દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે બહારગામ ફરવા જવાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. રેલવે ટિકિટ, વિમાન પ્રવાસ, હોટેલ, રિસોર્ટ અને હોલિડે પેકેજના બુકિંગ માટે લોકો ઓનલાઈન માધ્યમોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જોકે, લોકોની આ ઉતાવળ અને સસ્તી ઓફરની લાલચનો લાભ ઉઠાવવા સાયબર ઠગો પણ સક્રિય થઈ જાય છે. ત્યારે પ્રવાસનું આયોજન કરતી વખતે ડિજિટલ સલામતી જાળવવી અત્યંત જરૂરી છે. વડોદરાના સાયબર નિષ્ણાત મયુર ભુસાવળકરે દિવાળીના પ્રવાસ દરમિયાન સાયબર ઠગાઈથી બચવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સાવચેતીઓ જણાવી છે.
નકલી વેબસાઇટ અને મોબાઇલ એપનો ઉપયોગ
મયુર ભુસાવળકરના જણાવ્યા અનુસાર, દિવાળીના પ્રવાસ દરમિયાન સાયબર ઠગો અનેક રીતે લોકોને નિશાન બનાવે છે. જાણીતી હોટેલ કે ટ્રાવેલ કંપનીના નામે નકલી વેબસાઇટ અને મોબાઇલ એપ બનાવવી, સોશિયલ મીડિયા પર ભારે ડિસ્કાઉન્ટની ખોટી જાહેરાતો મૂકવી, નકલી કસ્ટમર કેર નંબર દ્વારા રિફંડના નામે છેતરપિંડી કરવી તથા વોટ્સએપ પર શંકાસ્પદ લિંક મોકલવી જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી લાલચમાં આવીને લોકો પોતાની બેંકિંગ વિગતો આપી દે છે અથવા અજાણ્યા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી બેસે છે.

સસ્તા પેકેજની જાહેરાતો સામે ખાસ સાવચેત રહેવું જોઈએ
તેમણે જણાવ્યું કે, પ્રવાસીઓએ બજારભાવ કરતાં અસામાન્ય રીતે સસ્તા પેકેજની જાહેરાતો સામે ખાસ સાવચેત રહેવું જોઈએ. ‘મર્યાદિત સમયની ઓફર’ અથવા ‘તાત્કાલિક એડવાન્સ નહીં આપો તો બુકિંગ રદ થશે’ જેવા દાવાઓ દ્વારા લોકોને ઉતાવળે નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઉતાવળ કરવાને બદલે ઓફરની ખરાઈ કરવી જોઈએ. બુકિંગ માટે હંમેશાં સંબંધિત કંપનીની અધિકૃત વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરવો જોઈએ. અજાણી લિંક પરથી મળેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું પણ ટાળવું જોઈએ.
નકલી કસ્ટમર કેર નંબર પણ સાયબર ઠગાઈનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ
મયુર ભુસાવળકરના મતે, નકલી કસ્ટમર કેર નંબર પણ સાયબર ઠગાઈનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. ટિકિટ રદ થવી, બુકિંગ કન્ફર્મ ન થવું અથવા રિફંડ મેળવવા જેવી પરિસ્થિતિમાં લોકો ઇન્ટરનેટ પર સંપર્ક નંબર શોધે છે. ઠગો આવા સમયે ખોટા નંબર દ્વારા સંપર્ક સાધીને ઓટીપી, બેંકની વિગતો અથવા ગુપ્ત પિન માગી શકે છે. તેથી કસ્ટમર કેર નંબર હંમેશાં અધિકૃત વેબસાઇટ અથવા એપ પરથી જ મેળવવો જોઈએ.

ક્યૂઆર કોડને સ્કેન કરતાં પહેલાં સાવચેતી રાખો
તેમણે ક્યૂઆર કોડ અને યુપીઆઈ દ્વારા થતી છેતરપિંડી અંગે પણ સાવચેત રહેવાની સલાહ આપી છે. બુકિંગના એડવાન્સ અથવા રિફંડના નામે મોકલવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરતાં પહેલાં સામેની વ્યક્તિનું નામ અને રકમ ચકાસવી જરૂરી છે. પૈસા મેળવવા માટે સામાન્ય રીતે યુપીઆઈ પિન દાખલ કરવાની જરૂર પડતી નથી. તેથી રકમ જમા કરાવવાના બહાને પિન માગવામાં આવે તો વ્યવહાર અટકાવી દેવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ઓટીપી, એટીએમ પિન કે યુપીઆઈ પિન અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ.

ટ્રાવેલ એજન્સીની વિશ્વસનીયતા તપાસવી પણ જરૂરી
પ્રવાસનું બુકિંગ કરતાં પહેલાં ટ્રાવેલ એજન્સીની વિશ્વસનીયતા તપાસવી પણ જરૂરી છે. સ્થાનિક એજન્ટ મારફતે બુકિંગ કરાવતા હોવ તો તેની ઓફિસ, સરનામું અને વ્યવસાય સંબંધિત વિગતોની ખરાઈ કરવી જોઈએ. બુકિંગ પૂર્ણ થયા પછી ઇ-ટિકિટ, હોટેલની રસીદ અને વ્યવહારની ઓળખ સંખ્યા સાચવી રાખવી જોઈએ. જરૂર પડે તો સંબંધિત હોટેલ અથવા પરિવહન કંપનીનો સંપર્ક કરીને બુકિંગની પુષ્ટિ કરી લેવી જોઈએ. આ ઉપરાંત, જાહેર વાઇ-ફાઇનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરવાનું ટાળવું જોઈએ.
સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો
જો કોઈ વ્યક્તિ સાયબર ઠગાઈનો ભોગ બને તો મયુર ભુસાવળકરે તાત્કાલિક કાર્યવાહી કરવાની સલાહ આપી છે. સૌપ્રથમ સંબંધિત બેંકનો સંપર્ક કરીને ખાતા અથવા કાર્ડની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. ત્યારબાદ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ. છેતરપિંડી સંબંધિત સંદેશાઓ, ફોન નંબર, ચુકવણીની રસીદ અને સ્ક્રીનશોટ જેવા પુરાવા પણ સાચવી રાખવા જોઈએ. વહેલી ફરિયાદ કરવાથી નાણાં અટકાવવાની શક્યતા વધી શકે છે, જોકે રકમ પરત મળવાની ખાતરી હોતી નથી.

જાગૃતિ અને સાવચેતી સૌથી મહત્ત્વપૂર્ણ
મયુર ભુસાવળકરના જણાવ્યા અનુસાર, દિવાળીની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે જાગૃતિ અને સાવચેતી સૌથી મહત્ત્વપૂર્ણ છે. સસ્તી ઓફરની લાલચમાં આવ્યા વિના, અધિકૃત માધ્યમોનો ઉપયોગ કરીને અને દરેક નાણાકીય વ્યવહારની ખરાઈ કરીને સાયબર ઠગાઈનું જોખમ ઘટાડી શકાય છે. તહેવારોની ખુશીઓમાં સાયબર ઠગો વિઘ્ન ન નાખે તે માટે દરેક પ્રવાસીએ ડિજિટલ વ્યવહારોમાં સજાગ રહેવું જોઈએ.
આ પણ વાંચો : CJPનું ચૂંટણી પંચ સામેનું આંદોલન મોકૂફ, સાથી નેતાઓ જેલમાં જતાં અભિજીત દીપકેએ લીધો નિર્ણય