પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલી એલ નીનો પેટર્ન આવનારા સમયમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન અને યુનિવર્સિટી ઓફ શિકાગોની ક્લાઈમેટ ઇમ્પેક્ટ લેબના જણાવ્યા અનુસાર,આ મોસમી ચક્ર વર્ષ 2027ની શરૂઆતમાં સુપર એલ નીનો તેની ચરમસીમા પર હશે.જેના કારણે દુનિયાભરમાં પૂર, દુષ્કાળ, રેકોર્ડ તોડ ગરમી અને કૃષિપાકનું ભારે નુકસાન જોવા મળી શકે છે.સુપર અલ નીનો શું છે તે સામાન્ય અલ નીનોથી કેટલો અલગ છે અને તેની માનવ જીવન પર કેવી અસર પડશે?
તાપમાન સામાન્ય કરતા 0.5 ડિગ્રી સેલ્સિયસ વધે છે
જ્યારે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 0.5 ડિગ્રી સેલ્સિયસ વધે છે ત્યારે તેને અલ નીનો માનવામાં આવે છે.જ્યારે આ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ થઈ જાય છે ત્યારે આ સ્થિતિને સુપર અલ નીનો કહેવામાં આવે છે.સામાન્ય અલ નીનોના મુકાબલે સુપર એલ નીનો ખતરનાક માનવામાં આવે છે.તે આબોહવા પરિવર્તન સાથે મળીને વૈશ્વિક સ્તરે રેકોર્ડ તોડ ગરમી,વિનાશકારી પૂર અને ભીષણ દુષ્કાળની સ્થિતિ ઉત્પન્ન કરે છે.વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન સત્તાવાર રીતે સુપર શબ્દનો પ્રયોગ કરતું નથી પરંતુ તેણે ચેતવણી આપી છે કે અલ નીનો વધુ તીવ્ર બનીને એક અત્યંત શક્તિશાળી સ્વરૂપ ધારણ કરી લેશે.તેનો દુનિયાભરમાં તાપમાન અને વરસાદની પેટર્ન પર વ્યાપક પ્રભાવ પડશે.

માનવ જીવનને કેવી રીતે પ્રભાવિત કરશે સુપર એલ નીનો?
શિકાગો યુનિવર્સિટીની ક્લાઈમેટ ઇમ્પેક્ટ લેબના એક નવા અભ્યાસ અનુસાર,વર્તમાનમાં ચાલી રહેલા સુપર એલ નીનોના કારણે સપ્ટેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 વચ્ચે દુનિયાભરમાં ગરમીને કારણે આશરે 4 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે.આમાં ભારતમાં લગભગ 15 હજારથી વધુ લોકોના મોત થવાની શક્યતાઓ સેવાઈ છે.ક્લાઈમેટ ઇમ્પેક્ટ લેબના જણાવ્યા અનુસાર,આવનારા સુપર એલ નીનોના કારણે વધનારી ગરમીથી નાઈજીરિયામાં 31 હજારથી વધુ, ઇન્ડોનેશિયામાં 19 હજારથી વધુ અને સુદાનમાં 17 હજારથી વધુ માનવ મોત થવાની આશંકા છે.અલ નીનોના કારણે વિશ્વમાં જમીનનું તાપમાન સામાન્ય કરતા 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે.આનાથી સામાન્ય વર્ષની તુલનામાં 44 ટકા વધુ અત્યંત ગરમ દિવસો આવવાની સંભાવના છે.
શું કહે છે સ્કાયમેટના અધિકારી?
સ્કાયમેટના અધિકારી મહેશ પાલાવતે સંદેશ ડિજિટલને જણાવ્યું હતું કે, સુપર અલનીનોને કારણે લોકોના મોત થશે એ વાત ખોટી છે. વિશ્વમાં સુપર અલનીનો જેવું કશું હોતું નથી માત્ર વેરી સ્ટ્રોંગ અલનીનો હોય છે. જ્યારે અલનીનો વધુ સ્ટ્રોંગ થાય છે ત્યારે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધી જાય છે. જેના કારણે ધરતી પર પણ તાપમાન વધે છે. સાઉથ અમેરિકા અને પેરૂ જેવા દેશોમાં ભારે વરસાદ વરસે છે. જ્યારે આપણા સાઉથ ઈસ્ટ એશિયામાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. જે આ વખતના ચોમાસામાં જોવા મળી છે. વરસાદ ઓછો થવાથી ખેતી પર અસર થાય છે. પાક ઓછો ઉતરે છે. જે દેશોમાં ઠંડી વધુ પ્રમાણમાં હોય ત્યાં ગરમીનો અનુભવ થાય છે. હવે ફ્રેબ્રુઆરી સુધી ઠંડી કરતાં ગરમીનો અનુભવ વધારે થશે. કારણ કે અલનીનો 2027ના ફેબ્રુઆરી સુધી રહેશે. ગરમીને કારણે લોકોને અસર થતી હોય છે અને કેટલાક લોકોના મોત થતા હોય છે તે વિશ્વમાં સામાન્ય બાબત છે પણ સુપર અલ નીનોને કારણે મોત થશે તે વાત ખોટી છે. પહેલા કોઈ ટેક્નોલોજી નહોતી જેના કારણે લોકોને સુવિધાઓ નહોતી મળતી. જેથી લોકોના મોતના આંકડા વધતા હતાં. પરંતુ હાલના યુગમાં ટેકનોલોજીનું પ્રમાણ ખૂબ વધારે છે જેથી માનવ જીવન બચી શકે છે.

શું અલ નીનોનો સંબંધ આબોહવા પરિવર્તન સાથે છે?
અલ નીનો એક પ્રાકૃતિક આબોહવા પેટર્ન છે અને તે ક્લાઈમેટ ચેન્જના કારણે ઉદભવતી નથી.જોકે,ગ્લોબલ વોર્મિંગ અલ નીનોને વધુ તીવ્ર બનાવી શકે છે.ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના કારણે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સમયની તુલનામાં પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ 1.4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે.તાપમાનનું આ વધેલું આધાર સ્તર અલ નીનોની અસરોને વધુ ઝડપી બનાવી દે છે જેનાથી તાપમાનમાં ભારે વધારો, દુષ્કાળ, વરસાદ અને તેના પરિણામે જંગલોની આગ,પૂર અને પાક બરબાદી જેવી આપત્તિઓ સર્જાય છે.
અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગથી વધતી ચિંતાઓ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વર્ષે અલ નીનોના કારણે થતી તબાહી વાસ્તવમાં તે મોસમી પરિસ્થિતિઓની એક ઝાંખી છે જે આવનારા દાયકાઓમાં માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગના કારણે અલ નીનો વગર પણ સામાન્ય થઈ જશે.અલ નીનો અને આબોહવા પરિવર્તનના આ ઘાતક સંયોજનને જોતા WMOએ ચેતવણી આપી છે કે વર્ષ 2027 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.
ભારત માટે ડિસેમ્બરથી ફેબ્રુઆરી અત્યંત મહત્વપૂર્ણ
ક્લાઈમેટ ઇમ્પેક્ટ લેબના અનુમાન મુજબ સપ્ટેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 વચ્ચે ભારતમાં 15 હજારથી વધુ હીટ રિલેટેડ ડેથનું અનુમાન છે.રિપોર્ટ મુજબ ભારતમાં તેનો મોટો હિસ્સો ડિસેમ્બરથી ફેબ્રુઆરીના ત્રણ મહિનામાં સામે આવી શકે છે.સંશોધકોએ સંકેત આપ્યો છે કે ભારત અને પાકિસ્તાન જેવા ઉત્તરી ગોળાર્ધના વિસ્તારોમાં આગામી વર્ષે ઉનાળા દરમિયાન ભીષણ ગરમીના કારણે થતા મોતની સંખ્યા વધી શકે છે.આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં લગભગ 66 હજારથી વધુ માનવ મોતનું અનુમાન છે.સાઉથ ઈસ્ટ એશિયાના ફિલિપાઈન્સ, વિયેતનામ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને કમ્બોડિયામાં મળીને લગભગ 19 હજારથી વધુ માનવ મોતનુંઅનુમાન લગાવવામાં આવ્યું છે.બ્રાઝિલ માટે આ આંકડો 13 હજારથી વધુ હોવાનું સામે આવ્યું છે.
ઓગસ્ટે પણ આપી દીધો મોટો સંકેત
ગ્લોબલ તાપમાનનો હાલનો રેકોર્ડ પણ આ ચિંતાને મજબૂત કરે છે.કોપરનિકસ મુજબ ઓગસ્ટ 2026માં વૈશ્વિક હવામાન તાપમાન 16.96 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ અત્યાર સુધીનો સૌથી ગરમ ઓગસ્ટ હતો અને બધા મહિનાઓને મિલાવીને જુલાઈ 2023 સાથે સંયુક્ત રૂપથી સૌથી ગરમ મહિનો પણ રહ્યો છે.ઓગસ્ટનું તાપમાન 1850થી 1900ના પ્રી-ઇન્ડસ્ટ્રિયલ સરેરાશથી 1.65 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતું. 4.51 લાખ માનવ મોતનો આંકડો ફક્ત એક ડરાવનારો નંબર નથી પરંતુ હીટ પ્રિપેર્ડનેસ,શરૂઆતી ચેતવણી,કૂલિંગ સેન્ટર, હાઇડ્રેશન ફેસિલિટી અને વીવીઆઈપી લોકોની સુરક્ષા જેવા ઉપાયોની જરૂરિયાતનો સંકેત પણ છે.
કયા વર્ષે સુપર અલ નીનોએ મચાવી હતી ભયંકર તબાહી?
વર્ષ 2023-24માં આવેલા મજબૂત અલ નીનો અને આબોહવા પરિવર્તનના કારણે 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું.તે વર્ષે બોલિવિયા અને વેનેઝુએલામાં ભયાનક આગ લાગી, નેપાળ, સુદાન અને સ્પેલનમાં જબરદસ્ત પૂર આવ્યું અને મેક્સિકો તથા સાઉદી અરેબિયામાં હીટવેવથી હજારો લોકોના મોત થઈ ગયા. વાશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ,1877માં એક ખૂબ જ ભયાનક અલ નીનોએ લાખો-કરોડો લોકોની જાન લઈ લીધી હતી.તેને માનવ ઇતિહાસની કદાચ સૌથી મોટી કુદરતી આપત્તિઓમાંથી એક માનવામાં આવે છે.1877ના સુપર એલ નીનોની અસર 1877થી 1878ની વચ્ચે દેખાઈ હતી અને તેણે ભારત,ચીન,બ્રાઝિલ અને અન્ય જગ્યાઓએ ભયાનક દુષ્કાળ લાવી દીધો હતો.સુપર એલ નીનો પછી આવેલા અકાળે દુનિયાની 3 થી 4 ટકા વસ્તીને ખતમ કરી દીધી હતી અને લગભગ પાંચ કરોડ લોકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: હિમાલયના પહાડોમાં સૌથી મોટું રહસ્ય, માં નંદા દેવીની યાત્રામાં ક્યાં ગાયબ થઈ જાય છે 4 શિંગડાવાળું ઘેટું?