ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જછઈ મોન્સૂન હવે વધુ અનિયમિત અને આક્રમક બન્યું છે. 

Indian Monsoon History

ભારતમાં બે પ્રકારના ચોમાસા 

નૈઋત્યનું ચોમાસું જૂન થી સપ્ટેમ્બરનું મુખ્ય ચોમાસું છે. તે કેરળના દરિયાકિનારેથી પ્રવેશી બે ભાગમાં અરબી સમુદ્રની શાખા અને બંગાળની ખાડીની શાખામાં વહેંચાઈને દેશના 80% ભાગમાં વરસાદ આપે છે. તો ઈશાનનું ચોમાસું ઓક્ટોબર થી ડિસેમ્બર 'પાછા ફરતા પવનોનું ચોમાસું' પણ કહે છે. જ્યારે જમીન ઠંડી થાય છે ત્યારે પવનો ઉલટી દિશામાં એટલે કે જમીનથી સમુદ્ર તરફ વહે છે. જે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં શિયાળાની શરૂઆતમાં વરસાદ લાવે છે.

Climate Change Impact India

છેલ્લા 55 વર્ષમાં વરસાદની સ્થિતિ

ભારતમાં 1971થી લઈને 2025 સુધીના ચોમાસા Southwest Monsoonનો ઇતિહાસ અને તેનો રેકોર્ડ ખુબ જ રસપ્રદ અને બદલાતા ક્લાઇમેટ પેટર્નને દર્શાવતો રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અને અન્ય વૈશ્વિક ક્લાઇમેટ સોર્સના ડેટાના આધારે આ 55 વર્ષોના ચોમાસાનું પૃથક્કરણ થયુ છે. 

1. દીર્ઘકાલીન સરેરાશ અને એકંદર ટ્રેન્ડ IMD સામાન્ય રીતે ચોમાસાના વરસાદને માપવા માટે LPA એટલે કે દીર્ઘકાલીન સરેરાશનો ઉપયોગ કરે છે. 1971થી 2025 વચ્ચેના ગાળામાં ભારતના સરેરાશ ચોમાસાના વરસાદમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ ફેરફાર ચોમાસાના દિવસો ટૂંકા થવા અને ભારે વરસાદની તીવ્રતા વધવાને કારણે વધુ અનુભવાય છે. તાજેતરના વર્ષોમાં ખાસ કરીને 2016થી2025ના દાયકામાં સરેરાશ તાપમાન વધવાને કારણે ચોમાસું વધુ અનિયમિત બન્યું છે.

2. આ સમયમાં સૌથી મોટો દુષ્કાળ અને મહાવરસાદના વર્ષો છેલ્લા પાંચ દાયકામાં ભારતે અલ-નીનો અને લા-નીનાની અસરોને કારણે તીવ્ર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના વર્ષો જોયા છે. મુખ્ય દુષ્કાળના વર્ષો જ્યારે દેશમાં સરેરાશ કરતાં 10% કે તેથી ઓછો વરસાદ થાય તેને દુષ્કાળનું વર્ષ ગણવામાં આવે છે.

1972 અને 1979: આ બે વર્ષોમાં ભયંકર અલ-નીનોની અસર હેઠળ દેશમાં ભારે દુષ્કાળ પડ્યો હતો અને વરસાદમાં 20% જેટલી મોટી ઘટ જોવા મળી હતી.

1987: આ વર્ષ સદીના સૌથી ખરાબ દુષ્કાળ પૈકીનું એક હતું. જેનાથી કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો.

2002 અને 2009: 2002માં ચોમાસું તીવ્ર નબળું રહ્યું હતું ખાસ કરીને જુલાઈ મહિનામાં વરસાદ ખેંચાયો હતો. જ્યારે 2009માં સરેરાશ કરતાં 22% ઓછો વરસાદ નોંધાયો હતો. જે 21મી સદીનો સૌથી મોટો દુષ્કાળ હતો.

2014-2015: સતત બે વર્ષ સુધી નબળા ચોમાસાનો રેકોર્ડ નોંધાયો હતો.

Flood Relief Operation

મુખ્ય અતિવૃષ્ટિના વર્ષો 

જ્યારે વરસાદ સરેરાશ કરતાં 10% કે તેથી વધુ નોંધાય:

1975 અને 1983: સમગ્ર દેશમાં રેકોર્ડબ્રેક વરસાદ થયો હતો.

1988 અને 1994: આ વર્ષોમાં લા-નીના સક્રિય હોવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને દેશના મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થયા હતા.

2019 અને 2020: આ તાજેતરના વર્ષોમાં સતત બે વર્ષ સુધી સામાન્ય કરતાં ઘણો વધારે વરસાદ નોંધાયો હતો. જેણે જૂના રેકોર્ડ તોડ્યા હતા.

Disaster Management Preparedness

3. પ્રાદેશિક ફેરફારો 

1971થી 2025 દરમિયાન ભારતના ચોમાસાની ભૌગોલિક પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. 

પશ્ચિમ ભારત (ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પૂર્વ રાજસ્થાન): 

આ વિસ્તારોમાં છેલ્લા 3-4 દાયકામાં ચોમાસાના કુલ વરસાદમાં નોંધપાત્ર અને સકારાત્મક વધારો જોવા મળ્યો છે. અગાઉ સૂકા ગણાતા કચ્છ-રાજસ્થાનમાં હવે ભારે વરસાદની ઘટનાઓ સામાન્ય બની છે.

પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત: 

આ આખો વિસ્તાર જેમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને નોર્થ-ઈસ્ટનો સમાવેશ થાય છે. જે સામાન્ય રીતે ભારે વરસાદ માટે જાણીતો હતોય ત્યાં ચોમાસાના સરેરાશ વરસાદમાં ઘટાડો નોંધાયો છે. ઉદાહરણ તરીકે, તાજેતરના વર્ષોમાં આ વિસ્તારોમાં ઘણીવાર સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળ્યો છે.

4. ક્લાઇમેટ ચેન્જ અને ચોમાસાનું નવું સ્વરૂપ (2016-2025)

છેલ્લા એક દાયકામાં એટલે કે 2016થી 2025 વચ્ચે, ચોમાસાનું સ્તર તદ્દન બદલાઈ ગયું છે. IMDના 2025ના વાર્ષિક અહેવાલો મુજબ:

ચોમાસાનું વહેલું આગમન અને મોડું વિદાય: ચોમાસું કેરળમાં તેની નિયત તારીખ એટલે કે 1 જુન કરતાં વહેલું બેસી જવાની ઘટનાઓ વધી છે. જેમ કે 2025માં ચોમાસું છેક 24 મેના રોજ જ કેરળ અને મુંબઈમાં વિક્રમી સમય કરતાં વહેલું પહોંચ્યુ હતું. સામે પક્ષે, સપ્ટેમ્બરના અંત સુધી કે ઓક્ટોબરની શરૂઆત સુધી ચોમાસું વિદાય લેતું નથી.

રેઈન ડેઝમાં ઘટાડો, તીવ્રતામાં વધારો: વરસાદ પડવાના દિવસો ઘટી રહ્યા છે. પરંતુ જ્યારે પડે છે ત્યારે થોડા જ કલાકોમાં આખા મહિનાનો વરસાદ ખાબકી જાય છે. સપ્ટેમ્બર 2025માં જ ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવી અભૂતપૂર્વ અને અત્યંત ભારે વરસાદની આપત્તિઓ નોંધાઈ હતી.

અરબી સમુદ્રમાં ચક્રવાત: અગાઉ ચોમાસા દરમિયાન બંગાળની ખાડી વધુ સક્રિય રહેતી હતી, પરંતુ છેલ્લા 55 વર્ષના ગાળામાં, ખાસ કરીને 2000 પછી, અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંખ્યા અને તેની ચોમાસા પરની અસરોમાં મોટો ઉછાળો આવ્યો છે.

IMD Weather Alert

મુખ્ય તારણ અને લાક્ષણિકતાઓ

1971-1990 તીવ્ર વધ-ઘટ વાળો સમયગાળો (1972, 1979, 1987ના મોટા દુષ્કાળ અને 1975, 1983 કે 1988નું પ્રચંડ ચોમાસું).

1991-2010ચોમાસામાં સ્થિરતા બાદ 2002 અને 2009માં સદીના સૌથી સૂકા વર્ષોનો સામનો. પશ્ચિમ ભારતમાં વરસાદ વધવાની શરૂઆત.

2011-2025 અત્યંત અનિયમિત ચોમાસું, ગ્લોબલ વોર્મિંગની સીધી અસર, પૂર અને વાવાઝોડાની ઘટનાઓમાં મોટો વધારો, સપ્ટેમ્બરમાં ભારે વરસાદનો નવો ટ્રેન્ડ.

મોન્સૂનની વિકટ પરિસ્થિતિ, જેમ કે અતિવૃષ્ટિ, પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર, રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ સંકલન સાધીને છેવાડાના નાગરિક સુધી મદદ પહોંચાડવા માટે બહુસ્તરીય વ્યુહરચના અપનાવે છે.

1. પ્રિ-ડિઝાસ્ટર પ્લાનિંગ અને અગમચેતી 

આધુનિક ટેકનોલોજીના કારણે આપત્તિ આવે તે પહેલાં જ તંત્ર સક્રિય થઈ જાય છે:

અગાઉથી ચેતવણી: સેટેલાઇટ અને રડાર ડેટાના આધારે જે વિસ્તારોમાં રેડ એલર્ટ હોય, ત્યાંના સ્થાનિકોને સેલ બ્રોડકાસ્ટિંગ અને લાઉડસ્પીકર દ્વારા સુરક્ષિત સ્થળે જવા તાકીદ કરાય છે.

સ્થળાંતર: નીચાણવાળા વિસ્તારો, નદી કિનારે કે કાચા મકાનોમાં રહેતા લોકોને આપત્તિના ૨૪ થી ૪૮ કલાક પહેલાં જ સરકારી શાળાઓ, કોમ્યુનિટી હોલ કે આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવે છે.

કંટ્રોલ રૂમની સ્થાપના: જીલ્લા અને તાલુકા કક્ષાએ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવે છે.

2. રેસ્ક્યૂ ઓપરેશન અને તાત્કાલિક બચાવ કામગીરી

જ્યારે પૂર કે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય, ત્યારે માનવજીવન બચાવવું એ તંત્રની સર્વોચ્ચ અગ્રતા હોય છે:

NDRF, SDRF અને સેનાનું સંકલન: સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ્સ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને બોટ અને આધુનિક સાધનો સાથે તહેનાત કરાય છે. વધુ વિકટ સ્થિતિમાં આર્મી, નેવી કે એરફોર્સની મદદ લેવાય છે.

એરલિફ્ટિંગ: જ્યારે કોઈ ગામ કે વિસ્તાર ચારેય તરફથી પાણીથી ઘેરાઈ જાય અને રોડ કનેક્ટિવિટી તૂટી જાય, ત્યારે હેલિકોપ્ટરની મદદથી લોકોને ટેરેસ કે ઊંચા સ્થળો પરથી રેસ્ક્યૂ કરવામાં આવે છે.

3. રાશન, શુદ્ધ પાણી અને કીટનું વિતરણ 

અસરગ્રસ્તો સુધી ખોરાક અને પાણી પહોંચાડવા માટે તંત્ર સમાંતર વ્યવસ્થા ઊભી કરે છે:

ફૂડ પેકેટ્સ અને એરડ્રોપિંગ: આશ્રયસ્થાનોમાં રહેતા લોકો માટે સરકારી રસોડા શરૂ કરી ગરમ ભોજન પૂરું પાડવામાં આવે છે. જે લોકો પૂરમાં ફસાયેલા છે, તેમના સુધી હેલિકોપ્ટર દ્વારા 'ફૂડ પેકેટ્સ' અને પીવાના પાણીની બોટલોનું એરડ્રોપિંગ (આકાશમાંથી નીચે ફેંકવું) કરવામાં આવે છે.

રેશન કીટ: પૂરના પાણી ઓસર્યા બાદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ, તેલ અને મસાલાની 'સુકી રેશન કીટ' આપવામાં આવે છે, જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.

4. તબીબી સહાય અને રોગચાળો અટકાવવાના પગલાં

મોન્સૂનની આફત બાદ રોગચાળો ફાટી નીકળવાનું જોખમ સૌથી વધુ હોય છે, જેના માટે આરોગ્ય તંત્ર નીચે મુજબના પગલાં લે છે:

મોબાઈલ ડિસ્પેન્સરી અને મેડિકલ કેમ્પ: પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઓન-વ્હીલ્સ મેડિકલ વાન મોકલવામાં આવે છે. આશ્રયસ્થાનોમાં તબીબોની ટીમ તહેનાત કરી ક્લોરિનની ગોળીઓ, ઓઆરએસના પેકેટ અને જરૂરી દવાઓ મફત વહેંચવામાં આવે છે.

સેનિટાઈઝેશન ડ્રાઈવ: પાણી ઓસરતાં જ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા મચ્છરોનો ઉપદ્રવ રોકવા ફોગિંગ (ધુમાડો) કરવામાં આવે છે અને રોગો ફેલાતા અટકાવવા બ્લીચિંગ પાવડર તથા ચૂનાનું છંટકાવ કરાય છે.

બદલાતા મોન્સૂન સામે લડવા માટે માત્ર રાહત અને બચાવ કામગીરી પૂરતી નથી, પરંતુ આગામી સમયમાં આપણે પ્રકૃતિ સાથે તાલ મિલાવીને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળ સંચય જેવી દીર્ઘકાલીન વ્યુહરચનાઓ અપનાવવી પડશે. જેથી ચોમાસું આફત બનવાને બદલે આપણી સુખાકારીનું પ્રતીક બની રહે.

આ પણ વાંચોઃ કુદરતના નિશાના પર કયા વિસ્તારો? 'મેઘ તાંડવ'ના ભૌગોલિક હોટસ્પોટ્સ