દેશમાં આશરે 81 કરોડ લોકોને દર મહિને મફત અનાજ પૂરું પાડતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંગે કેન્દ્ર સરકારની તાજેતરની સમીક્ષામાં એક મહત્ત્વની ખામી સામે આવી છે.વર્ષ 2025-26માં હાથ ધરાયેલા સર્વે મુજબ,રેશન મેળવતા દર 100 લાભાર્થીમાંથી આશરે 13.2 લોકો મફત અનાજ મેળવવા માટે અપાત્ર છે.તેમને સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ નહીં.સરવેમાં સામે આવ્યું છે કે,જે પરિવારો પાસે ત્રણ કે તેથી વધુ રૂમ ધરાવતું પાકું મકાન, કાર, એર કન્ડિશનર છે અથવા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં છે તેવા પરિવારો પણ મફત અનાજ મેળવી રહ્યા છે.
કયા રાજ્યમાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછા અપાત્ર લાભાર્થી?
આ સર્વે દેશનાં તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 51,303 લાભાર્થી પરિવારોના નમૂનાના આધારે કરવામાં આવ્યો છે.મફત અનાજ મેળવતા અપાત્ર લોકોની સંખ્યા દરેક રાજ્યમાં અલગ-અલગ છે.પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 39.5% લાભાર્થી અપાત્ર હોવાનું સામે આવ્યું છે.ત્યાં રેશન મેળવનારા દર ત્રણમાંથી લગભગ એક લાભાર્થી નિયમો મુજબ મફત અનાજ મેળવવા માટે પાત્ર નથી.આ યાદીમાં ત્રિપુરા 39.2% સાથે બીજા અને તમિલનાડુ 38.7% સાથે ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત બિહારમાં 25.5%, ઓડિશામાં 22.9%, પંજાબમાં 20.6% અને મહારાષ્ટ્રમાં 20.3% લાભાર્થી અપાત્ર હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.મધ્યપ્રદેશમાં અપાત્ર લાભાર્થીઓનું પ્રમાણ માત્ર 0.5% અને જમ્મુ-કાશ્મીરમાં 0.3% નોંધાયું છે. હરિયાણા અને દિલ્હીમાં 1-1%, જ્યારે રાજસ્થાનમાં 1.8% લાભાર્થી અપાત્ર હોવાનું સામે આવ્યું છે.પૂર્વ અને પૂર્વોત્તર ભારતનાં રાજ્યોમાં અપાત્ર લાભાર્થીઓનું પ્રમાણ વધુ છે, જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં આ પ્રમાણ ઓછું છે.

આખરે આ સમસ્યાનું મૂળ કારણ શું છે?
આ સ્થિતિ ત્યારે સામે આવી છે જ્યારે વર્ષ 2025-26માં કેન્દ્ર સરકારનું કુલ ફૂડ સબસિડી બિલ રૂ.2.28 લાખ કરોડ હતું. આ રકમ સરકારના કુલ રૂ.4.69 લાખ કરોડના સબસિડી ખર્ચના લગભગ અડધા જેટલી છે. એટલે કે, મફત અનાજ પાછળ ખર્ચવામાં આવતી મોટી રકમ એવા પરિવારો સુધી પણ પહોંચી રહી છે, જેઓ ખરેખર આ યોજનાના હકદાર નથી.મફત અનાજ યોજનામાં આ ગેરરીતિનું મુખ્ય કારણ તેની અમલીકરણ વ્યવસ્થા હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (NFSA), 2013ની કલમ 9 હેઠળ લાભાર્થીઓની કુલ સંખ્યા કેન્દ્ર સરકાર નક્કી કરે છે, જ્યારે કલમ 10 હેઠળ લાભાર્થી પરિવારોની ઓળખ કરવાની અને તેના માટેના નિયમો બનાવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.આથી દરેક રાજ્યમાં લાભાર્થીઓની પસંદગી માટે અલગ-અલગ માપદંડ છે. કેટલાક રાજ્યો પરિવારની આવકને આધાર બનાવે છે, તો કેટલાક મિલકત, જમીન કે સરકારી નોકરી જેવા માપદંડના આધારે લાભાર્થીઓની પસંદગી કરે છે.
અપાત્ર લાભાર્થીઓને દૂર કરવા સરકાર શું કરી રહી છે?
સમસ્યા એ છે કે અનેક રાજ્યોએ વર્ષોથી પોતાની લાભાર્થી યાદીઓ અપડેટ કરી નથી.પરિણામે જે પરિવારો અગાઉ ગરીબ હતા અને મફત અનાજ મેળવવા માટે પાત્ર હતા,પરંતુ હવે તેમની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. તેમની પાસે કાર કે પાકું મકાન આવી ગયું છે, તેમ છતાં તેઓ હજુ પણ સરકારી રેશનનો લાભ લઈ રહ્યા છે.આ સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર આધાર આધારિત e-KYC પ્રક્રિયા દ્વારા અપાત્ર લાભાર્થીઓને ઓળખીને યાદીમાંથી દૂર કરવાની કામગીરી કરી રહી છે.સરકારના આંકડા મુજબ,જૂન 2026 સુધીમાં દેશભરમાં 8.51 કરોડ શંકાસ્પદ લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી.તેમાંથી રાજ્ય સરકારો દ્વારા અત્યાર સુધીમાં 2.21 કરોડ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યાં છે.દેશભરમાં 87%થી વધુ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે.ઓડિશા જેવા રાજ્યમાં આ આંકડો 97% સુધી પહોંચી ગયો છે.

અસલી જરૂરિયાતમંદો પણ યોજનામાંથી બહાર થઈ શકે!
એક તરફ સરકાર અપાત્ર લાભાર્થીઓને દૂર કરવાની કામગીરી કરી રહી છે તો બીજી તરફ આ પ્રક્રિયામાં ખરેખર જરૂરિયાતમંદ પરિવારો યોજનાના લાભથી વંચિત રહી જવાનો ખતરો છે.આ સ્થિતિને એક્સક્લૂઝન એરર એટલે કે પાત્ર હોવા છતાં યોજનામાંથી બાકાત રહી જવાની ભૂલ કહેવામાં આવે છે.આવી સમસ્યા ખાસ કરીને એવા લોકો સાથે થઈ શકે છે. જેમના આધારકાર્ડમાં ટેક્નિકલ ખામી હોય,ફિંગરપ્રિન્ટ મેચ ન થતા હોય અથવા જેઓ દૂરના ગામડાઓમાં રહેતા હોય અને જ્યાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોય.આથી માત્ર eKYCના આધારે લાભાર્થીઓને દૂર કરવાને બદલે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, ખરેખર જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ મળતું રહે.
લાભાર્થીઓની યાદી સમયાંતરે અપડેટ કરવાની જરૂર
કેન્દ્ર સરકારના સર્વેમાં સ્પષ્ટ થયું છે કે મફત અનાજ યોજનાનો લાભ તમામ કિસ્સાઓમાં યોગ્ય લોકો સુધી પહોંચી રહ્યો નથી. એક તરફ યોજનામાં 13.2% અપાત્ર લાભાર્થીઓ હોવાનો અંદાજ છે, તો બીજી તરફ ટેક્નિકલ ખામીઓને કારણે અસલી જરૂરિયાતમંદો યોજનામાંથી બહાર થઈ જવાની શક્યતા પણ છે.નિષ્ણાતોના મતે, આ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારોએ લાભાર્થીઓની પાત્રતાના માપદંડ સમયાંતરે અપડેટ કરવા જોઈએ. સાથે જ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેના દ્વારા પરિવારોની આવક અને સંપત્તિમાં થતા ફેરફારો પર સતત નજર રાખી શકાય.આવી વ્યવસ્થાથી સરકારી સબસિડીનો લાભ યોગ્ય પરિવારો સુધી પહોંચાડી શકાશે અને ખરેખર જરૂરિયાતમંદ લોકોને મફત અનાજથી વંચિત રહેતા પણ અટકાવી શકાશે.
આ પણ વાંચોઃ Rajkot News: કોન્ટ્રાક્ટર કોર્ટના ઓર્ડર સાથે 1.31 કરોડની વસુલાત કરવા RTO કચેરીએ પહોંચ્યા