જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની અસર તમામ ક્ષેત્ર પર દેખાઇ રહી છે. આ હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. અને દેશે આકરુ વલણ અપનાવીને પાડોશી દેશ સામે કડક પગલા લીધા છે. ત્યારે આ દુઃખના માહોલ વચ્ચે બોલીવુડ જગત પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યુ છે. સલમાન ખાને દેશનો માહોલ જોતા પોતાનો UK ટૂર મુલતવી રાખ્યો છે.


બોલીવુડ પર આતંકી હુમલાની અસર

સલમાન ખાને યુકે ટૂર મુલતવી રાખ્યો છે. જેમાં પ્રખ્યાત સિતારાઓ ભાગ લેવાના હતા. આ ઇવેન્ટ મુલતવી રાખ્યાની માહિતી ભાઇજાને સોશિયલ મીડિયા પર આપી હતી. તેઓએ લખ્યુ છે કે, કાશ્મીરમાં થયેલી આતંકી હુમલાની ઘટનાને જોતા 4 અને 5 મેના રોજ માન્ચેસ્ટર અને લંડનમાં યોજાનાર "ધ બોલીવુડ બિગ વન શો યૂકે"ને મુલતવી રાખ્યો છે. ફેન્સ આ શોની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. પરંતુ શો મુલતવી રાખવાનો આ કઠોર નિર્ણય અમારે કરવો પડ્યો છે. આ દુઃખના સમયમાં શોને મુલતવી રાખવો એ જરુરી છે. શો માટેની નવી તારીખો જલદી જ જાહેર કરવામાં આવશે.

ફેન્સે સ્વીકાર્યો નિર્ણય

સલમાન ખાને સોશિયલ મીડિયા પર શો મુલતવી રાખ્યાની જાહેરાત કર્યા બાદ, ફેન્સે તેમનો નિર્ણય સ્વીકાર્યો છે. અને તેમની પ્રશંસા કરી રહ્યા છે. ફેન્સે લખ્યુ છે કે, ટાઇગર ઝિંદા હૈ, તો આ તરફ, એક યુઝર્સે લખ્યુ છે કે ભાઇજાનનો નિર્ણય સાચો છે. તો બીજી તરફ, એક પ્રશંસકે હાર્ટ અને લવની ઇમોજી મુકી છે. ફિલ્મ અંદાજ અપના અપનાની રિ-રિલીઝ પાર્ટીમાં આમિર ખાન ગેરહાજર રહીને આતંકી હુમલા મામલે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. આ આતંકી હુમલા અંગે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, ઋત્વિક રોશન, આલિયા ભટ્ટ વગેરેએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને એકસાથે આતંકીઓને સબક શિખવવા માટે એકતાને મહત્ત્વ આપવા જણાવ્યુ હતુ.

આર. માધવને કાર્યક્રમ કર્યા રદ્દ

પહલગામ હુમલા પછી આર. માધવને પોતાની ફિલ્મના પ્રમોશનલ કાર્યક્રમ રદ કર્યા હતા. તેમણે હુમલાની નિંદા કરી હતી. અને દુશ્મનો પાસેથી બદલો લેવા અને કડક સજાની માંગ કરી છે. અભિનેતાની આ પોસ્ટને ચાહકો અને ઉદ્યોગના લોકોનો ટેકો મળી રહ્યો છે. આ હુમલાની અસર મનોરંજન ઉદ્યોગ પર પણ સ્પષ્ટપણે દેખાય છે. ઘણા મોટા ગાયકોએ તેમના કોન્સર્ટ રદ કર્યા છે. બાદશાહ અને અરિજિત સિંહ પછી, હવે પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલે પણ સુરતમાં પોતાનો કોન્સર્ટ રદ કર્યો છે. શ્રેયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની માહિતી આપી છે.

કોમેડિયન કેવિન હાર્ટનો શો રદ

30 એપ્રિલે દિલ્હીમાં યોજાનારા કોમેડિયન કેવિન હાર્ટનો શો રદ કરવામાં આવ્યો છે. આયોજકો નવા સમયપત્રક વિશે હાર્ટની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે હાસ્ય કલાકાર કેવિન હાર્ટનો દિલ્હી શો રદ કરવામાં આવ્યો છે. આયોજકો હવે તેમના 'એક્ટિંગ માય એજ' પ્રવાસના ભારતીય તબક્કાને ફરીથી શેડ્યૂલ કરવા પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં આ કાર્યક્રમ મૂળ 30 એપ્રિલે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવાનો હતો. 27 એપ્રિલના રોજ, ટિકિટિંગ પ્લેટફોર્મ ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટોએ ઇવેન્ટ રદ કરવા અંગે પોસ્ટ શેર કરી. બુકિંગ પ્લેટફોર્મે રિફંડનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ ઇવેન્ટ ફરીથી શેડ્યૂલ કરવા માટે હાર્ટ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. બધા ટિકિટ ધારકોને સંપૂર્ણ રિફંડ મળશે અને રકમ આપમેળે તમારા મૂળ ચુકવણી મોડમાં પરત કરવામાં આવશે.'

  • Follow us on: