ગુજરાતની શાન એવા એશિયાટિક સિંહોના અકુદરતી અને બીમારીના કારણે થતા મોતના અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. એક તરફ રાજકોટ જિલ્લાના જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એકસાથે બે સિંહણોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો બીજી તરફ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા સરકારી આંકડાઓએ સિંહોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સંભાળના દાવાઓની પોલ ખોલી નાખી છે.

ભાવનગર-પોરબંદર ટ્રેને બે સિંહણોને અડફેટે લીધી

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી ફેલાવી દે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુર નજીક સ્ટેશન વાવડી અને ખીરસરા રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક પર પસાર થઈ રહેલી બે સિંહણોને પૂરપાટ ઝડપે આવી રહેલી ભાવનગર-પોરબંદર ટ્રેને જોરદાર અડફેટે લીધી હતી. ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે બંને સિંહણોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

ખુલ્લા કુવા, વીજ કરંટ અને ટ્રેન અકસ્માતમાં ડઝનબંધ સાવજોના મોત

બંને સિંહણોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ જેતપુર ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જૂનાગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર જવા રવાના થયા હતા. બીજી તરફ, બે સિંહણોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળે સ્થાનિકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.

નવેમ્બર મહિનામાં જ ટ્રેનની અડફેટે 3 સિંહણોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં એશિયાટિક સિંહો માટે નવેમ્બર મહિનો અત્યંત ગોઝારો સાબિત થયો છે, જેમાં માત્ર 10 દિવસના અંતરમાં ટ્રેનની અડફેટે 3 સિંહણોના મોત થયા છે.14 નવેમ્બર: જૂનાગઢ પંથકમાં ટ્રેનની અડફેટે એક સિંહણનું મોત નીપજ્યું હતું.23 નવેમ્બર: જેતપુર નજીક સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે બે સિંહણોના ટ્રેન અકસ્માતમાં મોત થયા છે. વિધાનસભામાં જાહેર થયેલા આંકડા મુજબ 1 વર્ષમાં બીમારીથી 62 અને 10 વર્ષમાં ટ્રેનની અડફેટે 19 સિંહોના મોત.

ખુલ્લા કુવા, વીજ કરંટ અને ટ્રેન અકસ્માતમાં ડઝનબંધ સાવજોના મોત

ટ્રેનની અડફેટે 19 સિંહોના મોત

ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સરકાર દ્વારા એશિયાટિક સિંહોના મોતના જાહેર કરાયેલા તાજા આંકડા અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. 31 જુલાઈ, 2026 સુધીના છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બીમારીના કારણે 62 એશિયાટિક સિંહ, સિંહણ અને સિંહબાળના મોત થયા છે. વર્ષ 2014 થી 2024 દરમિયાન ટ્રેનની અડફેટે આવી જતાં 19 જેટલા સિંહોના મોત નિપજ્યા છે.પાછલા બે વર્ષમાં ખુલ્લા કુવામાં પડવાથી 20 સિંહોના અને વીજ કરંટના વાયરને સ્પર્શી જતાં 3 સિંહોના મોત થયા છે. બીમારી અને સિંહો વચ્ચે થતી આંતરિક લડાઈ (ઇન-ફાઇટ)ને કારણે બાળસિંહનો મૃત્યુદર સૌથી વધુ જોવા મળ્યો છે.

ટ્રેનની અડફેટે સિંહોના મોત મામલે વાઇલ્ડલાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્યનું મોટું નિવેદન

ગુજરાતમાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહોના સતત થઈ રહેલા મોત મામલે વાઇલ્ડલાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે હાઇકોર્ટના નિર્દેશ બાદ વર્ષ 2024માં ફોરેસ્ટ અને રેલવે અધિકારીઓની મિટિંગમાં બનેલી SOPનું હજી યોગ્ય પાલન થતું નથી અને સિડ્યુલ-1માં આવતા સિંહના મોત થવા એ ક્રિમિનલ ઓફેન્સ ગણી શકાય.

કરોડોના ખર્ચ છતાં સિંહોની સુરક્ષા માત્ર કાગળ પર? ઉઠ્યા સળગતા સવાલો

એશિયાટિક સિંહોના સંરક્ષણ અને રેલવે ટ્રેક પર તેમની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાના દાવા વચ્ચે તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે:રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષામાં ક્યાં રહી ખામી? ટ્રેકિંગ સિસ્ટમ અને પેટ્રોલિંગ હોવા છતાં સિંહણો પાટા પર આવી ગઈ ત્યાં સુધી વન વિભાગ અને રેલવે તંત્ર કેમ અજાણ રહ્યું?વન વિભાગ અને રેલવેની જવાબદારી કોણ લેશે? વારંવાર બનતી આવી ઘટનાઓમાં બંને વિભાગો વચ્ચેના સંકલનના અભાવની જવાબદારી કોણ નક્કી કરશે?સિંહોના મોત માટે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે? શું માત્ર કાગળ પર તપાસ થશે કે પછી ફરજમાં બેદરકારી દાખવનારા જવાબદારો સામે કોઈ નક્કર પગલાં લેવાશે?શું સિંહોની સુરક્ષા માટેની વ્યવસ્થા માત્ર કાગળ પર છે? કરોડો રૂપિયાના બજેટની ફાળવણી છતાં જમીની સ્તરે સાવજોના જીવ કેમ બચાવી શકાતા નથી, તેવો સવાલ આજે દરેક વન્યજીવ પ્રેમી પૂછી રહ્યો છે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: પોળોમાં 25 વર્ષમાં 5,000થી વધુ હેરિટેજ મકાનો ગાયબ, 10 વર્ષમાં 6 વોર્ડમાં 2,057 ગેરકાયદે બાંધકામો ખડકાયા