સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાએ પોતાના શો પર વધી રહેલા વિવાદ વચ્ચે એક મોટું પગલું ભર્યું છે. 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પર થયેલા વિવાદ બાદ, હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે.
સમય રૈનાએ X પર પોસ્ટ કરી આપી જાણકારી
સમય રૈનાએ X પર પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેને કહ્યું છે કે આ બધું સંભાળવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. આ સાથે, સમય રૈનાએ એમ પણ કહ્યું છે કે તેઓ આ મામલે એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરશે.
સમય રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે “જે કંઈ પણ થઈ રહ્યું છે તેને સંભાળવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. મેં મારી ચેનલ પરથી 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના બધા વીડીયો ડિલીટ કરી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેમને સારો સમય આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી ખાતરી કરી શકાય કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય. આભાર."
સમય રૈનાએ હાજર થવા માટે માંગ્યો સમય
સમય રૈનાના વકીલોએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો છે. રૈનાના વકીલોએ મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે રૈના હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને તે 17 માર્ચે મુંબઈ પરત ફરશે. મુંબઈ પોલીસે રૈનાની ટીમને સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ તપાસ આટલી લાંબી રાહ જોઈ શકે નહીં, તેથી રૈનાએ તપાસ શરૂ થયાના 14 દિવસની અંદર પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
પોલીસે 6 લોકોના નોંધ્યા નિવેદન
તમને જણાવી દઈએ કે ખાર પોલીસે 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ અંગે અત્યાર સુધીમાં 6 લોકોના નિવેદનો નોંધ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના જજ અને સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર અપૂર્વા મખીજા અને યુટ્યુબર આશિષ ચંચલાનીએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ શો સ્ક્રિપ્ટેડ નથી. શોમાં જજ અને સ્પર્ધકોને ખુલીને વાત કરવાનું કહેવામાં આવે છે. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં જજોને કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી. પરંતુ જજને શોની સામગ્રી તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની સ્વતંત્રતા છે. આ શોમાં દર્શક તરીકે ભાગ લેવા માટે, ટિકિટ ખરીદવી પડે છે અને ટિકિટના વેચાણમાંથી મળેલા પૈસા શોના વિજેતાને આપવામાં આવે છે. રણવીર અલ્લાહબાદિયાની ટીમે પોલીસને જણાવ્યું છે કે તે આજે પોતાનું નિવેદન નોંધાવવા આવી શકે છે.













