વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.આશરે ચાર દાયકા પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર ન્યૂઝીલેન્ડ યાત્રા છે.આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ઓકલેન્ડમાં દ્વિપક્ષીય વાર્તાલાપ થશે.બંને નેતાઓ વેપાર, રોકાણ, સંરક્ષણ , શિક્ષણ, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરશે. ચાલો જાણીએ કે ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધો કેટલા જૂના છે? ન્યૂઝીલેન્ડ માટે ભારત કેમ મહત્વનું બની રહ્યું છે? બંને દેશો વચ્ચે કયા ક્ષેત્રોમાં સહયોગ છે? વેપારી સંબંધો કેવી રીતે આગળ વધ્યા અને વેપારના આંકડા શું દર્શાવે છે?પીએમ મોદીનો આ પ્રવાસ કેમ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે?
આ પ્રવાસ કેમ મહત્વનો માનવામાં આવી રહ્યો છે?
આશરે 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ યાત્રા એક એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વેપાર, રોકાણ, સંરક્ષણ, શિક્ષણ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સતત કામ કરી રહ્યા છે.તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત થયા છે.મુક્ત વેપાર કરાર થયો છે અને લોકો વચ્ચેનો પરસ્પર સંપર્ક પણ વધ્યો છે.વડાપ્રધાન મોદી ઓકલેન્ડ પહોંચે તેના એક દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે,ન્યૂઝીલેન્ડથી ભારત તરફ થતી નિકાસમાંથી 57% નિકાસ પર પહેલા જ દિવસથી કોઈ પણ પ્રકારની ડ્યુટી નહીં લાગે એટલે કે તે સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી થઈ જશે. તેમણે આ વેપાર કરારને આવકારતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર લખ્યું કે,ભારત સાથે થયેલા આ વેપાર કરારથી ન્યૂઝીલેન્ડના વેપાર અને બિઝનેસને ખૂબ મોટો વેગ મળશે.
ભારત માટે ન્યઝીલેન્ડ કેમ ખાસ છે?
ન્યૂઝીલેન્ડ દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત મહાસાગર (પેસિફિક ઓશન) માં આવેલો એક દ્વીપીય દેશ છે, જે ઓસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિલોમીટર દૂર છે. વર્લ્ડઓમીટરના જણાવ્યા અનુસાર અહીંની વસ્તી અંદાજે 52.9 લાખ છે. આ દેશ વિશ્વના સૌથી વિકસિત દેશોમાં સામેલ છે અને તે પોતાના શ્રેષ્ઠ જીવનધોરણ, પારદર્શક શાસન, માનવ વિકાસ તેમજ નાગરિક સ્વતંત્રતા માટે જાણીતો છે.IMFના અંદાજ મુજબ,2026માં ન્યૂઝીલેન્ડનું અર્થતંત્ર આશરે 278.64 અબજ ડોલર રહેવાની સંભાવના છે. જ્યારે તેનો આર્થિક વિકાસ દર 2.1% રહેવાની આશા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધો કેટલા જૂના છે?
ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધો લાંબા સમયથી મૈત્રીપૂર્ણ રહ્યા છે.બંને દેશો એક સમયે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા.બંને કોમનવેલ્થના સભ્યો છે અને લોકતાંત્રિક વ્યવસ્થા, કોમન લો,અંગ્રેજી ભાષા,રમતગમત તેમજ લોકો વચ્ચેના મજબૂત સંબંધો જેવી ઘણી સમાનતાઓ ધરાવે છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાજદ્વારી સંબંધો વર્ષ 1952માં સ્થાપિત થયા હતા.જોકે, 1950માં જ બંને દેશો વચ્ચે ટ્રેડ કમિશનની શરૂઆત થઈ ચૂકી હતી. જેને પાછળથી હાઈ કમિશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો.સમયની સાથે બંને દેશોએ રાજકીય,આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને સતત આગળ વધાર્યો છે. ન્યૂઝીલેન્ડ ભારતને ઝડપથી ઊભરતું અર્થતંત્ર અને વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા દેશોમાંના એક તરીકે જુએ છે.ભારતનો વધતો વૈશ્વિક પ્રભાવ, મજબૂત અર્થવ્યવસ્થા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી ભૂમિકા ન્યૂઝીલેન્ડ માટે ભારતનું મહત્વ સતત વધારી રહી છે.આ જ કારણોસર ન્યૂઝીલેન્ડે વર્ષ 2011માં ભારતને અગ્રતા ધરાવતા દેશોમાં સામેલ કર્યું હતું.

વેપારી સંબંધો કેવી રીતે આગળ વધ્યા?
માર્ચ 2025માં બંને દેશોએ વ્યાપક મુક્ત વેપાર કરાર પર વાર્તાલાપ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને રેકોર્ડ નવ મહિનાની અંદર 27 એપ્રિલના રોજ આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.આ કરાર ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.આનાથી ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારમાં વધુ સારી પહોંચ મળશે અને સાથે જ ઓશેનિયા તેમજ પ્રશાંત મહાસાગરના દ્વીપક્ષીય દેશો સુધી પહોંચવાનો રસ્તો પણ મજબૂત બનશે.ભારતથી ન્યૂઝીલેન્ડમાં દવાઓ, મશીનરી, કાપડ, વાહનો, કિંમતી પથ્થરો અને આભૂષણો સહિતની ઘણી પ્રોડક્ટ્સ નિકાસ કરવામાં આવે છે.ન્યૂઝીલેન્ડથી ભારત ઊન, લોખંડ-પોલાદ, એલ્યુમિનિયમ, ફળો, ડ્રાયફ્રૂટ્સ, લાકડાની પ્રોડક્ટ્સ અને અન્ય સામાન આયાત કરે છે.બંને દેશો આઈટી, એન્જિનિયરિંગ, હેલ્થકેયર, શિક્ષણ, બાંધકામ, કૃષિ, ફૂડ એન્ડ બેવરેજીસ, એવિએશન અને ટેકનિકલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં પણ નવી તકો શોધી રહ્યા છે.
બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે?
ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધોની સૌથી મોટી તાકાત બંને દેશોના લોકો વચ્ચેનું પરસ્પર જોડાણ છે.ન્યૂઝીલેન્ડમાં આશરે ત્રણ લાખ જેટલા ભારતીય મૂળના લોકો રહે છે.આ ઉપરાંત લગભગ આઠ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.પ્રવાસન, ક્રિકેટ, હોકી, પર્વતારોહણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાને પણ બંને દેશોના સંબંધોને ખૂબ મજબૂત બનાવ્યા છે.ભારત તરફથી ઇન્દિરા ગાંધીએ વર્ષ 1968માં અને રાજીવ ગાંધીએ વર્ષ 1986માં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી વર્ષ 2016માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ત્યાં ગયા હતા.ન્યૂઝીલેન્ડના પણ ઘણા વડાપ્રધાનો અને વરિષ્ઠ નેતાઓએ ભારતની મુલાકાત લીધી છે. આમાં સૌથી તાજેતરનો પ્રવાસ માર્ચ 2025માં વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની ભારત મુલાકાતનો રહ્યો હતો. જેણે બંને દેશોના સંબંધોને એક નવી ગતિ આપી છે.

બંને દેશો વચ્ચે વેપારના આંકડા શું દર્શાવે છે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે.જો છેલ્લા દસ વર્ષ પર નજર કરીએ તો વર્ષ 2015-16માં બંને દેશો વચ્ચેનો ગુડ્સ ટ્રેડ 855 મિલિયન અમેરિકન ડોલર હતો.વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચેનો વસ્તુ વેપાર 873 મિલિયન ડોલર હતો.જે વર્ષ 2024-25માં વધીને 1.3 અબજ ડોલર થઈ ગયો.એટલે કે તેમાં આશરે 49 ટકાનો વધારો નોંધાયો છે.વર્ષ 2024-25માં ભારતની ન્યૂઝીલેન્ડ ખાતેની નિકાસ 711 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.વર્ષ 2024માં ભારતની સેવા નિકાસ (સર્વિસ એક્સપોર્ટ) માં પણ 13 ટકાનો વધારો થયો છે અને તે 634 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
બંને દેશો વચ્ચે કયા ક્ષેત્રોમાં સહયોગ છે?
બંને દેશો વેપાર, રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, પ્રવાસન, કૃષિ, ટેકનોલોજી, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર (UN), વિશ્વ વેપાર સંગઠન (WTO) અને કોમનવેલ્થ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્યો છે. આ ઉપરાંત, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાને લઈને પણ બંને દેશો સમાન હિતો ધરાવે છે.સંરક્ષણ ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધો રહ્યા છે. પ્રથમ વિશ્વ યુદ્ધ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બંને દેશોના સૈનિકો એકસાથે લડ્યા હતા. હવે બંને દેશો સંરક્ષણ સહયોગ અને સૈન્ય સંપર્ક વધારવા પર પણ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે