- સલમાન ખાને જણાવી પોતાના ફિલ્મ કરિયરની વાત
- ભાઈ સાથે વાત કરતા આખો પ્લાન બી કહ્યો હતો
- ફિલ્મ સારી ચાલી એટલે એક્ટિંગ કરવાનો નિર્ણય કર્યો
સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ભારે ચર્ચા છે. ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળશે. સલમાન ખાન છેલ્લા 3 દાયકાથી એક અભિનેતા તરીકે લોકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ એક સમય એવો પણ એના જીવનમાં આવ્યો હતો કે, અભિનય છોડવાનો નિર્ણય લીધો હતો.
ફિલ્મ ચાલી તો એક્ટર નહીં તો...
સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ 'બીવી હો તો ઐસી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો હતો. બરાબર એક વર્ષ પછી 1989માં 'મૈંને પ્યાર કિયા' રિલીઝ થઈ, જેમાં સલમાન ખાનને મુખ્ય અભિનેતા તરીકે લૉન્ચ કરવામાં આવ્યો. તેની રિલીઝ પહેલા સલમાન ખાને નિર્ણય લીધો હતો કે જો આ ફિલ્મ ફ્લોપ થશે. તો તે એક્ટિંગ છોડી દેશે અને પછી ડિરેક્ટર બનશે. આ વાતનો ખુલાસો અભિનેતા સાહિલ ચઢ્ઢાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેણે કહ્યું કે, 'એકવાર સલમાન ખાન અને હું ટી-સીરીઝની ઓફિસ પાસે મળ્યા હતા. સલમાને મને કહ્યું કે મારી ફિલ્મ મૈંને પ્યાર કિયા આવી રહી છે. જો પિક્ચર સારું ચાલશે તો હું એક્ટર બનીશ, નહીં તો ડિરેક્ટર બનીશ.

હવે એ સમય નથી દોસ્ત
સલમાન ખાને સાહિલને કહ્યું કે, તે એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ બે મિત્રોની વાર્તા છે. સલમાન ખાને સાહિલને તે ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી અને તે પણ રાજી થઈ ગયો. 'મૈંને પ્યાર કિયા' રિલીઝ થયા બાદ સલમાન ખાન સુપરસ્ટાર બની ગયો હતો. આ પછી સાહિલે સલમાન ખાનને અભિનંદન આપ્યા અને પૂછ્યું કે તમારી ફિલ્મ ક્યાં છે તો સલમાને કહ્યું કે હવે એ સમય નથી દોસ્ત. તારીખ 12 નવેમ્બરના રોજ સલમાનની ફિલ્મ એક થા ટાઈગર રિલીઝ થઈ રહી છે. યશરાજની સ્પાય યુનિવર્સની આ પાંચમી ફિલ્મ છે. આ પહેલા યશરાજની પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1050 કરોડ રૂપિયાનો વકરો કરી ગઈ હતી.