એક સમયે સલમાન ખાન મુંબઈના રસ્તાઓ પર સાયકલ ચલાવતો જોવા મળતો હતો. પરંતુ વારંવાર સલમાન ખાનના ઘર પર હુમલાઓ થતાં અને ધમકીભર્યા ઈમેલ મળતા પરિસ્થિતિ કંઈક બદલાઈ ગઈ છે. હવે સલમાન ખાન સુરક્ષા વગર દેખાતો નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યો હતો.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સલમાનની કાર પસાર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ખાનની કારની આગળ અને પાછળ ઘણી સુરક્ષા વ્યવસ્થા છે. સલમાનની કારની આગળ એક કાર છે જેના પર પોલીસ લખેલું છે તેમાં સલમાનના સુરક્ષા કર્મચારીઓ પણ દેખાય છે. ત્યાર બાદ સલમાનની કાર દેખાય છે આ કારની પાછળ બીજી પોલીસ કાર દેખાય છે. સલમાન વચ્ચેની કારમાં બેઠેલો જોવા મળે છે. હાલમાં સલમાન ખાને નજીકના એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી.
ભાઈજાન નજીકના મિત્રના લગ્નમાં પહોંચ્યો
સલમાન ખાન કારમાં બેસીને નજીકના મિત્રના લગ્નમાં પહોંચ્યો હતો ત્યાં પણ ભાઈજાન પર સુરક્ષા જોવા મળી હતી. અભિનેતાની આસપાસ તેના ઘણા બોડીગાર્ડ્સ જોવા મળ્યા હતા. સલમાન ખાન આ લગ્નમાં થોડો સમય રોકાયા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
સલમાનને સુરક્ષા કેમ મળી રહી છે?
થોડા દિવસો પહેલા સલમાન ખાનની સુરક્ષામાં અનેક વખત ખામી સર્જાઈ હતી. એક યુવક કારની પાછળ છુપાઈને સલમાનના બિલ્ડિંગ પરિસરમાં ઘૂસવામાં સફળ રહ્યો. સુરક્ષા ગાર્ડ્સે તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ યુવકનું નામ જીતેન્દ્ર કુમાર સિંહ હતું જે છત્તીસગઢનો રહેવાસી હોવાનું કહેવાય છે. ત્યારબાદ એક અજાણી મહિલાએ પણ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે મહિલા બિલ્ડિંગની લિફ્ટ દ્વારા સીધી સલમાનના ફ્લેટમાં પહોંચી હતી. બાદમાં ગેલેક્સી એપાર્ટમેન્ટના સુરક્ષા ગાર્ડે મહિલાને પકડીને બાંદ્રા પોલીસને સોંપી દીધી હતી. બાંદ્રા પોલીસે ઈશા નામની આ મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.