બોલીવુડના ભાઈજાન સલમાન ખાન દ્વારા થોડા દિવસો પહેલા બલુચિસ્તાન પર આપેલા નિવેદન બાદ પાકિસ્તાન ખૂબ જ નારાજ છે. ત્યારબાદ સલમાન ખાનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા તેમની સામે FIR નોંધવામાં આવી છે.


ભાઈજાનના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચાં

આ કેસ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નોંધવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા સાઉદી અરેબિયામાં JOY FORUM 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાન પણ હાજર હતા. આ કાર્યક્રમમાં સલમાન ખાને બલુચિસ્તાન પર એવું નિવેદન આપ્યું હતું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે કાર્યક્રમમાં, બલુચિસ્તાન અને પાકિસ્તાનને અલગ ગણાવતા તેણે કહ્યું હતું કે, આ બલુચિસ્તાનના લોકો, અફઘાનિસ્તાનના લોકો, પાકિસ્તાનના લોકો અહીં છે, સાઉદી અરેબિયામાં દરેક વ્યક્તિ સખત મહેનત કરી રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સલમાન ખાને પોતાના નિવેદનમાં બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે પાકિસ્તાનમાં રોષ ફેલાયો હતો. હવે પાકિસ્તાનમાં સલમાન ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સલમાનના નિવેદન પર બલૂચ નેતાઓએ શું કહ્યું?

બલુચિસ્તાનની સ્વતંત્રતાની માગણી કરતા નેતા મીર યાર બલોચે કહ્યું, ભારતીય ફિલ્મ સ્ટાર સલમાન ખાન દ્વારા સાઉદી અરેબિયામાં બલુચિસ્તાનનો ઉલ્લેખ કરવાથી 6 કરોડ બલુચ નાગરિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમણે ઉમેર્યું, સલમાને એવું કંઈક કર્યું જે મોટા દેશો પણ કરવામાં અચકાય છે. સાંસ્કૃતિક માન્યતાના આ સંકેતો સોફ્ટ ડિપ્લોમસીના શક્તિશાળી સાધનો છે, લોકોને જોડે છે અને વિશ્વને બલુચિસ્તાનને એક અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

  • Follow us on: