આ તમામ ઘટનાઓ એ વાતનો ઈશારો છે કે ભારતીય રાજકારણમાં જનમત અને જનઆંદોલનોનું પ્રભુત્વ ફરી એકવાર મજબૂત બન્યું છે.

કયું પરિબળ સૌથી વધુ હાવી ?
છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતના રાજકારણમાં એક સ્પષ્ટ મેથડ જોવા મળી છે. એક પછી એક મોટા વિરોધ આંદોલનો અને તેના જવાબમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો હવે પીછેહઠ કરી રહી છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધથી લઈને ઝારખંડમાં ચાલેલા આંદોલન સુધી, રસ્તા પર ઉતરેલા જનઆક્રોશ સામે સત્તાધીશોએ પોતાની નીતિઓ અને નિર્ણયો બદલ્યા છે.

કઇ ઘટનાઓથી સરકારે બદલ્યો નિર્ણય ?
ઝારખંડમાં પરીક્ષા રદ્દ:
16 દિવસની ભૂખ હડતાળ અને વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોના આંદોલન બાદ હેમંત સોરેન સરકારે JSSC-CGL સહિત TDPL એજન્સી દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ્દ કરી CID તપાસના આદેશ આપ્યા હતા.
દિલ્હીમાં CJPનું આંદોલન:
NEET-UG 2026 પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક મુદ્દે CJP અને વિદ્યાર્થી સંગઠનોના 36 દિવસના વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું અને સરકારે પરીક્ષા સુધારા ચાર્ટર પર વિચાર કરવાની ખાતરી આપી હતી.
મધ્ય પ્રદેશમાં ખેડૂત રાહત
ભોપાળમાં મગની સરકારી ખરીદી અંગેના આંદોલન બાદ મોહન યાદવ સરકારે ખરીદી મર્યાદા 25% થી વધારીને 60% કરી દીધી છે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત:
મનોજ જરાંગે-પાટીલના ઉપવાસ બાદ મહારાષ્ટ્ર સરકારે 58 લાખ કુણબી રેકોર્ડના આધારે જાતિ પ્રમાણપત્ર આપવા સહિતની માંગણીઓ સ્વીકારી હતી.

સરકારોની પીછેહઠના પાંચ મુખ્ય કારણ
1. ભય વિનાનો જનઆક્રોશ:
Gen Z અને યુવાનોમાં પોલીસ કાર્યવાહી કે દબાણનો ભય ઓછો થયો છે. જ્યારે વિરોધ કરનારાઓ ભયમુક્ત થઈને રસ્તા પર ઉતરે છે. ત્યારે સરકારો પાસે સુલેહ કરવા સિવાય વિકલ્પ રહેતો નથી.
2. નેતૃત્વ અને બ્રાન્ડ ઈમેજ પર અસર:
લાંબા સમય સુધી નીતિગત નિર્ણય પર અડીખમ રહેતી કેન્દ્ર સરકાર માટે કેન્દ્રીય મંત્રીનું રાજીનામું રાજકીય પરંપરામાં મોટો બદલાવ દર્શાવે છે.
3. સોશિયલ મીડિયાનો પ્રભાવ:
ડિજિટલ સ્પેસમાં આંદોલનકારીઓની પહોંચ ઝડપથી વધી રહી છે. પરંપરાગત મીડિયા કે પ્રચારના સાધનો સામે નેટીઝન્સ અને યુવાનોનો ડિજિટલ નેરેટિવ ભારે પડી રહ્યો છે.
4. રાજકીય નુકસાનનું આકલન:
આંદોલનને વધુ લંબાવવાથી વોટબેંક અને જનસમર્થનમાં ગાબડું પડી શકે છે. જેથી સત્તાધારી પક્ષો સમયસર 'ડેમેજ કંટ્રોલ' કરવાનું પસંદ કરી રહ્યા છે.
5. આગામી વિધાનસભા ચૂંટણીઓ:
2027માં પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત 7 મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પહેલાં યુવાનો અને ખેડૂતોનો અસંતોષ સત્તાધારી પક્ષો માટે ભારે પડી શકે છે.
નિષ્કર્ષ
જ્યારે જનતા સંગઠિત થઈને કોઈપણ ભય વગર રસ્તા પર ઉતરે છે. ત્યારે સરકારો માટે તેમની નીતિઓ કે નિર્ણયો પર અડીખમ રહેવું મુશ્કેલ બની જાય છે. ચૂંટણીલક્ષી રાજકારણ અને સોશિયલ મીડિયાના યુગમાં સરકારો હવે જનઆક્રોશને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવાના સ્થાને સમયસર 'બેકફૂટ' પર આવીને સમાધાન કરવાનો રસ્તો પસંદ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં સોશિયલ મીડિયા સામે કેમ ભડકી રહ્યો છે જનઆક્રોશ? ભારત માટે પણ ખતરાની ઘંટી
