સમગ્ર દેશમાં એનાલોગ પનીરનું બેફામ પણે વેચાણ વધી રહ્યું છે અને તેના લીધો લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ ગુજરાત એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકનારૂ ત્રીજું રાજ્ય છે. ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. 

કેમ અચાનક એનાલોગ પનીરનો મામલો ચગ્યો? 

મહારાષ્ટ્ર સરકારે જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એનાલોગ પનીર બનાવવા, વેચવા અને હોટેલોમાં પીરસવા પર એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંઢેના એક કડક નિર્ણય બાદ 30 જુલાઈ 2026ના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, લેબ ટેસ્ટમાં પનીરના 35% થી વધુ સેમ્પલ ફેલ સાબિત થયા હતા. હોટેલ અને કેફેવાળા ગ્રાહકોને જણાવ્યા વગર જ અસલી દૂધના પનીરની જગ્યાએ આ સસ્તું અને ભેળસેળયુક્ત પનીર ખુલ્લેઆમ પીરસી રહ્યા હતા. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ હવે ગુજરાત સરકારે પણ તેના પર પ્રતિબંધ મુકીને તેના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.  

પ્રફૂલ્લ પાનશેરિયા

ગુજરાતના શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી

રાજ્ય સરકારે એનાલોગ પનીર અને નકલી ચીઝના વેચાણ સામે પ્રતિબંધ ફરમાવ્યા બાદ અચાનક આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય થયો હતો અને રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં આ પ્રકારની બનાવટના પનીર અને ચીઝનું વેચાણ કરતાં લોકોની ફેક્ટરી અને દુકાનો પર દરોડા પાડ્યા છે. બીજી તરફ રાજ્યમાં આ નિર્ણય લીધા પહેલા પણ ફૂડ વિભાગ દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. સુરત SOG અને ફૂડ વિભાગના સંયુક્ત દરોડામાં પાંડેસરાની એક ગેરકાયદે ફેક્ટરીમાંથી 1401 કિલોગ્રામ શંકાસ્પદ એનાલોગ પનીર, પામોલિન તેલ અને પ્રોસેસિંગ મશીનરી જપ્ત કરવામાં આવી હતી.ઘોડદોડ રોડ અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાંથી પણ 315 કિલોગ્રામથી વધુ નકલી પનીરનો જથ્થો કબ્જે કરાયો હતો. અમદાવાદમાં સોલા રોડ, વેજલપુર, નરોડા GIDC અને જાણીતી હોટેલો-રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડીને 173 કિલોથી વધુ એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું અને 110થી વધુ સ્થળોએથી સેમ્પલિંગ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.રાજકોટના લાતી પ્લોટમાં ફોર્ચ્યુન પનીર સહિત અન્ય સ્થળોએ જૂનાગઢથી સપ્લાય થતું પનીર ઝડપાયું હતું. અહીં મુળ મુદ્દો એ છે કે આ પ્રકારની ચીજો માર્કેટમાં બેફામ પણે વેચાતી હતી તો રાજ્ય સરકારે પહેલા જ કેમ તેના પર પ્રતિબંધ મુક્યો નહોતો.

એનાલોગ પનીરના વેચાણને લઈને આરોગ્ય મંત્રીએ શું કહ્યું?

આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. રાજ્યમાં અસલી દૂધમાંથી બનતા પનીરની જગ્યાએ સસ્તા વનસ્પતિ ફેટ અને પ્રોસેસ્ટ મટીરિયલથી બનતા એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટ ફૂડ સેન્ટર, પનીર અને ચીઝના ઉત્પાદકો જો આ પ્રકારનું નકલી પનીરનું વેચાણ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમો બનાવીને આ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણ સામે નિયંત્રણ લાવવા સઘન તપાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. વેપારીઓ પાસેથી શંકાસ્પદ સેમ્પલો લઈને તાત્કાલિક ધોરણે તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરવા માટેની કામગીરી પણ કરવામાં આવી છે. જો કોઈ એકમ આ પ્રકારના નકલી પનીર કે ચીઝનું ઉત્પાદન કરશે તો તેની સામે સ્થળ પર જ જથ્થો સીલ કરીને દંડનીય કાર્યવાહી અને ફોજદારી ગુનો નોંધાશે. 

એનાલોગ પનીર

રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાવવાના નિર્ણય પર પ્રતિબંધ કેમ?

ગુજરાત સરકારે થોડા સમય પહેલા જ હોટેલ અને રેસ્ટોરન્ટમાં જે પનીરનો ઉપયોગ થાય છે. આ પનીર અસલ દૂધમાંથી બનાવેલું છે કે, એનાલોગ પની છે તેનું બોર્ડ લગાવવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયનો થોડા ઘણા અંશે અમલ થયો હતો. એટલામાં જ સરકારે એનાલોગ પનીરના વેચાણ અને ઉપયોગ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.  

શું કહે છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006?

રાજ્યમાં કોઈ પણ વેપારી અખાદ્ય જથ્થાનું વેચાણ કરતો હોય અથવા તો કોઈ એકમ નકલી પનીર, ચીજ, બટર સહિત ઘી કે તેલની બનાવટો બનાવતું હોય તો તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ-50 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. કોઈપણ ગ્રાહક દ્વારા માંગવામાં આવેલી ગુણવત્તા ધરાવતી ખાદ્ય સામગ્રી પીરસવામાં ના આવે અને કાયદાના નિયમનો ભંગ થાય તો વેપારી અને એકમને પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે આ એક્ટમાં અન્ય કલમો અંતર્ગત દંડની જોગવાઈ કરાયેલી છે. 

એનાલોગ પનીર કેવું હોય

મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશમાં પણ પ્રતિબંધ મુકાશે

મહારાષ્ટ્ર પહેલા એનાલોગ પનીર પર છત્તીસગઢમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે મધ્યપ્રદેશ પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યું છે. હવે મધ્ય પ્રદેશ સરકાર પણ આ રાજ્યોના પ્રતિબંધાત્મક આદેશોનું પરીક્ષણ કરવા જઈ રહી છે. આ તપાસ દરમિયાન એ જોવામાં આવશે કે આ બંને રાજ્યોએ કયા કારણોસર રોક લગાવી છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી લેવાયેલા સેમ્પલોનો તપાસ રિપોર્ટ પણ ચકાસવામાં આવશે. જેથી એ જાણી શકાય કે કેટલા સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે અને તેના આધારે આગળનો નિર્ણય લેવાશે. 

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: વંદે માતરમ ગીતનું અપમાન પડશે મોંઘું! નવા કાયદાથી શું બદલાશે અને કેટલી થશે સજા?