અયોધ્યાના ભવ્ય અને પવિત્ર શ્રીરામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા ચઢાવા અને દાનની રકમમાં કરોડો રૂપિયાની હેરાફેરીનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પ્રારંભિક તપાસ અહેવાલ સોંપાયાના ગણતરીના દિવસોમાં જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અને SIT રિપોર્ટના આધારે અયોધ્યા પોલીસે 8 નામાંકિત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી લીધી છે.


ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત 2ના રાજીનામા 

VHPના નિર્દેશ પર ચંપત રાયે મહાસચિવ પદેથી રાજીનામુ આપી દીધુ છે. અનિલ મિશ્રાએ પણ રાજીનામુ આપ્યુ છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના બે સભ્યોએ રાજીનામુ આપ્યુ છે.

રામભક્તોમાં ભારે રોષ

પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305, 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) ની કલમ 13(1)(a) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશના રામભક્તોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

કરોડોની ચોરીમાં કોની શું હતી ભૂમિકા?

શ્રીરામ જન્મભૂમિ જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થાન પર આચરાયેલા આ સંગઠિત ગુનામાં સામેલ તમામ 8 આરોપીઓ મંદિરની અંદર જ અલગ-અલગ મહત્વની જવાબદારીઓ સંભાળતા હતા. પોલીસે આ તમામની કુંડળી ખોલી કાઢી છે:



રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ (મુખ્ય સૂત્રધાર): તે શ્રીરામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો અંગત ડ્રાઈવર છે. ચંપત રાયની નજીક હોવાને કારણે મંદિરમાં તેની ભારે વગ હતી. તે પોતાની બુલેટ મોટરસાયકલ સીધી મંદિરની અંદર સુધી લઈ જતો હતો અને તેના પર કોઈ રોકટોક નહોતી. તેનું મુખ્ય કામ દાનપાત્રની દેખરેખ રાખવાનું અને તેને બેઝમેન્ટ સુધી પહોંચાડવાનું હતું. આ પાવરનો દુરુપયોગ કરીને તેણે કરોડોની ચોરીનું નેટવર્ક ઊભું કર્યું.



સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ (મુખ્ય કાવતરાખોર): એસબીઆઈ (SBI) નો આ નિવૃત્ત બેંક કર્મચારી સુભાષ રામ મંદિરમાં આવતા ચઢાવાની નોટો ગણવાની પ્રક્રિયાના ઇન્ચાર્જ હતો. કઈ ટીમ ક્યારે નોટો ગણશે તેની ફરજ સુભાષ જ નક્કી કરતો હતો. તેણે જ ટિન્નુ યાદવ સાથે મળીને અન્ય લોકોને આ કાળા કારોબારમાં જોડ્યા હતા.



કરુણેશ પાંડે: તેનું કામ મંદિરના દાનપાત્રમાંથી ચઢાવાને નોટો ગણવાના રૂમ સુધી પહોંચાડવાનું અને નોટો ગણવાનું હતું. આરોપ છે કે તેણે આ દાનની રકમ ચોરીને અઢળક બેનામી સંપત્તિ વસાવી છે.

લવકુશ મિશ્રા: દાન કે ચઢાવાની રોકડ રકમ ગણવાની ટીમનો સભ્ય હતો. દરોડા દરમિયાન તેના ઘરેથી પોલીસે અંદાજે 10 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે.

અનુકલ્પ મિશ્રા: છેલ્લા બે વર્ષથી નોટો ગણવાની પ્રક્રિયામાં સામેલ હતો. તે શ્રદ્ધાળુઓ માટેના સુવિધા કેન્દ્રમાં તૈનાત હતો, પરંતુ તેનું મુખ્ય કામ ચઢાવાના વાઉચરોમાં હેરાફેરી કરીને હિસાબમાં ગરબડ કરવાનું હતું. તે સંબંધમાં લવકુશ મિશ્રાનો સાળો થાય છે.

મનીષ યાદવ: દાનપાત્રમાંથી નીકળતી નોટોમાંથી નકલી નોટો અલગ રાખવાની અને સાચી નોટોની ગણતરી કરવાની જવાબદારી મનીષ પાસે હતી. આ આડમાં તે અસલી નોટોની ચોરી કરતો હતો.

અવિનાશ શુક્લા: દાનપાત્રમાંથી રોકડ કાઢીને ગણતરી રૂમ સુધી લઈ જવાની સિક્યોરિટી ચેઈનનો ભાગ હતો. તે પોતે જ રકમ ગાયબ કરી દેતો હતો.

રમાશંકર મિશ્રા: ગણતરી અને વ્યવસ્થાપન સમિતિ સાથે જોડાયેલો હતો અને ચોરીના કાવતરામાં સક્રિય ભાગીદાર હતો.



બાથરૂમમાં છુપાવાતા હતા નોટોના બંડલ, બહાર થતી વહેંચણી

પોલીસ અને એસઆઈટીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખું કૌભાંડ છેલ્લા 2 થી 3 વર્ષથી અવિરત ચાલી રહ્યું હતું. આરોપીઓ જ્યારે કેશ કાઉન્ટિંગ રૂમમાં નોટો ગણતા હતા, ત્યારે નજર ચૂકવીને મોટી નોટોની ગડ્ડીઓ પોતાના કપડામાં છુપાવી લેતા હતા. ત્યારબાદ આ રકમને મંદિરના જ બાથરૂમમાં સુરક્ષિત જગ્યાએ છુપાવી દેવામાં આવતી હતી. તક મળતાં જ ટિન્નુ યાદવ અને અન્ય આરોપીઓ આ રકમને મંદિરની બહાર લઈ જતા અને અયોધ્યાના જ એક ચોક્કસ મકાનમાં બધા વચ્ચે હિસ્સા પ્રમાણે કરોડો રૂપિયાની વહેંચણી થતી હતી.

CCTV ફૂટેજ બન્યા પાકા પુરાવા

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજના કારણે થયો છે. એસઆઈટીએ કાઉન્ટિંગ રૂમ અને મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ ખંખાડ્યા ત્યારે આરોપીઓ રકમ ચોરી કરતા કેમેરામાં આબાદ કેદ થઈ ગયા હતા. ટ્રસ્ટે પણ આ બાબતની પુષ્ટિ કરીને તમામ આરોપીઓને પકડ્યા હતા અને પ્રારંભિક સ્તરે તેમની નિશાનદેહી પરથી આશરે 3 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી લીધી છે.



 ગેંગસ્ટર એક્ટ લાગશે

આ કેસની ગંભીરતાને જોતાં અયોધ્યા પોલીસના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, આ એક સંગઠિત ગુનોછે. આ કેસની તપાસ માટે કોઈ IPS કે PPS અધિકારીના નેતૃત્વમાં વિશેષ ટીમની રચના કરવામાં આવશે. એટલું જ નહીં, તપાસ પૂર્ણ થયા બાદ મુખ્ય આરોપી ટિન્નુ યાદવ અને અન્ય સાગરીતો વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરાશે.

સરકારી બેંક કર્મચારીઓની મિલીભગતની આશંકા

FIR માં સરકારી અધિકારી/કર્મચારી દ્વારા ચોરી અને ભ્રષ્ટાચાર આચરવાની કલમો પણ ઉમેરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ કૌભાંડમાં માત્ર આ 8 લોકો જ નહીં, પરંતુ કેટલાક સરકારી બેંકના સત્તાવાર કર્મચારીઓ પણ સામેલ છે, જેઓ ઓડિટ અને ડિપોઝિટ વખતે આંખ આડા કાન કરતા હતા. પોલીસ આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા નામોનો ખુલાસો કરે તેવી પ્રબળ શક્યતા છે. હાલમાં એ વાતની વિગતવાર તપાસ થઈ રહી છે કે અત્યાર સુધીમાં કુલ કેટલા કરોડ રૂપિયાની રોકડ અને કેટલા કિલો સોના-ચાંદીના દાગીના ગાયબ કરવામાં આવ્યા છે. 

ચોરી મામલે નેતાઓએ શું કહ્યું?

સીએમ યોગી

ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથે કહ્યું હતું કે એસઆઇટીનો રિપોર્ટ આવતા જ કાર્યવાહી શરુ કરી દેવાઇ છે. તેમણે કટક્ષ કર્યો કે જે ગઇ કાલ સુધી રામ નો જ ઇન્કાર કરતા હતા તે આજે રામની આસ્થાની વાતો કરે છે. ફક્ત આરોપ ના લગાવો પણ પુરાવા હોય તો એસઆઇટીને આપો તેમ કહેતા તેમણે કહ્યું હતું કે રામ ભક્તોની પરિક્ષા ના લો. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે

અખિલેશ યાદવ

સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે રામ મંદિર માટે અપાયેલું કરોડો રૂપિયાનું દાન ગાયબ થઈ ગયું છે. તેમણે આને સનાતન ધર્મના અનુયાયીઓ માટે સંવેદનશીલ અને મંદિર ટ્રસ્ટ માટે શરમજનક ગણાવ્યું હતું. તેમણે પારદર્શિતા માટે સીસીટીવી ફૂટેજની માંગ કરી હતી.

ચંપત રાય

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે દાન કૌભાંડના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટ નિયમિતપણે સ્ટેટ બેંક સાથે આંતરિક ઓડિટ કરે છે અને અત્યાર સુધી આવી કોઈ છેતરપિંડી શોધી કાઢવામાં આવી નથી.

બ્રિજભૂષણ શરણ સિંહ

કૈસરગંજના ભૂતપૂર્વ ભાજપ સાંસદ અને વરિષ્ઠ નેતા બ્રિજભૂષણ શરણ સિંહે આ બાબતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તેઓ આ બાબતનું સંપૂર્ણ સત્ય જાહેર કરશે, તો તેમને પરિણામોનો સામનો કરવો પડશે અને વિવાદમાં ફસાઈ જશે. તેમણે કહ્યું હતું કે આ બાબતમાં ખૂબ જ શક્તિશાળી લોકો સંડોવાયેલા છે અને સમય આવશે ત્યારે તેઓ બોલશે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે દાન વિવાદ પર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે કોઈ ચોરને રક્ષક બનાવવામાં આવે છે, ત્યારે આવી ઘટનાઓ ફક્ત અપેક્ષિત હોય છે. મંદિર ટ્રસ્ટના મહામંત્રીનું નામ લીધા વિના, તેમણે "ચંપત" શબ્દનો અર્થ "લેઈને ભાગી જવું" એવો સમજાવ્યો. તેમણે જમીન કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો.

મહંત કમલ નયન દાસ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખના અનુગામી મહંત કમલ નયન દાસે કહ્યું કે ભગવાન આ દાન વિવાદની સાચી તપાસ કરશે. જેમણે ખોટું કર્યું છે તેમને આખરે તેમના કાર્યોના પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે હાલમાં, તપાસકર્તાઓની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેનાથી લોકોના મનમાં શંકાઓ ઉભી થઈ રહી છે. મહંત દિનેન્દ્ર દાસે એમ પણ કહ્યું કે જો કોઈએ આ મામલે કંઈ ખોટું કર્યું છે, તો ભગવાન રામ પોતે તેમને સજા કરશે.

 ડૉ. રજનીશ સિંહ

ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉ. રજનીશ સિંહે પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને તમામ દાન અને ભેટોની પારદર્શક અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, ટ્રસ્ટના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા સોમવારે અચાનક અયોધ્યા પહોંચ્યા અને બંધ બારણે બેઠક યોજી, પ્રશ્નો ઉઠાવ્યા.

 સંજય સિંહ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે ચંપત રાયને ભગવાન રામની મૂર્તિ પર શપથ લેવા પડકાર ફેંક્યો કે કોઈ દાન ચોરાયું નથી. બ્રિજભૂષણ શરણ સિંહના નિવેદનને ટાંકીને, સંજય સિંહે કહ્યું કે સત્તાધારી લોકો આ ચોરીમાં સામેલ છે.

વિનય કટિયાર

ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર ચળવળના સભ્ય વિનય કટિયારે કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રામ મંદિર સાથે જોડાયેલી છે. મંદિર અંગેના આરોપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું, "મારી પાસે હજુ સુધી કોઈ માહિતી નથી કે કોઈ ચોરી થઈ છે કે નહીં." જો આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તો તેની તપાસ થવી જોઈએ.

અયોધ્યાનો સંત સમાજ

અયોધ્યાના સંતોએ વિપક્ષના દાવાઓને નકારી કાઢ્યા છે, તેને મંદિરની છબીને કલંકિત કરવાનું કાવતરું ગણાવ્યું છે. સંત સમુદાયે માંગ કરી હતી કે જો તેમની પાસે ચોરી કે ઉચાપતના પુરાવા હોય, તો વિપક્ષ પુરાવા જાહેર કરે. સંત સમુદાયે કહ્યું કે રામ ભક્તો પર ગોળીબાર કરનારાઓ હવે રામ મંદિરમાં ચોરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. બધા આરોપ પુરાવાના આધારે લગાવવામાં આવી રહ્યા છે. જો કોઈ ગેરરીતિ હોત તો પુરાવા પ્રકાશમાં આવ્યા હોત.


આ પણ વાંચો----    Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video

  • Follow us on: