સરકાર દ્વારા લાવવામાં આવેલા વંદેમાતરમ વિધેયક 2026 દ્વારા પ્રથમ વખત રાષ્ટ્રીય ગીત વંદે માતરમને પણ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971ના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.આ કાયદો અમલી બન્યા બાદ રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયનમાં ઈરાદાપૂર્વક અડચણ ઊભી કરવા કે તેનો અનાદર કરવા બદલ જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકશે.આવો જાણીએ આ વિધેયકમાં શું જોગવાઈઓ છે,આની જરૂરિયાત શા માટે પડી, પહેલાંનો કાયદો શું હતો અને આ અંગે કાનૂની સ્થિતિ શું છે?
આ વિધેયક લાવવાની જરૂરિયાત શા માટે પડી?
24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની બેઠકમાં તેના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે જાહેરાત કરી હતી કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમ જેણે ભારતની આઝાદીની લડતમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેને જન ગણ મન જેટલું જ સન્માન અને સમાન દરજ્જો પ્રાપ્ત થશે.વર્તમાનમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાયનનું અપમાન રોકવા કે તેમાં અવરોધ ઊભો કરવા સામે કોઈ ચોક્કસ કાનૂની જોગવાઈ નહોતી.આથી અધિનિયમની કલમ 3 માં સુધારો કરીને રાષ્ટ્રીય ગીતને પણ આ કાયદા હેઠળ આવરી લેવાનો પ્રસ્તાવ કરાયો છે. જેથી તેનું અપમાન શિક્ષાપાત્ર ગુનો બની શકે છે.

વિધેયકમાં શું પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે?
વિધેયકના નવા પ્રસ્તાવ અનુસાર જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક રાષ્ટ્રગાન જન ગણ મન અથવા રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાયન રોકે છે અથવા રાષ્ટ્રગાન કે રાષ્ટ્રીય ગીત ગાઈ રહેલી કોઈ સભા કે કાર્યક્રમમાં વિક્ષેપ અને અડચણ ઊભી કરે છે તો તેને વધુમાં વધુ ત્રણ વર્ષની કેદ, દંડ અથવા બંનેથી દંડિત કરી શકાશે.
રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 શું છે?
આ કાયદો 23 ડિસેમ્બર 1971ના રોજ સંસદ દ્વારા બનાવવામાં આવ્યો હતો.તેનો મુખ્ય હેતુ ભારતના રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનના સન્માનની રક્ષા કરવાનો તથા તેના અપમાનને દંડનીય બનાવવાનો છે. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની ઘોષણાના આધારે સરકારનું કહેવું છે કે બંનેનો દરજ્જો સમાન માનવામાં આવ્યો હતો.ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ગીત શબ્દનો અલગથી ઉલ્લેખ નથી.બંધારણે માત્ર રાષ્ટ્રગાનને જ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું.જ્યારે વંદે માતરમને સન્માનજનક રાષ્ટ્રીય ગીતનો દરજ્જો બંધારણ સભાની ઘોષણા દ્વારા પ્રાપ્ત થયો હતો.

રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' અને રાષ્ટ્રગાન 'જન ગણ મન' વચ્ચે શું તફાવત છે?
રાષ્ટ્રીય સન્માન (સુધારા) વિધેયક, 2026 લાવતા પહેલાં ગૃહ મંત્રાલયે 9 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' અને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ના ગાયન તથા વાદનને લઈને વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી હતી. ગૃહ મંત્રાલયે આ આદેશ તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો તથા વિભાગોને મોકલીને આ નિર્દેશોનું સખત પાલન કરાવવા જણાવ્યું હતું. આ આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કયા કયા પ્રસંગોએ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન ગાઈ કે વગાડી શકાશે, કયા પ્રસંગોએ બંનેનો ઉપયોગ થઈ શકે અને કયા કાર્યક્રમોની શરૂઆત કે સમાપન પર બંનેને રજૂ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન બંને રજૂ કરવાના હોય, તો સૌપ્રથમ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' અને ત્યારબાદ રાષ્ટ્રગાન 'જન ગણ મન' રજૂ કરવામાં આવશે; જો કોઈ રાજ્યમાં રાજ્ય ગીત પણ રાષ્ટ્રીય ગીત કે રાષ્ટ્રગાન સાથે ગવાતું કે વાગતું હોય, તોપણ આ જ ક્રમ જાળવવાનો રહેશે.
રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો અને સાચા ઉચ્ચારણનું જ પાલન
માર્ગદર્શિકામાં આદેશ આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો અને સાચા ઉચ્ચારણનું જ પાલન કરવામાં આવે, જે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત સંસ્થાઓને આ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા જરૂરી આદેશો આપવા જણાવવામાં આવ્યું છે.રાષ્ટ્રીય ગીત ('વંદે માતરમ') અંગેના નિર્દેશોમાં જણાવાયું છે કે તેનું સત્તાવાર સંસ્કરણ અંદાજે 3 મિનિટ 10 સેકન્ડનું છે, અને તેને કયા ઔપચારિક પ્રસંગોએ વગાડી કે ગાઈ શકાશે તેમજ ક્યારે સમૂહ ગાયન કરી શકાશે તે નક્કી કરાયું છે. વિશેષરૂપે, જ્યારે પણ રાષ્ટ્રીય ગીતનું આ સત્તાવાર સંસ્કરણ ગવાતું કે વાગતું હોય, ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ તેના સન્માનમાં સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું રહેશે.

વંદે માતરમ અંગે વિવાદ શા માટે હતો?
વંદે માતરમને લઈને વિવાદ નવો નથી.ગીતના શરૂઆતના બે અંતરા તમામ સમુદાયોમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે.પરંતુ પછીના ભાગોમાં દેવી દુર્ગા સહિત હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉલ્લેખ આવે છે.આ જ કારણે આઝાદી પહેલાં પણ ઘણા નેતાઓએ સૂચવ્યું હતું કે જાહેર કાર્યક્રમોમાં માત્ર પહેલા બે અંતરા જ ગાવામાં આવે. કૉંગ્રેસ કારોબારી સમિતિએ પણ આ જ આધારે તેને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું હતું.
સુપ્રીમ કોર્ટનું વલણ શું રહ્યું છે?
આ વિષય પર કોર્ટના બે મહત્વના નિર્ણય છે.પ્રથમ કેસ બીજોય ઇમેન્યુઅલ (1986)નો છે. જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ વ્યક્તિને રાષ્ટ્રગાન ગાવા માટે મજબૂર કરી શકાતી નથી.સન્માન દર્શાવવા માટે ઊભા રહેવું પૂરતું છે અને રાષ્ટ્રગાન દરમિયાન શાંત રહેવું એ અપમાન નથી.તત્કાલીન કોર્ટે કહ્યું હતું કે બંધારણ નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે.બીજો કેસ 2014માં કેરળ હાઈકોર્ટનો હતો. જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાન દરમિયાન ઈરાદાપૂર્વક અવાજ કે શોરબકોર કરે છે અથવા કાર્યક્રમમાં અડચણ ઊભી કરે છે તો તે ગુનો બની શકે છે અને પોલીસ તેની તપાસ કરી શકે છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: દેશના 15 રાજ્યોમાં 72 ટકા વરસાદની ઘટ, તો શું વરસાદ વગર જ ચોમાસુ પસાર થઈ જશે?