બોલીવુડ સેલેબ્સ અને પાપારાઝી વચ્ચેના વિવાદો હવે સામાન્ય બની રહ્યા છે. ક્યારેક પાપારાઝી દ્વારા સ્ટાર્સની પર્સનલ લાઈફને કરાતા સવાલો તો ક્યારેક અસભ્ટ ટિપ્પણીઓ કલાકારોને ગુસ્સે કરી દે છે. તાજેતરમાં જ સોનાક્ષી સિંહા અને નેહા ધૂપિયાએ પાપારાઝીના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી, અને હવે આ લિસ્ટમાં અભિનેત્રી ઝરીન ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝીની હરકતથી ઝરીન ખાનની ધીરજ ખૂટી ગઈ હતી અને તેણે કેમેરા સામે જ  પાપારાઝીને જોરદાર ઠપકો આપ્યો હતો.

શું છે સમગ્ર ઘટના? કેમ ગુસ્સે થઈ ઝરીન ખાન?

સોમવારે ઝરીન ખાન મુંબઈમાં એક ક્લોધિંગ (કપડાંની) બ્રાન્ડના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તે બ્રાન્ડના કલેક્શન સાથે કેમેરા સામે પોઝ આપી રહી હતી. પ્રમોશનના ભાગરૂપે તેના હાથમાં એક ડેનિમ જેકેટ અને ડ્રેસ હતો. આ દરમિયાન ત્યાં હાજર એક ફોટોગ્રાફરે મજાકિયા અંદાજમાં ઝરીનને બધાની સામે જ એ ડ્રેસ ટ્રાય (પહેરી જોવા) કરવા માટે કહ્યું. પાપારાઝીની આ અસભ્ય ટિપ્પણી સાંભળીને ઝરીનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. કોઈપણ ખચકાટ વિના તેણે તરત જ સણસણતો જવાબ આપ્યો, "તમારા બધાની સામે? એવું બિલકુલ નથી થઈ રહ્યું."

"હું એવા લોકોમાંથી નથી જે વાહિયાત વાતો સહન કરે..."

આટલેથી ન અટકતા ઝરીને ફોટોગ્રાફર્સને કડક શબ્દોમાં ચેતવણી આપતા આગળ કહ્યું, "મારી સાથે આવી વાહિયાત વાતો ના કરો, કારણ કે હું એવા લોકોમાંથી નથી જે આવી બકવાસ સહન કરે, સમજી ગયા? બધા પોતાની મર્યાદામાં રહો." ઝરીનનો આ કડક મિજાજ જોઈને ત્યાં હાજર તમામ લોકો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા પર યુઝર્સે કર્યા ઝરીનના વખાણ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે અને લોકો ઝરીનના સપોર્ટમાં આવ્યા છે. એક યુઝરે લખ્યું, "ઝરીન બિલકુલ સાચી છે, કોઈને પણ આવી ટિપ્પણી કરવાનો અધિકાર નથી." બીજા યુઝરે ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, "પાપારાઝી સેલેબ્સ સાથે આવી વાત કેવી રીતે કરી શકે?" જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, "શું તેઓ એવી આશા રાખતા હતા કે ઝરીન ત્યાં જ કપડાં બદલશે? આ સંપૂર્ણપણે ખોટું અને શરમજનક છે."

લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે ઝરીન

ઝરીન ખાનના કરિયરની વાત કરીએ તો, તેણે વર્ષ ૨૦૧૦ માં સલમાન ખાનની ફિલ્મ 'વીર' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ન ચાલી પરંતુ ઝરીનને એક મોટી ઓળખ મળી હતી. આ પછી તે સલમાન ખાનની જ ફિલ્મ 'રેડી' ના સુપરહિટ ગીત 'કેરેક્ટર ધીલા' માં જોવા મળી હતી. આ સિવાય તેણે 'હાઉસફુલ ૨', 'હેટ સ્ટોરી ૩', '૧૯૨૧', 'અક્સર ૨' અને પંજાબી ફિલ્મ 'જટ જેમ્સ બોન્ડ' માં કામ કર્યું છે. ઝરીન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદાથી દૂર છે અને તે છેલ્લે વર્ષ ૨૦૨૧ માં JioHotstar પર રિલીઝ થયેલી ફિલ્મ "હમ ભી અકેલે તુમ ભી અકેલે" માં નજરે પડી હતી.


આ પણ વાંચો : TMKOC: શું જેઠાલાલ શો છોડી રહ્યા છે? સોશિયલ મીડિયા પર વાયરલ સમાચાર પર મેકર્સે તોડ્યું મૌન