દેશમાં આતંકવાદની આગ સળગી રહી છે
ફિલ્મ કોઈ પણ ધર્મનો વિરોધ કરવા નહી
યશ સાહુએ વધુમાં જણાવ્યું કે, હું દેશના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ આ ફિલ્મ જોઈને સત્ય જાણે. આ ફિલ્મ કોઈ પણ ધર્મનો વિરોધ કરવા કે કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે નથી બનાવાઇ પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા અને આતંકવાદના ખતરનાક ચહેરાને ખુલ્લો પાડવા માટે બનાવવામાં આવી છે।”
પિતાજી માટે એક બેઠક ખાલી રાખવામાં આવી
તેમણે જણાવ્યું કે ફિલ્મના વિશેષ પ્રદર્શન દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ફિલ્મને પૂરતો સમર્થન મળ્યું. મારી માતાજી આ ફિલ્મ જોઈ શકશે નહીં, પરંતુ થિયેટરમાં મારા પિતાજી માટે એક બેઠક ખાલી રાખવામાં આવી હતી અને તેમાં તેમનો ફોટો મૂકવામાં આવ્યો હતો, જેથી તેમની હાજરીનો અહેસાસ રહી શકે તેમ યશે જણાવ્યું.
આ સહયોગ તેમના પરિવાર માટે હિંમત વધારનારો
યશ સાહુએ આગળ જણાવ્યું કે આ ફિલ્મ બનાવવામાં અને રિલીઝ કરવામાં ઘણા હિંદૂ સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગેવાની ધરાવતી કેન્દ્ર સરકારની પણ સંપૂર્ણ મદદ મળી હતી. તેમણે કહ્યું કે આ સહયોગ તેમના પરિવાર માટે હિંમત વધારનારો છે અને તેમને ન્યાય માટેની લડત ચાલુ રાખવાની તાકાત આપે છે.
કનૈયાલાલ હત્યાકાંડ 28 જૂન 2022ના રોજ ઉદયપુરમાં થયો હતો
કનૈયાલાલ હત્યાકાંડ 28 જૂન 2022ના રોજ ઉદયપુરમાં થયો હતો, જ્યારે બે હુમલાખોરો તેમના દુકાનમાં ઘુસી ગયા અને નિર્દયતાથી તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો અને તમામ તરફથી તેની ઘોર નિંદા થઈ હતી. તપાસ એજન્સીઓએ આ ઘટનાને આતંકવાદી ષડયંત્ર માનીને અનેક આરોપીઓને પકડ્યા હતા.
સમાજને એકતાબદ્ધ થવું કેટલું અગત્યનું
‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મ આ ઘટનાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે કટ્ટરપંથી વિચારધારાના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે અને સમાજમાં ભયનો માહોલ ઉભો થાય છે. ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ માત્ર સત્યને બહાર લાવવાનો નથી, પણ લોકોમાં આ સમજ પણ ઉભી કરવાની છે કે આતંકવાદની જાળ કેવી રીતે રચાય છે અને તેને નાબૂદ કરવા માટે સમાજને એકતાબદ્ધ થવું કેટલું અગત્યનું છે.