હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ પ્રશાંત મહાસાગરમાં શરૂ થયેલા અલનીનોની અસરને કારણે વરસાદની કમીને પૂર્ણ કરવા માટે આટલો વરસાદ પૂરતો નથી. હજી ચોમાસુ શરૂ થયાને એકાદ મહિનો જ થયો છે. ભારતમાં ચોમાસાના ઈતિહાસમાં જૂન મહિનો સૌથી વધુ સુકો રહ્યો છે. દેશમાં આ વખતે વરસાદની 40 ટકા કમીને કારણે ચિંતા વધી છે. પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વરસાદની 40 ટકા ઘટનો આંકડો 14 ટકા પર આવી ગયો હતો.
કેટલાક ભાગોમાં તો વરસાદના છાંટા પણ પડ્યા નથી
મુંબઈ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થયો હતો. પરંતુ મળેલી રાહત લાંબી ટકી નહોતી. 13 જુલાઈ 2026 સુધી ફરી એકવાર ચોમાસુ નબળુ પડી ગયું અને વરસાદની ઘટ 14થી વધીને 18 ટકા થઈ ગઈ. તે છતાંય દેશમાં કેટલાક ભાગોમાં તો વરસાદના છાંટા પણ પડ્યા નથી. સમગ્ર દેશમાં હવામાનનો અલગ રંગ જોવા મળ્યો છે. ગુજરાતમાં બેથી ત્રણ દિવસ વરસાદ થયો અને સુરતમાં હાહાકાર મચી ગયો પણ હવે ઓચિંતો જ વરસાદ બંધ થઈ જતાં ગરમી અને ઉકળાટ વધ્યો છે. ખેડૂતો પણ ખેતીની ચિંતામાં સરી પડ્યા છે.

30 જૂન 2026 સુધીમાં દેશમાં 40 ટકા વરસાદની ઘટ હતી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 30 જૂન 2026 સુધીમાં દેશમાં 40 ટકા વરસાદની ઘટ હતી. જે છેલ્લા 126 વર્ષમાં પાંચમી વખત સૂકો રહેલો જૂન મહિનો છે. પરંતુ ફરી પહેલી જુલાઈથી ચોમાસુ આગળ વધ્યું અને 9 જુલાઈ સુધી સમગ્ર દેશમાં 205 મીમી વરસાદ વરસ્યો, જે સામાન્ય 233.1 મીમીથી 14 ટકા ઓછો હતો. મુંબઈના જળાશયોમાં 10 ટકાથી વધીને 49 ટકા સુધી પાણીનો જથ્થો વધ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારમાં 53, ઝારખંડમાં 43, મણીપુર અને મિઝોરમમાં 42 ટકા વરસાદની ઘટ છે. જ્યારે હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસમાં પૂર્વોત્તર અને બંગાળ સહિત બિહારમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
જેમાં સૌથી વધારે પ્રભાવિત પૂર્વના રાજ્યો છે
દેશમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, આસામ, મેઘાલય, મણીપુર અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની ઘટ નોંધાઈ છે. દેશના 15 રાજ્યોમાંથી કેટલાક રાજ્યોમાંથી વરસાદની 73 ટકા સુધીની ઘટ નોંધાઈ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત પૂર્વના રાજ્યો છે. જ્યાં 37 ટકા વરસાદની ઘટ છે. બીજી બાજુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. ઓડિસ્સામાં 12 ટકા વરસાદ નોંધાયો છે. દિલ્હી એનસીઆરમાં પણ ભારે વરસાદ વરસ્યો. મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ વધારે વરસાદ નોંધાયો હતો. ચોમાસાએ સૌથી વધારે સુસ્તી પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં બતાવી હતી.જ્યાં વરસાદની 37 ટકા ઘટ નોંધાઈ છે.

હવામાન વિભાગની આગાહી શું હતી?
IMDએ પહેલાથી જ 84 ટકા સંભાવના સાથે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી કરી હતી.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે દેશમાં 43% ઓછો વરસાદ નોંધાયો છે અને જુલાઈમાં પણ ચોમાસું નબળું રહેશે.IIT કાનપુરના પ્રોફેસર રઘુ મુર્તુગુડ્ડેના જણાવ્યા અનુસાર, અલ નીનો હવે એકલો કામ નથી કરી રહ્યો.મેયૂ-બાયૂ ફ્રન્ટ (Meyu-Baiu front)પણ ચોમાસાની શરૂઆત અને તેના આગળ વધવામાં વિલંબ કરી રહ્યો છે.IMDએ જુલાઈ 2026 માટે સામાન્યના 94% વરસાદની આગાહી કરી છે.સમગ્ર ચોમાસાની સીઝન (દરમિયાન સામાન્યના 90% વરસાદનું અનુમાન છે.
તો શું આ ચોમાસું કોરૂં જ પસાર થઈ જશે?
પર્યાવરણવિદ્ સુભાષ સી.પાંડે કહે છે,મોન્સૂન ટ્રફ એ ઓછા દબાણની એક પટ્ટી છે જે સામાન્ય રીતે મધ્ય ભારતમાંથી પસાર થાય છે.તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચીને વરસાદ લાવે છે.પરંતુ આ દિવસોમાં આ ટ્રફ હિમાલયની તળેટી તરફ ખસી ગઈ છે.આ કારણે ભેજવાળી હવાઓ મધ્ય અને દક્ષિણ ભારત સુધી પહોંચી શકતી નથી અને ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.જ્યાં સુધી આ ટ્રફ ફરીથી પોતાની સામાન્ય સ્થિતિમાં પાછી નહીં આવે,ત્યાં સુધી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નહીં પડે.

ખરીફ પાક પર શું અસર થઈ?
ચોમાસામાં વિલંબ અને જૂન મહિનામાં પડેલા દુષ્કાળની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડી છે.તમામ મુખ્ય પાકોનો વાવણી વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ ઓછો છે. તેનું કારણ એ છે કે ચોમાસાનો મુખ્ય મુખ્ય વિસ્તાર, જ્યાં સિંચાઈની સુવિધા મર્યાદિત છે અને ખેડૂતો વાવણી માટે ચોમાસા પર નિર્ભર છે, તે હજુ પણ વરસાદની મોટી અછતનો સામનો કરી રહ્યો છે.કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે એવા 111 ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જિલ્લાઓ છે, જ્યાં સિંચાઈ કવરેજ 25% કરતાં ઓછું છે.અંદાજે 60% ખેડૂતો ખરીફ પાક માટે ચોમાસાના વરસાદ પર આધારિત છે.

ચોમાસાનું અસલી ચિત્ર શું છે?
2026નું ચોમાસું ભારે ઉતાર-ચઢાવવાળું રહ્યું છે.જૂનમાં 40%ની ભારે અછત જુલાઈના પ્રથમ સપ્તાહમાં થોડી રાહત અને ત્યારબાદ 13 જુલાઈ સુધીમાં વરસાદની ખાધ વધીને 18% થવી એ અલ નીનોની અસર છે.સૌથી ખરાબ સ્થિતિ પૂર્વ અને પૂર્વોત્તર ભારતની છે જ્યાં 37% ની અછતે ખરીફ પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. દેશના 15 રાજ્યો 20% કરતાં વધુ ઓછો વરસાદ સહન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?