ભારતમાં દર વર્ષે અનેક ફિલ્મો બને છે.તેમાંથી કેટલીક ઉત્તમ ફિલ્મો અને તેમાં કામ કરનારા કલાકારોને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે.સિનેમાની દુનિયામાં કામ કરતા તમામ કલાકારો માટે આ પુરસ્કાર મેળવવો કોઈ મોટી સિદ્ધિથી ઓછો નથી. આજે 22 સપ્ટેમ્બરે ગુજરાતના એકતા નગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિના હસ્તે આજે 92 ફિલ્મ એવોર્ડ વિજેતાઓને આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આવો જાણીએ નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ, કેમ રાષ્ટ્રપતિના હસ્તે જ આ એવોર્ડ અપાય છે અને ગુજરાતમાં થયેલા આયોજનથી રાજ્યને શું ફાયદો થશે?
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી.તેની શરૂઆત ભારતીય સિનેમા અને તેના નાયકોનું મનોબળ વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.10મે 1954ના રોજ યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં બે ફિલ્મોને પુરસ્કારો મળ્યા હતાં.મરાઠી કેટેગરીમાં શ્યામચી અને હિન્દી કેટેગરીમાં મિર્ઝા ગાલિબને બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.અગાઉ આ પુરસ્કારો રાજ્ય પુરસ્કારો તરીકે ઓળખાતા હતા.રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની કેટેગરીઓ ખૂબ ઓછી હતી.આ પુરસ્કારોનું નામ રાજ્ય પુરસ્કારથી બદલીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કરવામાં આવ્યું અને સમય જતાં પુરસ્કારોની કેટેગરીઓ પણ વધતી ગઈ.હવે ફીચર ફિલ્મો,નોન-ફીચર ફિલ્મોમાં પુરસ્કારો આપવામાં આવે છે.1960ના દાયકામાં પ્રાદેશિક સિનેમાને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ વગેરે ફિલ્મો માટે વિશેષ પુરસ્કારો શરૂ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો વધતો વ્યાપ
1973માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો વ્યાપ વધુ વિસ્તર્યો.નોન-ફીચર ફિલ્મો માટે પણ પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા.1980ના દાયકામાં સિનેમા લેખન માટેના પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા.2000ના દાયકામાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સાઉન્ડ ડિઝાઇન જેવી કેટેગરીઓ ઉમેરવામાં આવી.રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ફિલ્મ મહોત્સવ નિયામક દ્વારા કરવામાં આવે છે.રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયા માટે દર વર્ષે નિષ્ણાતોની એક સ્વતંત્ર જ્યુરીની નિમણૂક કરવામાં આવે છે, જે ફિલ્મોનું મૂલ્યાંકન કરે છે. જ્યુરીમાં ફિલ્મ નિર્માતાઓ, ક્રિટિક્સ અને સિનેમા સાથે સંબંધિત અન્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં આયોજિત એવોર્ડ સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર આપે છે. આ એવોર્ડને તેમના કારકિર્દીમાં એવોર્ડ વિજેતાઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
દેશના રાષ્ટ્રપતિ જ કેમ નેશનલ ફિલ્મ એવોર્ડ આપે છે
આ પુરસ્કારો કોઈ ખાનગી મીડિયા હાઉસ કે કોમર્શિયલ બ્રાન્ડ દ્વારા પ્રાયોજિત નથી હોતા પરંતુ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે.ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રપતિ એ દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રના વડા છે.સિનેમાને દેશની સંસ્કૃતિ, એકતા અને ભૌગોલિક વિવિધતાને જોડતું સૌથી શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે.આથી,રાષ્ટ્રીય કક્ષાના આ સર્વોચ્ચ કલાત્મક સન્માનને દેશનું સર્વોચ્ચ ગૌરવ અને સત્તાવાર માન્યતા આપવા માટે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના સમયથી જ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવાની ગરિમાપૂર્ણ પરંપરા સ્થાપિત કરાઈ છે. જે આજે પણ યથાવત છે.

નેશનલ ફિલ્મ એવોર્ડ માટે સ્થળ કેમ બદલવું પડ્યું?
દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનએ ભારત સરકારનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત સત્તાવાર કન્વેન્શન સેન્ટર છે.દાયકાઓ સુધી આ સ્થળ પસંદ કરવા પાછળના મુખ્ય કારણો હતા.રાષ્ટ્રીય સ્તરના સર્વોચ્ચ પુરસ્કારો સીધા કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા આયોજિત થતા હોવાથી રાજધાની સૌથી કેન્દ્રીય સ્થળ હતું.રાષ્ટ્રપતિ,વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અને વિદેશી રાજદ્વારીઓની ઉપસ્થિતિ માટે વિજ્ઞાન ભવન સુરક્ષા અને પ્રોટોકોલની દૃષ્ટિએ સૌથી સુરક્ષિત અને યોગ્ય માનવામાં આવતું હતું.તાજેતરના વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પરંપરામાં મોટો બદલાવ કરીને આ પ્રતિષ્ઠિત સમારોહને દિલ્હી બહાર દેશના વિવિધ રાજ્યોમાં લઈ જવાની નીતિ અપનાવાઈ છે.સિનેમા માત્ર દિલ્હી કે મુંબઈ પૂરતું સીમિત નથી તે સમગ્ર દેશની કલા છે.આ એવોર્ડ્સને વિવિધ પ્રાદેશિક સંસ્કૃતિઓ સાથે જોડવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.આ નીતિના ભાગરૂપે જ 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું ભવ્ય આયોજન ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં કરવામાં આવ્યું છે.
હવે રાષ્ટ્રીય પુરસ્કારો વિવિધ પ્રવાસન સ્થળો પર યોજાશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એકતાનગર ખાતે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને હવે દેશના સર્વશ્રેષ્ઠ પ્રવાસન સ્થળો સુધી લઈ જવામાં આવી રહ્યો છે.એકતાનગર વિશ્વભરમાં સરદાર પટેલની વિશાળ પ્રતિમા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે અને રાષ્ટ્રપતિ મહામહિમ તેમજ ફિલ્મ જગતના દિગ્ગજોના અહીં આગમનથી આ સ્થળની લોકપ્રિયતામાં વધારો થશે.આનો મુખ્ય હેતુ NFAને કોન્ફરન્સ રૂમમાંથી બહાર કાઢીને જનતાની વચ્ચે લાવવાનો અને પ્રવાસન સાથે જોડવાનો છે.તેમણે તમામ રાજ્યો પાસેથી ઉત્તમ સુવિધાઓ અને 360 ડિગ્રી વિકાસ યોજના ધરાવતા તેમના સર્વશ્રેષ્ઠ પ્રવાસન સ્થળોના પ્રસ્તાવો માંગ્યા છે પસંદ કરાયેલા સ્થળ પર જ આગામી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવશે.
ગુજરાતને આ એવોર્ડ સમારોહથી શું ફાયદો થશે?
ગુજરાતમાં આ રાષ્ટ્રીય સ્તરનો સમારોહ યોજાવાથી રાજ્યને બહુવિધ ફાયદાઓ થવાની પૂરી સંભાવના છે. એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલેથી જ વૈશ્વિક ઓળખ ધરાવે છે. દેશ-વિદેશના દિગ્ગજ ફિલ્મમેકર્સ, કલાકારો, નિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાની હાજરીથી ગુજરાતના ટૂરિઝમ સેક્ટરને વૈશ્વિક સ્તરે પ્રચંડ પબ્લિસિટી મળે છે. બોલિવૂડ, ટોલિવૂડ અને અન્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોનું ધ્યાન ગુજરાતના લોકેશન્સ તરફ આકર્ષાશે.જેનાથી ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ,સ્ટુડિયો અને મનોરંજન ઉદ્યોગમાં મોટા રોકાણો આવવાનો માર્ગ મોકળો થશે.આવા સમારોહથી હોટેલ ઉદ્યોગ, પરિવહન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક રોજગારીને તાત્કાલિક મોટો આર્થિક વેગ મળે છે.જે રાજ્યના આર્થિક વિકાસમાં સીધો ફાળો આપે છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: વિશ્વમાં ડોક્ટરોની સંખ્યા વધી પણ નિવૃત્તિનો આંકડો ચિંતાજનક, જાણો ભારતની શું સ્થિતિ છે?