ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું અત્યાર સુધી અપેક્ષા કરતાં ઘણું ધીમું અને ચિંતાજનક રહ્યું છે. ગત વર્ષની સરખામણી કરીએ તો સ્થિતિ ઘણી ગંભીર જણાય છે. ગયા વર્ષે આજ દિન સુધીમાં રાજ્યમાં સરેરાશ 412.60 mm વરસાદ પડી ચૂક્યો હતો, જે તેના કુલ સરેરાશના 46.29% જેટલો થતો હતો. એટલે કે, અડધા ભાગનું ચોમાસું ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યું હતું અને જળાશયો છલકાઈ રહ્યા હતા

સમગ્ર રાજ્યમાં માત્ર 223.91 mm વરસાદ નોંધાયો

તેની સામે, ચાલુ વર્ષે (13 જુલાઈ 2026 સુધીમાં) સમગ્ર રાજ્યમાં માત્ર 223.91 mm વરસાદ નોંધાયો છે, જે કુલ મોસમી સરેરાશના માત્ર 24.64% જ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રાજ્યમાં માત્ર અડધા ભાગ જેટલો જ વરસાદ થયો છે અને ટકાવારીની દ્રષ્ટિએ પણ આપણે ઘણા પાછળ છીએ. બંને વર્ષો વચ્ચેનો ચોખ્ખો તફાવત 188.69 mm ઓછો વરસાદ દર્શાવે છે. જુલાઈના મધ્ય સુધીમાં સર્જાયેલી આ મોટી ઘટ ખેતીના પ્રારંભિક તબક્કા અને વાવણી માટે એક મોટો પડકાર બનીને ઊભી છે

Gujarat Monsoon 2026: 50 Percent Rain Deficit | Weather Forecast By Paresh Goswami

આ 6 જિલ્લાઓમાં કોરા ધાકોર આકાશથી હાહાકાર

દેવભૂમિ દ્વારકા (સૌથી વધુ અસરગ્રસ્ત): આ જિલ્લો ચાલુ વર્ષે કુદરતની અવકૃપાનો ભોગ બન્યો છે. અહીંનો 30 વર્ષનો મોસમી સરેરાશ વરસાદ 842 mm છે, જેની સામે ચાલુ વર્ષે માત્ર 8 mm વરસાદ પડ્યો છે, જે તેના સરેરાશના માત્ર 0.92% (1 ટકા કરતાં પણ ઓછો) છે! ગયા વર્ષે આ સમયે અહીં 389 mm વરસાદ સાથે ખેડૂતો ખુશખુશાલ હતા

કચ્છ: સરહદી અને સૂકા વિસ્તાર ગણાતા કચ્છમાં સરેરાશ 500 mm વરસાદની સામે ચાલુ વર્ષે માત્ર 10 mm વરસાદ નોંધાયો છે, જે માત્ર 1.92% છે. ગયા વર્ષે અહીં 282 mm જેટલો શાનદાર વરસાદ પડી ચૂક્યો હતો.

બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના આ મહત્વના ખેતીપ્રધાન જિલ્લામાં 722 mm ની સામે માત્ર 56 mm (7.75%) વરસાદ પડ્યો છે. ગયા વર્ષે અહીં 447 mm (63.57%) વરસાદ સાથે સ્થિતિ ઘણી ઉત્તમ હતી.

મોરબી અને જામનગર: મોરબીમાં ચાલુ વર્ષે માત્ર 56 mm (9.57%) અને જામનગરમાં માત્ર 67 mm (9%) વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે આ બંને જિલ્લાઓમાં અનુક્રમે 48.42% અને 48.51% વરસાદ થઈ ચૂક્યો હતો.

આણંદ જિલ્લામાં મોટો ડ્રોપ: મધ્ય ગુજરાતના આ હરિયાળા જિલ્લામાં ગયા વર્ષે 62.80% (492 mm) વરસાદ હતો, જેની સામે આ વર્ષે માત્ર 10.74% (86 mm) વરસાદ પડ્યો છે, જે રોકડિયા પાકોની ખેતી માટે મોટો ફટકો છે

Gujarat Monsoon 2026: 50 Percent Rain Deficit | Weather Forecast By Paresh Goswami

છેલ્લા 4 વર્ષનો વરસાદી ટ્રેન્ડ: અગાઉની ધમાકેદાર ઇનિંગ્સ સામે 2026 સુપર-ફ્લોપ

છેલ્લા ત્રણથી ચાર વર્ષના કુલ વરસાદના સત્તાવાર આંકડા સાથે સરખામણી કરતાં માલૂમ પડે છે કે ચાલુ વર્ષે ચોમાસું ઘણું જ ધીમું અને નબળું સાબિત થઈ રહ્યું છે.

કયા ઝોનમાં મેઘરાજા મહેરબાન અને ક્યાં લોચો?

સમગ્ર રાજ્યનો સરેરાશ મોસમી વરસાદ 909 mm ગણાય છે, જેની સામે હાલ માત્ર 223.91 mm (24.64%) જ નોંધાયો છે. જો પ્રદેશ વાઈઝ તુલના કરીએ તો, તળ ગુજરાત (ગુજરાત રીજન) માં 225.1 mm વરસાદ થયો છે જે સામાન્ય કરતાં 13% ઓછો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ રીજનમાં 114.1 mm વરસાદ થયો છે જે સામાન્ય કરતાં 28% જેટલો ઓછો છે.

આ જિલ્લાઓએ બચાવી લીધી રાજ્યની લાજ

નબળા ચોમાસાની વ્યાપક અસર વચ્ચે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓએ પોતાની વરસાદી પરંપરા જાળવી રાખી છે. જોકે, ગત વર્ષ જેટલો વરસાદ ત્યાં પણ નથી, છતાં અન્ય વિસ્તારોની સરખામણીએ સ્થિતિ ઘણી ઉત્તમ અને સંતોષજનક છે

Gujarat Monsoon 2026: 50 Percent Rain Deficit | Weather Forecast By Paresh Goswami

મધ્ય અને ઉત્તર ગુજરાતની કફોડી સ્થિતિ

અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા મધ્ય ગુજરાતના વિકસિત, વસ્તી ધરાવતા અને ખેતી પ્રધાન જિલ્લાઓમાં પણ આ વર્ષે ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે

અમદાવાદ: મેગા સિટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે માત્ર 116 mm (17.15%) વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે 295 mm (44.22%) વરસાદ સાથે નદી-નાળા છલકાયા હતા. ગાંધીનગર: પાટનગરમાં ગ્રીનરી વચ્ચે માત્ર 123 mm (15.69%) વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષના 288 mm સામે ઘણો જ ઓછો છે. વડોદરા અને પંચમહાલ: સંસ્કારી નગરી વડોદરામાં માત્ર 155 mm (17.72%) and પંચમહાલમાં 263 mm (28.90%) વરસાદ જ નોંધાયો છે, જેના કારણે આગામી સમયમાં જળસંકટ ઘેરૂં બની શકે છે

Gujarat Monsoon 2026: 50 Percent Rain Deficit | Weather Forecast By Paresh Goswami

કૃષિ, સિંચાઈ અને જળ સંચય પર સંભવિત અસરો

આ વ્યાપક ડેટા એનાલિસીસ પરથી સ્પષ્ટ થાય છે કે ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં (ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત) આગામી દિવસોમાં ગંભીર અસરો જોવા મળી શકે છે:

વાવણીમાં ભારે વિલંબ: વરસાદ ખેંચાવાના કારણે ખરીફ પાકોની વાવણી કાર્યમાં ભારે વિલંબ થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ખેડૂતોને મોંઘા બિયારણો ખરીદીને ફરીથી બેવડી વાવણી કરવાની ફરજ પડી શકે છે, જેનાથી આર્થિક બોજો વધશે.  

ઘાસચારાની અછત: કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા પશુપાલન પર નિર્ભર અને માલધારી વિસ્તારોમાં પશુધનના ઘાસચારા અને પીવાના પાણીની સમસ્યા વહેલી ઊભી થવાની ભીતિ છે. જો વરસાદ નહીં આવે તો હિજરતની નોબત આવી શકે છે.  

ડેમો અને જળાશયોની સ્થિતિ: જો આગામી દિવસોમાં ચોમાસું ફરી સક્રિય નહીં થાય, તો પીવાના પાણી અને સરકારે સિંચાઈ માટે નર્મદા ડેમ તેમજ અન્ય સ્થાનિક જળાશયોમાંથી પાણી છોડવાની આયોજનબદ્ધ વ્યૂહરચના અત્યારથી જ અપનાવવી પડશે

25 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક અને સારા વરસાદનો નવો રાઉન્ડ 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સંદેશ ડિજીટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 2026ના ચોમાસા દરમિયાન શરુઆતના બે મહિના (જૂન અને જુલાઈ) માં વરસાદની ભારે ખેંચ જોવા મળી છે. ચાલુ વર્ષે 'અલ નીનો' ખૂબ જ સક્રિય હોવાના કારણે હવામાનમાં આ પ્રકારની અસંતુલિતતા અને વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, આગામી 15 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ સિવાય, જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં એટલે કે 25 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક અને સારા વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે, જે ખેડૂતો માટે રાહત સમાન બનશે.

Gujarat Monsoon 2026: 50 Percent Rain Deficit | Weather Forecast By Paresh Goswami

અલ નીનોની મજબૂત અસરો જવાબદાર

પરેશ ગોસ્વામીએ સંદેશ ડિજીટલને જણાવ્યું હતું કે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદ ઓછો રહેવા પાછળ અલ નીનોની મજબૂત અસરો જવાબદાર છે, પરંતુ આગામી સમયમાં ઈન્ડિયન ઓશન ડીપોલ પોઝિટિવ ફેઝમાં આવવાની સંભાવના હોવાથી ગુજરાતને વરસાદનો સારો લાભ મળી શકે છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 100% થી 109% જેટલો શાનદાર સરેરાશ વરસાદ નોંધાયો હતો, પરંતુ ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની ધારણા છે. વર્ષના અંત સુધીમાં રાજ્યમાં સરેરાશ 90% થી 93% ની આસપાસ વરસાદ થવાનું અનુમાન છે. વરસાદમાં વિલંબ થવાને કારણે કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી માટે હવે મોડું થઈ ગયું હોવાથી, તેમણે ખેડૂતોને પાકની પેટર્ન બદલીને અડદ, મગ, સોયાબીન, તુવેર અથવા એરંડા જેવા પાકો તરફ વળવાની સલાહ આપી છે.

ચોમાસું હજી સુધી ગુજરાત માટે બિલકુલ આશાસ્પદ રહ્યું નથી

સમગ્ર રીતે જોતાં, વર્ષ 2026નું ચોમાસું હજી સુધી ગુજરાત માટે બિલકુલ આશાસ્પદ રહ્યું નથી. ગયા વર્ષે જે સમયે આપણે 46.29% વરસાદ સાથે એકદમ મજબૂત અને સલામત સ્થિતિમાં હતા, તેની સામે આ વર્ષે માત્ર 24.64% વરસાદ નોંધાયો છે.

વરસાદી સિસ્ટમ) સક્રિય થાય તેવી લોકોની રાહ

આગામી દિવસોમાં જો બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં કોઈ મજબૂત લો-પ્રેશર સિસ્ટમ (વરસાદી સિસ્ટમ) સક્રિય થાય, તો જ આ વરસાદની મોટી ઘટ પૂરી થઈ શકે તેમ છે. ત્યાં સુધી વહીવટી તંત્ર, નાગરિકો અને ખેડૂતો બંનેએ ચાલુ વર્ષે ઉપલબ્ધ પાણીનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક તેમજ કરકસરયુક્ત કરવો પડશે.  


આ પણ વાંચો     Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં