બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને ફિલ્મ 'સ્પિરિટ'માંથી દૂર કરવાના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચા છેડાઈ છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, દીપિકાએ માતા બન્યા પછી 8 કલાકની શિફ્ટ માંગી હતી જેના પર દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા ગુસ્સે થયા અને તેના કારણે તેમને ફિલ્મમાંથી દૂર કરી હતી. દીપિકા પાદુકોણની આ માગ બાદ ઘણી હસ્તીયો તેના સમર્થનમાં આવ્યા હતા.
વિદ્યા બાલને 8 કલાકની શિફ્ટ પર આપ્યું નિવેદન
વિદ્યા બાલનએ દીપિકાનું સમર્થન કર્યુ. વિદ્યા બાલને આ બાબતે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે આજના સમયમાં ઘણા ક્ષેત્રો મહિલાઓ માટે કામના કલાકો અપનાવી રહ્યા છે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેમ નહીં? માતાઓ માટે કામ અને પરિવાર વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ હોય છે તેથી તેમને સમયમાં થોડી છૂટછાટ આપવી ખૂબ જ જરૂરી છે. વિદ્યા પોતે હજુ માતા નથી તેમ છતાં તે માને છે કે દીપિકાની આ માગણી બિલકુલ યોગ્ય છે. તે પોતે તો હાલ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકે છે કારણ કે તેની પાસે કોઈ પારિવારિક જવાબદારી નથી. પરંતુ દરેક મહિલાની પરિસ્થિતિ જુદી હોય છે અને ખાસ કરીને માતા બન્યા બાદ સ્ત્રીના શરીર અને માનસિકતામાં જે બદલાવ આવે છે તે સમજવો ખૂબ જ જરૂરી છે.
આ અભિનેત્રીઓએ પણ કર્યું દીપિકાનું સમર્થન
આ સાથે વિક્રાંત મેસી પણ દીપિકાના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે કહ્યું કે એક યુવાન માતા તરીકે દીપિકાને ખાસ વ્યવસ્થા મળવી જોઈએ. જો કોઈ કલાકાર 12 કલાકની શિફ્ટ પૂરી ન કરી શકે, તો તેને પોતાની ફી ઓછી કરવાનો વિચાર પણ કરવો જોઈએ, કારણ કે આ આખો વિષય 'આપો અને લો' પર આધારિત છે. આ અંગે કાજોલ અને સોનાક્ષી સિંહા જેવી અભિનેત્રીઓએ પણ દીપિકાનું સમર્થન કર્યું છે. તેમનું માનવું છે કે જો મહિલાઓ પોતાના માતૃત્વ સાથે ફિલ્મ કારકિર્દી પણ જાળવી રાખવા માંગે છે, તો ફિલ્મ ઉદ્યોગે પણ સાથે બદલાવ લાવવો જોઈએ. બોલિવૂડમાં ઘણા સમયથી 12 કલાકની શિફ્ટ સામાન્ય રહી છે. પરંતુ બદલાતા સમય સાથે, પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું કામ કરવાની આ રીત હજુ પણ યોગ્ય છે, ખાસ કરીને જ્યારે મહિલાઓ પરિવાર અને કારકિર્દી બંનેને એકસાથે આગળ વધારવા માંગે છે.