• શક્તિએ નકારાકાત્મક પાત્રો ભજવી આગવી ઓળખ ઉભી કરી છે

  • પૂણે FTIIમાં શક્તિ કપૂરનાં સિનિયર રહી ચૂક્યા છે મિથુન ચક્રવર્તી
  • મિથુન અને શક્તિ મિત્રો બનતા પહેલા બની હતી એક વિચિત્ર ઘટના

શક્તિ કપૂર બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેમણે પોતાના નકારાત્મક પાત્રથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. શક્તિ કપૂરના નકારાત્મક પાત્રોને કારણે લોકોમાં તેમના વિશે ડર હતો. શક્તિ કપૂરે FTIIમાંથી અભ્યાસ કર્યો છે. જ્યાં મિથુન ચક્રવર્તી તેમના સિનિયર હતા. શક્તિ કપૂરે મિથુન ચક્રવર્તી વિશે ખુલાસો કર્યો છે. તેમણે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો છે કે મિથુન ચક્રવર્તીએ તેમના મિત્રો સાથે મળીને તેમનું રેગીંગ કર્યુ હતું. આટલું જ નહીં, તેના વાળ કાપીને તેને રાત્રે એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.

મિથુન ચક્રવર્તી સામે શક્તિ કપૂરનો દાવો

એક પોડકાસ્ટમાં શક્તિએ જણાવ્યું હતું કે તે કેવી રીતે દિલ્હીથી પુણે જતી વખતે રવિ વર્મન અને અનિલ વર્મનને મળ્યાં. વિનોદ ખન્નાના પરિવારમાં રવિ વર્મનની બહેનના લગ્ન થયા ત્યારે તેઓ મુંબઈ તેમના ઘરે ગયા હતા. તે દરમિયાન તે વિનોદ ખન્ના, રાકેશ રોશન અને રાજેશ રોશન સાથે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતાં.

મિથુન ચક્રવર્તીએ રેગિંગ કર્યું હતું

શક્તિ કપૂરે વધુમાં જણાવ્યું કે રાકેશ તેને ડ્રોપ કરવા હોસ્ટેલમાં ગયા હતાં. જ્યારે તે હોસ્ટેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે એક માણસને કામ કરતા જોયા. તે મિથુન ચક્રવર્તી હતા. તેમણે રાકેશને પોતાનો પરિચય આપ્યો અને તેમના ચરણ સ્પર્શ કર્યા. શક્તિ કપૂરે વધુમાં જણાવ્યું હતું કે રાકેશ અને પ્રમોદ ખન્નાનાં ગયા બાદ મિથુને તેમને વાળથી પકડી પોતે તેમના સિનિયર હોવાની વાત કરી રૂમમાં લઈ ગયા હતાં. જ્યાં મિથુને શક્તિને એક ખૂણામાં બેસાડીને તેમના બે મિત્રોને બોલાવ્યા હતાં.

જ્યારે શક્તિ ફૂટી ફૂટીને રડ્યાં

શક્તિ કપૂરે આગળ કહ્યું કે મિથુને લાઇટ બંધ કરી મારા પર સ્પોટલાઇટ મૂકી અને પૂછ્યું શું તમને બીયર ગમશે? ત્યાર બાદ મિથુન ચક્રવર્તીએ શક્તિના સ્ટાઇલિશ વાળને વિચિત્ર રીતે કટ કર્યા હતા. આ પછી તેમને સ્વિમિંગ પુલમાં ફેંકી દેવામાં આવ્યા હતાં. આ બધું થયા પછી શક્તિ જોર જોરથી રડવા લાગ્યા હતાં. તે ખૂબ જ ડરી ગયા હતાં. તેમણે મિથુન ચક્રવર્તીની માફી પણ માંગી હતી.

બંને સારા મિત્રો બની ગયા

આ ઘટના બાદ મિથુન અને શક્તિ સારા મિત્રો બની ગયા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. બંનેએ બાદલ, પ્યાર કા કર્ઝ, દલાલ, ગુંડા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.


  • Follow us on: