• સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
  • કમાણીનાં પાછલા બઘાં રેકોર્ડ તોડ્યા
  • ત્રીજા જ સપ્તાહમાં કમાણી 544.98 કરોડને પાર

શાહરુખની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ જવાને બોલીવુડમાં કમાણીનાં પાછલા બઘાં રેકોર્ડ તોડીને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જવાને આ સિદ્ધિ રીલીઝ થવાનાં માત્ર ત્રીજા જ સપ્તાહમાં હાંસલ કરી લીધી છે. શાહરુખની આ ફિલ્મે 16માં જ દિવસે ગદર 2નાં કલેકશનનાં રેકોર્ડને તોડી દીધો હતો. જ્યારે શનિવારે જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓ મુજબ ફિલ્મની આવકમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જે કમાણી પઠાણે 70 દિવસે કરી તે આંકડો જવાને 17માં દિવસે જ પાર કરી દીધો છે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મે 16માં દિવસે 532.98 કરોડની કમાણી કરી હતી. ત્યારે 17માં દિવસનાં આંકડાઓ પણ સામે આવતાં ફિલ્મનું કલેક્શન 544.98 કરોડ સુધી પહોંચી ગયું હતું.

1000 કરોડ ક્લબમાં થઈ શકે છે સામેલ

શાહરુખની ફિલ્મ પઠાણે ભારતમાં 543.05 કરોડની કમાણી કરી હતી. જ્યારે જવાને રિલિઝ થવાનાં 17માં દિવસે જ કમાણીનો આ રેકોર્ડ તોડીને બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી દીધી છે. જવાનની આ સિદ્ધિને જોતા આ ફિલ્મની કમાણી આગામી દિવસોમાં નવા કિર્તીમાન સ્થાપિત કરે તેવું જણાઈ રહ્યું છે. જો ફિલ્મની કમાણી આ જ ગતિએ વધશે તો તેને 1000 કરોડ ક્લબમાં સામેલ થવામાં વધુ સમય નહીં લાગે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

22 ડિસેમ્બરે 'ડંકી' થશે રીલીઝ

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'ડંકી' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે જેનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાને પ્રથમવાર સાથે કામ કર્યું છે. 22 ડિસેમ્બરે રીલીઝ થનારી ફિલ્મ 'ડંકી'માં તાપસી પન્નુ પણ દેખાશે.


  • Follow us on: