- શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સતયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક
- 2020માં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાએ 90 લાખ રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક આપ્યો
- શેટ્ટી પરિવારે મૂળ રકમ આપી પણ સોનું ન આપ્યાનો આરોપ
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મુંબઈની સેશન્સ કોર્ટે પોલીસને શિલ્પા શેટ્ટી અને તેના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સર્રાફા વેપારીએ શિલ્પા અને રાજ કુન્દ્રા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જે બાદ સેશન્સ કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા છે.
શું કહ્યું કોર્ટે
કોર્ટે કહ્યું કે પ્રાથમિક રીતે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ બુલિયન વેપારી દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસને જોતા એવું લાગે છે કે આ કેસ સાચો છે. જે બાદ સેશન્સ કોર્ટના જજ એનપી મહેતાએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ને સર્રાફા વેપારી પૃથ્વીરાજ સરેમલ કોઠારીની ફરિયાદમાં લાગેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોલીસે FIR દાખલ કરવી જોઈએ
આ સિવાય કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જો તપાસ બાદ આરોપ સાચો સાબિત થાય છે તો પોલીસે આ મામલામાં આઈપીસીની તમામ જરૂરી કલમો હેઠળ એફઆઈઆર નોંધવી જોઈએ.
શું છે ઘટના
કોર્ટમાં કોઠારી વતી હાજર રહેલા વકીલે જણાવ્યું કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સતયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક છે. તેમણે 2014માં એક સ્કીમ શરૂ કરી હતી. જેમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોએ તેના માટે અરજી કરતી વખતે રાહત દરે સોના માટે સંપૂર્ણ ચુકવણી કરવાની રહેશે અને પાકતી તારીખે તેમને નિશ્ચિત માત્રામાં સોનું પ્રદાન કરવામાં આવશે. કોઠારીએ આ સ્કીમમાં રૂ. 90 લાખનું રોકાણ કર્યું હતું. તેમને 2019માં પાંચ વર્ષ પૂરા થવા પર 5000 ગ્રામ 24 કેરેટ સોનું આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી સોનું મળ્યું નથી. જે બાદ 2020માં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાએ 90 લાખ રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક આપ્યો હતો. જે મૂળ રકમ હતી. કોઠારીએ શિલ્પા અને રાજ પર પોતાનું વચન પૂરું ન કરવાનો આરોપ લગાવ્યો છે.