તિબેટના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ભારત અને બાંગ્લાદેશમાં જીવાદોરી સમાન વહેતી બ્રહ્મપુત્ર નદી પર ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા 168 અબજ ડોલરના મહાકાય ડેમ પ્રોજેક્ટ અંગે ખુદ ચીની સંશોધકોએ જ વિશ્વને હચમચાવી દે તેવી ચેતવણી આપી છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ અને યુનાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરના સંશોધનમાં સ્પષ્ટ કર્યું છે કે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે બ્રહ્મપુત્ર (યાર્લુંગ ત્સાંગપો) નદીના જળપ્રવાહમાં 20 થી 29 ટકાનો તોતિંગ વધારો થઈ શકે છે. આ ભારે વહેણ ચીનના મેગા ડેમ માટે તો જોખમી છે જ, પરંતુ નીચલા સ્તરે વહેતા ભારતના અરુણાચલ પ્રદેશ અને આસામ માટે વિનાશક પૂરની વિરાટ આપત્તિ સર્જી શકે છે.

આ સંકટ વચ્ચે ચીનના આ ‘વોટર બોમ્બ’નો વ્યૂહાત્મક સામનો કરવા માટે ભારતે અરુણાચલ પ્રદેશમાં શરૂ કરેલા ‘સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ’ (SUMP) સામે પણ સ્થાનિક આદિવાસી સમાજમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે.

 તિબેટના મેડોગમાં ચીનનો ખતરનાક ખેલ

60,000 મેગાવોટ ક્ષમતા: ચીન દક્ષિણપૂર્વ તિબેટના મેડોગ ખાતે યાર્લુંગ ત્સાંગપો પર વિશ્વનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હાલના વિશ્વના સૌથી મોટા 'થ્રી ગોર્જેસ ડેમ' કરતાં લગભગ ત્રણ ગણો મોટો હશે.અંદાજે 168 અબજ ડોલરના તોતિંગ ખર્ચે આકાર લઈ રહેલો આ ડેમ ભારતની સરહદથી માત્ર થોડા કિલોમીટર દૂર સ્થિત છે. નિષ્ણાતો માને છે કે આ ડેમ માત્ર વીજળી માટે નથી, પરંતુ ભવિષ્યમાં યુદ્ધ કે તણાવની સ્થિતિમાં અચાનક લાખો ક્યુસેક પાણી છોડીને ભારતમાં કૃત્રિમ પૂર લાવવા અથવા દુષ્કાળના સમયે પાણી રોકી રાખવાના ‘હાઇડ્રો-વેપન’ તરીકે પણ ઉપયોગમાં લેવાઈ શકે છે.

ચીની સંશોધકોનો મોટો ધડાકો

 સંશોધકોએ વૃક્ષોની રિંગ્સ (Tree-ring data) નો ઉપયોગ કરીને વર્ષ 1325 થી 2020 સુધીના નદીના જળપ્રવાહનો ઐતિહાસિક અભ્યાસ કર્યો હતો.તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વના સરેરાશ દર કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે, જેના લીધે ગ્લેશિયર્સ અને હિમનદીઓ અભૂતપૂર્વ ઝડપે પીગળી રહ્યા છે અને પર્માફ્રોસ્ટ નબળો પડી રહ્યો છે. સંશોધન મુજબ, ઉત્સર્જનના આધારે નદીના વાર્ષિક રનઓફ (વહેણ) માં 20% થી 29% નો વધારો થશે. આના કારણે અતિશય ઊંચા પ્રવાહની ઘટનાઓ વારંવાર બનશે, જે વિશાળ ડેમની માળખાકીય સુરક્ષા પર તોળાતું જોખમ છે.

અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટ સામે કેમ વિરોધ?

ચીન જો અચાનક પાણી છોડે તો તે પૂરને નિયંત્રિત કરવા અને ચીન પાણી રોકી લે તો ભારત તરફ પાણી સંગ્રહિત રાખવા માટે ભારતે અરુણાચલ પ્રદેશમાં ‘સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ’ (SUMP) ની યોજના બનાવી છે. અરુણાચલ પ્રદેશના હજારો સ્થાનિક રહેવાસીઓ આ પ્રોજેક્ટના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થાનિક આદિવાસી સમુદાયોને ભય છે કે વિશાળ ડેમ બનવાથી તેમની પૂર્વજોની ફળદ્રુપ જમીનો, ગામડાં અને જંગલો પાણીમાં ગરકાવ થઈ જશે. હિમાલયનો આ પટ્ટો અત્યંત સંવેદનશીલ ભૂકંપ ઝોનમાં આવે છે. જો કોઈ મોટો ભૂકંપ આવે તો બંધ તૂટવાથી સિયાંગ ખીણ અને સમગ્ર આસામ તારાજ થઈ શકે છે તેવી સ્થાનિકોની દહેશત છે.

ભારત માટે બેવડી ચિંતા કેમ વધી?

 યાર્લુંગ ત્સાંગપો તિબેટમાંથી ભારતમાં પ્રવેશી ‘સિયાંગ’ અને આગળ જતાં આસામમાં ‘બ્રહ્મપુત્રા’ બને છે. જો ચીન સરહદ નજીક વિશાળ જથ્થો સંગ્રહિત કરે અને ઉપરથી ગ્લેશિયર પીગળવાથી પ્રવાહ વધે, તો પૂર્વોત્તર ભારતમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ શકે છે. ચીન સાથે ભારતનો કોઈ ઔપચારિક જળ કરાર નથી અને ચીન ઘણીવાર ચોમાસા દરમિયાન હાઈડ્રોલોજિકલ ડેટા સમયસર શેર કરતું નથી.એક તરફ ચીનનો સરહદ પર ડેમ ઝડપથી તૈયાર થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ સુરક્ષા માટે જરૂરી એવો ભારતનો સિયાંગ પ્રોજેક્ટ સ્થાનિક વિરોધના કારણે અટકી રહ્યો છે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: વિશ્વમાં સૌથી વધુ કાર્બન કોણ કરે છે ઉત્સર્જન?, જાણો ચીન, યુએસ અને ભારતનો વાસ્તવિક આંકડો