મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સુપ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં રોજના લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. મહાકાલ મંદિરની ભસ્ત આરતી સુપ્રસિદ્ધ છે. ભસ્મ આરતીમાં હાજરી આપવા લોકો આતુર હોય છે. ત્યારે આજે લોકપ્રિય ગાયિકા શ્રેયા ઘોષાલ મહાકાલના શરણે પહોંચી હતી. શ્રેયા ઘોષાલ તેના પરિવારની સાથે મહાકાલની ભસ્મ આરતીમાં જોવા મળી હતી.
મંત્રમુગ્ધ થઇ શ્રેયા ઘોષાલ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં શ્રેયા ઘોષાલે પૂજા અર્ચના કરી. મહત્વનું છે કે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક, મહાકાલેશ્વર મંદિર ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે અને દેશભરના ભક્તોને આકર્ષે છે. IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના પર્ફોમન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર ગાયિકા મંદિરમાં સવારની આરતીમાં મગ્ન જોવા મળી હતી. બે કલાક મંદિરમાં રહી અને ભસ્મ આરતીમાં ભાગ લીધો. બાબાના દર્શન અને પૂજા કર્યા પછી, તેમણે બાબાના આશીર્વાદ લીધા. આ પછી, તેમણે કહ્યું કે ભસ્મ આરતીંમાં હાજરી આપીને તેમનું જીવન બદલાઈ ગયું. તેની પાસે વ્યક્ત કરવા માટે શબ્દો નથી.
આંખમાં આંસુ આવી ગયા- મહાકાલ
મહાકાલના દર્શન કર્યા પછી ગાયિકા શ્રેયાએ કહ્યું કે હું પહેલીવાર ઉજ્જૈન આવી અને મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો. ભગવાનને એટલા સુંદર રીતે સજાવ્યા હતા અને એટલી સરસ ભસ્મ આરતી હતી કે દરેક ક્ષણે મારા ધબકારા વધતા જ ગયા. આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને લાઇફ ચેન્જ થઇ ગઇ. મારે ફરીથી બાબા મહાકાલ પાસે આવવુ છે.
શ્રેયા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉજ્જૈન આવી હતી
મહત્વનું છે કે શનિવારે મધ્યપ્રદેશના ખાસ વિક્રમોત્સવ કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા આવેલી ગાયિકા શ્રેયા વહેલી સવારે પરંપરાગત સાડી પહેરીને મહાકાલ મંદિર પહોંચી હતી. અહીં તેમણે લગભગ બે કલાક નંદી હોલમાં બેસીને ભસ્મ આરતી કરી અને બાબા શિવના નામનો જાપ કર્યો. આ પછી ચાંદીના દરવાજા પર બાબાની પૂજા કરવામાં આવી અને તેમનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો. પંડિત આકાશ પૂજારીએ શ્રેયાને પૂજા કરાવડાવી.