કલ્પના કરો કે તમે કોઈ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હો અને અચાનક તમારી બાજુની સીટ પર જાણીતા સિંગર સોનુ નિગમ બેઠેલા જોવા મળે. નિઃશંકપણે કોઈપણ ચાહક માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હશે. પરંતુ 20 નવેમ્બર 2026ના રોજ રાયપુરથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા લોકોને આનાથી પણ મોટું સરપ્રાઇઝ મળ્યું હતું.

આ મુસાફરી દરમિયાન મુસાફરોને માત્ર સોનુ નિગમ સાથે ગીત ગાવાની તક જ નહીં મળી, પરંતુ ખુદ સોનુ નિગમે આખી ફ્લાઇટને એક શાનદાર મિની કોન્સર્ટમાં ફેરવી દીધી હતી. આ યાદગાર ક્ષણોના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અનુસાર, આ સુંદર ક્ષણની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફ્લાઇટમાં હાજર મુસાફરોએ સોનુ નિગમને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. તમામ મુસાફરોએ સાથે મળીને ફિલ્મ 'કલ હો ના હો'નું ટાઇટલ ટ્રેક અને 'ઓમ શાંતિ ઓમ'નું સુપરહિટ ગીત 'મૈં અગર કહૂં' ગાવાનું શરૂ કર્યું હતું.

ચાહકોની આ સુંદર અંદાજે સોનુ નિગમનું દિલ જીતી લીધું હતું. તેમણે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને મુસાફરોના ગાવાનો વીડિયો રેકોર્ડ કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે કેમેરો પોતાની તરફ ફેરવીને આ યાદગાર ક્ષણને પણ કેદ કરી હતી.

લેન્ડિંગ બાદ પણ પોતાની સીટ પરથી ઊભા ન થયા મુસાફરો

મુસાફરોનો ઉત્સાહ અહીં જ અટક્યો નહોતો. જ્યારે ફ્લાઇટ મુંબઈમાં લેન્ડ થઈ ગઈ અને સીટ બેલ્ટના સંકેતો પણ બંધ થઈ ગયા, તેમ છતાં કોઈ મુસાફર પોતાની સીટ પરથી ઊભો થયો નહોતો. તમામ લોકો શાંતિથી બેસીને સોનુ નિગમ તરફ જોઈ રહ્યા હતા. તેમને આશા હતી કે હવે સિંગર પણ તેમના માટે કંઈક ગાશે.

સોનુ નિગમે પોતે આ ક્ષણનો વીડિયો શેર કરીને લખ્યું કે સીટ બેલ્ટના સંકેતો બંધ થઈ ગયા છે અને આ લોકો હજુ પણ બેઠા છે. આ સ્પષ્ટ સંકેત છે કે તેમને લાગી રહ્યું છે કે હવે શો શરૂ થવાનો છે.

https://x.com/7_viral__/status/2123954712735256697?a=Fms5hn90mRRmMYDRB9E&s=20

માઇક હાથમાં લઈને ફ્લાઇટમાં જમાવ્યો રંગ

સોનુ નિગમે પણ પોતાના ચાહકોને નિરાશ કર્યા નહોતા. તેમણે ફ્લાઇટનો માઇક હાથમાં લીધો અને તમામ મુસાફરો માટે શાનદાર મિની કોન્સર્ટ શરૂ કરી દીધો હતો.

સિંગરે સૌથી પહેલાં 'કિસકા હૈ તુમકો ઇન્તજાર, મૈં હૂં ના' ગીત ગાયું હતું. ત્યારબાદ તેમણે 'તુઝે લગે ના નજરિયા' અને 'કલ હો ના હો' જેવા સુપરહિટ ગીતો ગાઈને આખી ફ્લાઇટનું વાતાવરણ ખુશનુમા બનાવી દીધું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે સોનુ નિગમે ભાવુક થઈને લખ્યું હતું કે આવો પ્રેમ માત્ર સપનામાં જ મળે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

સોનુ નિગમ બાદ હવે પુત્રએ પણ સંગીતની દુનિયામાં રાખ્યું પગલું

ઉલ્લેખનીય છે કે સોનુ નિગમ છેલ્લા લગભગ ચાર દાયકાથી પોતાના જાદુઈ અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. તેમણે અલગ-અલગ ભાષાઓમાં 1,000થી વધુ ગીતો ગાયાં છે.

હવે તેમના પગલે ચાલીને તેમના 19 વર્ષના પુત્રએ પણ સંગીત જગતમાં પહેલું પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સોનુ નિગમના પુત્રનું ડેબ્યૂ સિંગલ ગીત 'સ્લાઇડ' 6 નવેમ્બર 2026ના રોજ YouTube પર રિલીઝ થયું હતું. જેને યુવાનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો:Shah Rukh Khanની 'King'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, સુહાનાનો પણ જોવા મળશે જલવો