ગુજરાતના અગ્રણી શહેરોમાં તાજેતરમાં સ્પા અને સલૂન સેન્ટરો પર પડેલા દરોડાએ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે. રિલેક્સેશન અને બ્યુટી કેરના નામે શરૂ થયેલા આ કેન્દ્રોમાંથી કેટલાક કેન્દ્રો હવે દેહવ્યાપાર અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓના અડ્ડા બની ગયા હોવાનું જોવા મળે છે. સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં સામે આવેલા કિસ્સાઓ આ ભયાનક વાસ્તવિકતાની સાક્ષી પૂરે છે.
તમામ સ્પા કે સલૂન ગેરકાયદેસર હોતા નથી
અહીં એ સ્પષ્ટ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે કે તમામ સ્પા કે સલૂન ગેરકાયદેસર હોતા નથી.*સ્પા, બ્યુટી સલૂન અને વેલનેસ ઈન્ડસ્ટ્રી એ એક અબજો ડૉલરનો સંગઠિત અને ખૂબ જ ઝડપથી વિકસતો વૈશ્વિક કારોબાર છે. વૈશ્વિક બ્યુટી સલૂન બજારનું કદ લગભગ 13 લાખ કરોડ થી વધુ છે. જ્યારે, ભારતમાં આ ઉદ્યોગનું કદ 97 હજારકરોડ થી ઉપર છે અને 2027 સુધીમાં તે 2.4 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
કાયદેસરતા અને નિયમો
મોટાભાગના વ્યવસાયો સંપૂર્ણપણે કાયદેસર છે અને ઉચ્ચ ધોરણો સાથે વ્યાવસાયિક સેવાઓ આપે છે. કાયદેસર સ્પા માટે લાયસન્સ જરૂરી છે, જેમાં ગુમાસ્તા ધારા લાયસન્સ સ્થાનિક નગરપાલિકા દ્વારા લેવું પડે છે તો ટ્રેડ અને હેલ્થ લાયસન્સ પણ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા મેળવવું પડે છે. GST રજીસ્ટ્રેશન પણ નક્કી કરેલી વાર્ષિક મર્યાદા પાર થવા પર મેળવવું જરુરી છે. આ સાથે ફાયર સેફ્ટી અને પોલીસ વેરિફિકેશનમાં નિયમો અનુસાર અગ્નિશમન સુરક્ષા અને કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન અનિવાર્ય છે. ગણતરીના તત્વો પોતાની લાલચને કારણે આખા ઉદ્યોગની છબી ખરડી રહ્યા છે, જેના કારણે પ્રમાણિકતાથી ધંધો કરતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડે છે.
Also Read
Sandesh Digital Explainer : અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરાર, હવે હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલશે ? વાંચો તમારા મનના તમામ સવાલોના જવાબ
Sandesh Digital Explainer : ગુજરાતના હેલ્થ સિસ્ટમનો ખતરનાક એક્સ-રે: દર 1 બાળકના મોત સામે માંડ 2 જન્મ, શહેરો અને ગામડાં વચ્ચેની અસમાનતાએ ચિંતા વધારી
Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

પ્રશાસન સામેના મુખ્ય પડકારો
લાયસન્સ હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવી અને ગુનો સાબિત કરવો એ પોલીસ અને પ્રશાસન માટે અત્યંત મુશ્કેલ છે . ઘણીવાર અદાલતોએ સ્પષ્ટ કર્યું છે કે સ્પામાં વિપરીત લિંગ વ્યક્તિ દ્વારા માલિશ કે બંધ દરવાજાના રૂમ સંપૂર્ણ ગેરકાયદેસર નથી, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત વેલનેસ પદ્ધતિ છે. બીજી તરફ સ્પા માલિકો બંધારણના અનુચ્છેદ 19(1)(જી) હેઠળ વેપાર કરવાની વ્યક્તિગત સ્વતંત્રતાનો હવાલો આપે છે, જેનાથી સીધી દખલગીરી અટકે છે.
પુરાવા એકત્રિત કરવાની જટિલ પ્રક્રિયા
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વ્યક્તિગત રૂમોની અંદર થાય છે. કાનૂની રીતે ગુનો સાબિત કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે જ રંગેહાથ પકડવા અનિવાર્ય બને છે. સ્પામાં મૌખિક સોદા થતા હોવાથી તેનો કોઈ સીસીટીવી કે લેખિત રેકોર્ડ હોતો નથી. પોલીસ 'ડમી ગ્રાહક' મોકલીને જે સ્ટિંગ ઓપરેશન કરે છે, તે ઘણીવાર કોર્ટમાં ટેકનિકલ કારણોસર નબળા સાબિત થાય છે.

ફરિયાદનો અભાવ અને ડિજિટલ નેટવર્ક
જ્યાં સુધી સ્થાનિકો તરફથી સત્તાવાર ફરિયાદ ન મળે ત્યાં સુધી કાર્યવાહી મુશ્કેલ બને છે. આજના સમયમાં આવા નેટવર્ક સોશિયલ મીડિયા કે એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા ચાલે છે, જેથી શંકા જતાં જ તેઓ રાતોરાત ઠેકાણું બદલી નાખે છે. આથી અદાલતોમાં દોષસિદ્ધિ નો દર ઘણો નીચો રહે છે.
લાગુ પડતા કાયદા, કલમો અને સંભવિત સજા
આવા ગેરકાયદેસર નેટવર્ક સામે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ કડક કાનૂની જોગવાઈઓ છે જેમાં અનૈતિક વ્યાપાર (નિવારણ) અધિનિયમ, 1956 મહત્વનો છે. આ કાયદા હેઠળ વેશ્યાગૃહ ચલાવવું, સાર્વજનિક સ્થળોની નજીક આવો ધંધો કરવો અને વેશ્યાવૃત્તિની કમાણી પર જીવવું એ ગુનો છે. જો કે, આ કાયદા હેઠળ ગ્રાહકો પર ત્યાં સુધી મુકદ્દમો ચલાવવો મુશ્કેલ છે જ્યાં સુધી તે સાબિત ન થાય કે તેઓ આર્થિક શોષણ અથવા સગીરાના કેસમાં સામેલ છે. સાથે ભારતીય ન્યાય સંહિતામાં પણ માનવ તસ્કરી અવે બળજબરી કે લાલચ આપીને લવાયેલી યુવતીઓના કિસ્સામાં બીએનએસની માનવ તસ્કરી સંબંધિત કલમો લાગે છે. જો પરપ્રાંતીય કે વિદેશી નાગરિકો પાસે ગેરકાયદેસર રીતે મજૂરી કે અનૈતિક કામ કરાવાય તો શ્રમ કાયદા અને વિદેશી અધિનિયમ લાગુ થાય છે. જો ગુનો સાબિત થાય તો સંચાલકો અને સંડોવાયેલા માફિયાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અને ભારે આર્થિક દંડ થઈ શકે છે. ઉપરાંત જે મિલકતમાં આ ધંધો ચાલતો હોય તે મિલકત જપ્ત કરવાની પણ જોગવાઈ છે.
સામાજિક અને આર્થિક પાસાઓ તથા સમુદાય પર અસર આ દૂષણ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ તેના મૂળ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓમાં ઊંડા જોડાયેલા છે.
સ્થાનિક સમુદાય અને સામાજિક અસર
રહેણાંક કે શૈક્ષણિક વિસ્તારોની નજીક આવા અનૈતિક કેન્દ્રો ખુલવાથી સ્થાનિક પરિવારો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા જોખમાય છે. આ સ્પા ઘણીવાર ડ્રગ્સના સેવન અને વેચાણના કેન્દ્રો બની જાય છે, જે યુવા પેઢીને બરબાદ કરે છે. વધુમાં, આ ગેરકાયદેસર ધંધાના કારણે સાચા વેલનેસ સેન્ટર્સ અને પ્રમાણિત મહિલા થેરાપિસ્ટોની સામાજિક છબી પણ ધૂળધાણી થાય છે અને તેમને સામાજિક બહિષ્કાર કે કલંકનો સામનો કરવો પડે છે.

રોજગારની મર્યાદાઓ અને મધ્યસ્થીઓની ભૂમિકા
આ સમગ્ર રેકેટ પાછળ આર્થિક લાચારી અને માનવ તસ્કરીનું મોટું નેટવર્ક કામ કરે છે. આર્થિક તંગી અને ગરીબીથી પીડાતી ગરીબ યુવતીઓને એજન્ટો કે મધ્યસ્થીઓ 'બ્યુટી સલૂન કે હોટેલમાં સારી નોકરી' ની લાલચ આપીને મહાનગરોમાં લાવે છે. અહીં લાવ્યા બાદ મધ્યસ્થીઓ તેમના પ્રવાસ, વિઝા કે રહેવાના ખર્ચનો મોટો આંકડો બતાવીને તેમને ફસાવી દે છે. આ યુવતીઓના પાસપોર્ટ કે ઓળખપત્રો જપ્ત કરી લેવામાં આવે છે અને તેમને મજૂરની જેમ સ્પામાં કેદ રાખવામાં આવે છે. આ કાળા કારોબારમાંથી થતી કમાણીનો સિંહફાળો માફિયા અને સ્પા માલિકો હડપી જાય છે, જ્યારે પીડિત મહિલાઓને માત્ર સામાન્ય ટિપ કે કમિશન પર ગુજારો કરવો પડે છે.
પ્રશાસનિક સપાટો
હાલમાં, ભારત સરકાર અને ગુજરાત રાજ્ય પોલીસની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ખૂબ સક્રિય બની છે. તાજેતરમાં જ ગુજરાતમાં 800 થી વધુ સ્પા પર એકસાથે દરોડા પાડી લાયસન્સ રદ કરવાની અભૂતપૂર્વ કાર્યવાહી કરાઈ છે. કાયદાકીય કડકાઈ સાથે સામાજિક જાગૃતિ જ આ દૂષણને જડમૂળથી ઉખાડી શકશે.
ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા કાળા કારોબારના તાજેતરના કિસ્સા
સુરતના ગોડાદરામાં સલૂનની આડમાં સેક્સ રેકેટ
ગોડાદરા વિસ્તારમાં આવેલા સ્ટાર યુનિસેક્સ સલૂન પર પોલીસે ઓચિંતો દરોડો પાડીને સલૂનની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે સ્થળ પરથી મહિલા મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સંચાલિકા આસ્માને વોન્ટેડ જાહેર કરી છે. દરોડા દરમિયાન દેહવ્યાપારના દલદલમાં ધકેલાયેલી બે મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી.
સુરતના યોગીચોકમાંથી કુટણખાનું ઝડપાયું હતું
યોગીચોક વિસ્તારમાં એક સામાન્ય દુકાનની આડમાં ચાલતા કાળા કારોબાર પર પોલીસે ત્રાટકીને દુકાન માલિક, સંચાલિકા અને ગ્રાહકની અટકાયત કરી હતી. આ ઓપરેશન દરમિયાન 7 જેટલી યુવતીઓને મુક્ત કરાવાઈ હતી અને પોલીસ દ્વારા તેમનું માનસિક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં સ્પાની આડમાં ડ્રગ્સ નેટવર્ક
માત્ર સેક્સ રેકેટ જ નહીં, અમદાવાદમાં તો સ્પાની આડમાં નશાનો કારોબાર ચાલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે પાડેલા દરોડામાં સામે આવ્યું કે બે સ્પા સંચાલકો રાજસ્થાનથી મેફેડ્રોન ડ્રગ્સ મંગાવીને સ્પામાં આવતા ગ્રાહકોને જ તેનું વેચાણ કરતા હતા. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બે સંચાલકોને ઝડપી લીધા છે.
રાજકોટ ST બસ પોર્ટમાં સ્પા પ્રવૃત્તિના આરોપ
રાજકોટના હાર્દ સમાન એસ.ટી. બસ પોર્ટની અંદર 12 જેટલા સ્પા ધમધમી રહ્યા છે. 12 દિવસ પૂર્વે જ એક સ્પા સેન્ટર પર દરોડો પાડીને 5 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી 2 ગ્રાહકોને ઝડપી લેવાયા હતા. સ્પા સંચાલક સહિત 2 સામે ફરિયાદ થઈ છે. આ સ્થળની ગંભીરતા એ છે કે અહીં નજીકમાં જ ટ્યૂશન ક્લાસીસ આવેલા છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. આથી સ્થાનિકોમાં પોલીસ ઝડપથી તપાસ કરે તેવી માંગ ઉગ્ર બની છે.

સુરતમાં તાજેતરની કડક કાર્યવાહી: દરોડામાં શું મળ્યું અને શું પગલાં લેવાયા?
સુરત પોલીસે કમિશનરની કડક સૂચના બાદ સ્પા અને સલૂન સેન્ટરો વિરુદ્ધ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરોડા દરમિયાન સ્પા અને સલૂનની અંદરથી ગર્ભનિરોધક સાધનો, આપત્તિજનક ડાયરીઓ કે જેમાં ગ્રાહકો અને નાણાકીય લેવડદેવડનો હિસાબ હતો અને મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે. સલૂન કે સ્પાની અંદર ગુપ્ત ભોંયરા અથવા તો પ્લાયવુડના ગુપ્ત દરવાજા બનાવીને નાના-નાના કેબિન ઉભા કરાયા હોવાનું સામે આવ્યું છે,
કરાયેલી કાનૂની કાર્યવાહી
પોલીસે સ્થળ પરથી સંચાલકો અને ગ્રાહકોની ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ધરપકડ કરી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા આવા સ્પા અને સલૂનને મહાનગરપાલિકાના સહયોગથી સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા માલિકોના લાયસન્સ રદ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.
કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં માહિતીનું સંપૂર્ણ વેરિફિકેશન
આ મુદ્દે સુરતના ડીસીપી આલોક કુમારે સંદેશ ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્પા વ્યવસાય પોતે ગેરકાયદેસર નથી, પરંતુ તેની આડમાં દેહવ્યાપાર જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે તો તે કાયદેસર રીતે ગંભીર ગુનો બને છે. તેમણે કહ્યું કે પોલીસને ઘણી વખત સીધી ફરિયાદો, ગુપ્ત બાતમીઓ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનો મારફતે માહિતી મળતી રહે છે. કેટલીક વખત વ્યક્તિગત અદાવતના કારણે ખોટી માહિતી આપીને પણ રેડ કરાવવાનો પ્રયાસ થતો હોય છે, જેના કારણે દરેક ફરિયાદને ગંભીરતાથી ચકાસવી જરૂરી બને છે. આથી પોલીસ કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં માહિતીનું સંપૂર્ણ વેરિફિકેશન કરે છે. પ્રાથમિક તપાસમાં બાતમી વિશ્વસનીય જણાય ત્યારબાદ જ રેડ કરવામાં આવે છે. ડીસીપીના જણાવ્યા મુજબ મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસને સફળતા મળે છે અને જો ખરેખર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તેનો પર્દાફાશ કરવામાં આવે છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?










