દશેરા,ધનતેરસ કે દિવાળી પર જો તમે પણ ટીવી,ફ્રિજ,એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો આગામી પહેલી ઓક્ટોબરથી LED TVથી લઈને વોશિંગ મશીન સહિતની ઘરેલુ ઉપયોગી ઈલેકટ્રોનિક ચીજોના ભાવમાં 5થી 8 ટકા કે તેથી વધુ ભાવ વધારો થવા જઈ રહ્યો છે.વર્ષ 2026માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી કંપનીઓ દ્વારા કરવામાં આવેલો આ ત્રીજો ભાવ વધારો છે. બ્લૂ સ્ટાર, ગોદરેજ અપલાયન્સેઝ, હાયર, ડાઇકિન જેવી કંપનીઓ પહેલાથી જ ભાવ વધારાનું એલાન કરી ચૂકી છે.આ કંપનીઓએ 4થી 10 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે.1 ઓક્ટોબરથી થનારા ભાવ વધારામાં એસીની કિંમતમાં 8 ટકા, જ્યારે વોશિંગ મશીન, ફ્રિજ અને ટીવીની કિંમતમાં 4 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જાણો કયા કારણે આ ભાવ વધારો થશે? 

કંપનીઓ માટે કેટલો મહત્વનો છે તહેવારોનો માહોલ?

એક રિપોર્ટ્સ મુજબ સામાન્ય રીતે ઓનમથી દશેરા અને દિવાળી સુધી ચાલતી તહેવારોની સિઝન ઈલેક્ટ્રીક ઉપકરણો બનાવતી કંપનીઓના વાર્ષિક વેચાણમાં આશરે 30થી 40 ટકા યોગદાન આપે છે.ડાઇકિન એરકન્ડિશનિંગ ઇન્ડિયાના ચેરમેન કનવલજીત જાવએ જણાવ્યું કે કંપની 16 સપ્ટેમ્બરથી જ કિંમતોમાં 8થી 10 ટકાનો વધારો કરી ચૂકી છે.તેમણે કહ્યું કે કોપરની કિંમતો આશરે 25થી 35 ટકા વધી ગઈ છે.ડોલર મજબૂત થઈ રહ્યો છે અને કોમોડિટીની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કંપનીઓ જબરદસ્ત દબાણમાં છે.ગ્રાહકોની માંગ અંગે તેમણે કહ્યું કે હાલમાં માંગ સારી જળવાઈ રહી છે.મને ખબર નથી કે આગળ શું થશે પરંતુ બજારમાં આ સમયે જે વાસ્તવિક સ્થિતિ છે તેનાથી દરેક કોઈ વાકેફ છે.જો પરિસ્થિતિ નહીં સુધરે તો લાંબા ગાળે તેની અસર પડી શકે છે.

ઈલેક્ટ્રિક ભાવ વધારો

એક એસીમાં 3થી 4 કિલો કોપર વપરાય છે 

હાયર ઇન્ડિયાના અધ્યક્ષ એન.એસ.સતીશે જણાવ્યું કે કંપની 1ઓક્ટોબરથી એર કન્ડિશનરની કિંમતોમાં લગભગ 5 ટકાનો વધારો કરશે.અન્ય ઉત્પાદનો,જેમ કે એલઇડી ટીવી અને વોશિંગ મશીનની કિંમતોમાં પણ 2થી 3 ટકાનો વધારો કરવામાં આવશે.જો કાચા માલની કિંમત વધતી રહેશે તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ કિંમતો વધારી શકાશે.સતીશના મતે તાંબાની કિંમત આશરે 8000થી 9000 ડોલર પ્રતિ ટનથી વધીને લગભગ 14500 ડોલર સુધી પહોંચી ગઈ છે.એક એર કન્ડિશનરમાં સરેરાશ 3થી 4 કિલોગ્રામ કોપરનો ઉપયોગ થાય છે.તેથી તેની અસર એસી બનાવવાના ખર્ચ પર સીધી પડી રહી છે.

ભાવ વધારાને લઈ કંપનીઓ દ્વારા શું કહેવાયું?

બ્લૂ સ્ટારના નિર્દેશક બિ થિયાગરાજને એક નિવેદનમાં કહ્યું હતું કે, કોમોડિટીની વધતી કિંમતો અને મીડલ ઈસ્ટમાં થઈ રહેલા યુદ્ધના પરિણામે AC અને ડીપ ફ્રીઝરની કિંમતો પહેલેથી જ 5થી 8 ટકા વધી ચૂકી છે.જેના કારણે અમારી કંપની દ્વારા આ વર્ષે ત્રીજી વખત ભાવ વધારો કરાયો છે.ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપના કમલ નંદીએ કહ્યું હતું કે,જુદા જુદા ઉત્પાદનોની કિંમતોમાં 5 થી 7 ટકાનો વધારો થશે.કેટલીક બ્રાન્ડ ઓક્ટોબરથી જ્યારે કેટલાક નવેમ્બરથી કિંમતો વધારી શકે છે.હાયર ઇન્ડિયાના એન.એસ. સતીષે કહ્યું હતું કે,જો કંપની કિંમતો નહીં વધારે તો તેને નુકસાન થશે.કંપની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.ડાઇકિન એરકન્ડિશનિંગ ઇન્ડિયાના કંવલજીત જાવાએ કહ્યું હતું કે,અમારી કંપનીએ 16 સપ્ટેમ્બરથી જ કિંમતોમાં 8થી 10 ટકાનો ભાવ વધારો કરી દીધો છે.પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના અભિષેક વર્માએ કહ્યું હતું કે, અમારી કંપની બજારની વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

ભાવ વધારો

જૂના સ્ટોકને કારણે રાહત મળશે?

કંપનીઓ અને ડીલરો પાસે જૂની કિંમતે ખરીદેલો સ્ટોક છે.આ સ્થિતિમાં તહેવારોની સિઝનની શરૂઆતમાં કેટલીક પ્રોડક્ટ્સ જૂની કિંમતે મળી શકે છે.ગોદરેજના જણાવ્યા અનુસાર આ જૂનો સ્ટોક લગભગ એકથી દોઢ મહિના સુધી ચાલી શકે છે.પરંતુ દિવાળી પછી નવી કિંમતો વધુ સ્પષ્ટપણે જોવા મળી શકે છે.ખાસ કરીને TVની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.જો તમે આ સિઝનમાં ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો કિંમત અને ઓફર બંને જોઈને નિર્ણય કરવો જરૂરી રહેશે.બાદમાં ભાવ ઘટશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં વિડિયોટેકના ડિરેક્ટર અરુણ બજાજે જણાવ્યું હતું કે વધતી ફ્રેટ કોસ્ટ અને સપ્લાય ચેન ડિસરપ્શનના કારણે દિવાળી પછી બજારમાં નવા પ્રાઇસિંગ બેન્ચમાર્ક બની શકે છે.નાના સ્ક્રીન સાઈઝવાળા TVની કિંમતોમાં કેટલાક મામલાઓમાં 20 ટકા સુધી અને મોટા સ્ક્રીન સાઈઝવાળા TVમાં 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું ખરેખર સુપર અલ નીનોથી વિશ્વમાં 4 લાખથી વધુ મોત થશે? જાણો ભારતમાં શું સ્થિતિ હશે