ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ભલે યુદ્ધ વિરામ થઈ ગયું હોય. પરંતુ પહલગામ હુમલા બાદ અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની કલાકારોની પ્રતિક્રિયાને લઈને ભારતમાં રોષ ભભૂકી ઉઠ્યો. પાકિસ્તાની કલાકારોને બોલીવુડમાં કામ ના આપવાની માગ ઉઠવા લાગી છે. ફવાદ ખાન અને માહિરા ખાન જેવા પાકિસ્તાની કલાકારોએ ભારતના ઓપરેશન સિંદૂરને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યા બાદ દેશભરના લોકોમાં પાકિસ્તાનના અભિનેતા કે સંગીતકાર કે ગાયકને ભારતમાં પગ પણ મૂકવા દેવામાં ના આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. લોકોના આ રોષની હિન્દી સિનેમામા અસર જોવા મળી છે. હવે ભૂતકાળમાં અને અત્યારે પણ પાકિસ્તાની કલાકારો બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે તે ફિલ્મોના પોસ્ટરથી કલાકારોને દૂર કરવામાં આવી રહ્યા છે.


પાકિસ્તાની કલાકારો સામે ભારતમાં રોષ

ભારત-પાકિસ્તાન સરહદ તણાવની અસર મોટાભાગે બોલિવૂડ અને રમતગમતની દુનિયામાં ખાસ કરીને ક્રિકેટની રમત પર જોવા મળે છે. ઘણા સમયથી પાકિસ્તાની કલાકારોને બોલીવુડની ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ છે હવે હિન્દી ફિલ્મોના પોસ્ટર પરથી પણ તેમને દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ ફિલ્મોમાં ફવાદ ખાન, માવરા હોકેન અને માહિરા ખાન જેવા પાકિસ્તાની કલાકારોએ કામ કરી નામના મેળવી છે. હવે આવા તમામ કલાકારોના નામ અને પોસ્ટર દૂર કરવામાં આવી રહ્યા છે.

કલા અને કલાકારને સરહદ નહીં રાષ્ટ્રપ્રેમ જરૂર હોય

બોલીવુડમાં અનેક હસ્તીઓએ એવી છે જે પાકિસ્તાની કલાકારોને આશ્રય આપે છે. ત્યારે હવે વર્તમાન સંજોગોને પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ ભવિષ્યમાં કોઈ પણ પાકિસ્તાની કલાકારોને કામ નહીં આપવાના નિર્દેશ કરાયા છે. કેટલાક એવા મોટા કલાકારો અને નિર્માતાઓ છે જેઓ કહેતા હોય છે કે કલા અને કલાકારને કોઈ સરહદ હોતી નથી. કલાકારો કોઈપણ દેશમાં પોતાની કલાનું પ્રદર્શન કરી શકે છે. આવા કહેવાતા બની બેઠેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓએ અત્યારે પહલગામ હુમલા બાદ અને ઓપરેશન સિંદૂર બાદ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.હવે લોકો પણ જાગૃક બન્યા છે અને ઇન્ડ્સ્ટ્રીના આવા માંધાતાની નોંધ લેતા તેમને પૂછી રહ્યા છે કે કલા ને સરહદ ના હોય પણ રાષ્ટ્રપ્રેમ તો હોય ને ?

પાકિસ્તાની કલાકારોના પોસ્ટર્સ દૂર કરાયા

ભારતીય ફિલ્મોના પોસ્ટર પરથી પાકિસ્તાની કલાકારોના પોસ્ટર્સ પણ દૂર કરવામાં આવ્યા છે.હાલમાં ગીત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્પોટાઇફ અને યુટ્યુબ મ્યુઝિકે આલ્બમ અને ફિલ્મોના પોસ્ટરમાંથી પાકિસ્તાની કલાકારોના ચિત્રો દૂર કર્યા છે અને હવે આ ફિલ્મોના ગીતો સ્ટ્રીમ કરતી વખતે નવા સંપાદિત પોસ્ટરો દેખાશે. પાકિસ્તાની કલાકારોની તસવીરો હટાવવામાં આવી છે તેમાં શાહરૂખ ખાન અને માહિરા ખાનની 2017ની ફિલ્મ 'રઈસ', હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની 2016ની ફિલ્મ 'સનમ તેરી કસમ', સિદ્ધાર્થ મલ્હોત્રા અને ફવાદ ખાનની 2016ની ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' અને જાલિમા ગીતનો સમાવેશ થાય છે. એડિટિંગ પછી, નવા પોસ્ટરોની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

  • Follow us on: