પ્રશાંત મહાસાગરમાં શરૂ થતી અલનીનોની અસર ભારતના ચોમાસાને કમજોર કરે છે.બીજી તરફ હિંદ મહાસાગરમાં શરૂ થયેલા પોઝિટિવ ઈન્ડિયન ઓસિન ડાયપોલ દેશના ચોમાસાને સહારો આપીને અલનીનો પ્રભાવોને ઓછા કરવાની પૂર્ણ ક્ષમતા રાખે છે. હાલમાં હિંદ મહાસાગરમાં પોઝિટિવ ઇન્ડિયન ઓસિન ડાયપોલ ન્યૂટ્રલ છે.ભારતીય અર્થતંત્ર કૃષિ પર નિર્ભર છે.ખેતીના પાક માટે સારો વરસાદ જરૂરી છે.ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂન સુધીમાં ચોમાસુ શરૂ થઈ જતુ હોય છે. પરંતુ આ વખતે અલનીનોની અસરને કારણે ચોમાસુ બેસવામાં વિલંબ થઈ રહ્યો છે.વરસાદ નહીં વરસતા સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ ગંભીર થઈ રહી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74 ટકા ઘટ
રાજ્યમાં અત્યાર સુધીમાં 78 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે.હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સરેરાશ 83.7 MM એટલે કે આશરે 3.3 ઇંચ વરસાદ નોંધાવો એ સામાન્ય પ્રક્રિયા છે. આ વખતે સ્થિતિ સદંતર ઉલટી છે.અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશના માત્ર 18.1% એટલે કે માંડ 0.7 ઇંચ જેટલો જ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.જો આગામી જુલાઈ મહિનામાં પણ મેઘરાજા મન મૂકીને નહીં વરસે તો રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની તંગી સર્જાઈ શકે છે.આ નહિવત વરસાદના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ જે વાવણીની તૈયારીઓ કરી હતી તે અટકી પડી છે. મોંઘા બિયારણ લાવીને વહેલી વાવણી કરી દેવામાં આવી હતી.ત્યાં કૂવા અને બોરના પાણી ખૂટી પડતાં પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.ગયા વર્ષે 25 જૂન સુધી સિઝનનો 24.3 ટકા વરસાદ થઈ ગયો હતો. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74 ટકા ઘટ નોંધાઈ છે.

જળાશયોની સ્થિતિની છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર
વાત કરીએ રાજ્યના જળાશયોની સ્થિતિની છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો ચિત્ર કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છે. વર્ષ 2022માં 26 જૂનના રોજ રાજ્યના 207 જળાશયોમાં 37.60 ટકા પાણીનો જથ્થો હતો. વર્ષ 2023માં 26 જૂનના રોજ તેમાં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો અને 39.91 ટકા જથ્થો નોંધાયો હતો. વર્ષ 2024ની 26 જૂનની વાત કરીએ તો, તેમાં એકથી દોઢ ટકાનો ઘટાડો નોંધાતા 38.18 ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. વર્ષ 2025માં ચોમાસુ સારૂ રહ્યું હતું અને અતિવૃષ્ટીની પણ અસર રહી હતી. આ દરમિયાન 26 જૂનના રોજ રાજ્યના જળાશયોમાં 46.33 ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે અને રાજ્ય નર્મદા ડેમના પાણીના ભરોસે છે. ત્યારે વર્ષ 2026માં રાજ્યના 207 જળાશયોમાં માત્ર 47.13 ટકા પાણી બચ્યું છે. જો હજી વરસાદ ખેંચાશે તો પાણીની અસહ્ય તંગી સર્જાય તેવા એંધાણ છે.
રાજ્યને નર્મદાના નીર પર ભરોસો રાખવો પડે તેમ છે
હાલની સ્થિતિમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 40.55 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52.27 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 34.46 ટકા, કચ્છના 20 ડેમમાં 26.42 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 26.42 ટકા અને નર્મદા ડેમમાં 65.10 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 જળાશયોમાં પાણીનો કૂલ જથ્થો 47.13 ટકા છે. એટલે કે જો વરસાદ ખેંચાશે તો, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પાણીની તંગી સર્જાવાના એંધાણ છે. હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે તેનાથી રાજ્યમાં માત્ર પાંચ જ ડેમ એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણી છે. જ્યારે બે ડેમ એવા છે જેમાં 80 ટકાથી વધુ પાણી છે. એટલે હવે રાજ્યને નર્મદાના નીર પર ભરોસો રાખવો પડે તેમ છે.

કેબિનેટની બેઠકમાં અલનીનોની અસરને લઈને સમીક્ષા
રાજ્ય સરકારે તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં અલનીનોની અસરને લઈને સમીક્ષા કરી હતી. જેમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને આગોતરું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યા છે.સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં આવશે.અગાઉ નર્મદા પાઇપલાઇનથી 3 કીલોમીટર સુધીના વિસ્તારમાં આવતા જ તળાવો ભરવામાં આવતા હતા. હવેથી પાઈપલાઈનથી 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે.જે મુજબ સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આશરે 300થી વધુ તળાવો ભરવા પણ સૂચના આપી છે.હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ ખૂબજ ગંભીર થાય તેવી સ્થિતિ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?