ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગરમીના પ્રમાણમાં અસહ્ય વધારો થયો છે. અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો થવાથી ઠંડીનો રાઉન્ડ પણ વહેલી સવારે અનુભવાઈ રહ્યો છે. ત્યારબાદ બપોરના સમયે આકરા તડકાને કારણે ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.જ્યારે રાત્રે પણ લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફર્ક નહીં પડતો હોવાને કારણે બફારાની અસર વર્તાઈ રહી છે.અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનાની ગરમીએ છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
છેલ્લા 19 વર્ષમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ
અમદાવાદમાં ચાલુ વર્ષ પહેલા છેલ્લા 19 વર્ષમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ 6 ઓક્ટોબર 2017ના રોજ નોંધાયો હતો.જ્યારે તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું.અમદાવાદ શહેરમાં ઓક્ટોબર મહિનામાં ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક ગરમી વર્ષ 1920માં પડી હતી.5 ઓક્ટોબર 1920ના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ પહોંચ્યો હતો જે એપ્રિલ મહિના જેવી ગરમીનો અહેસાસ કરાવતો હતો. અમદાવાદમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં અઢી ડિગ્રી જેટલું વધુ નોંધાતાં લોકો અકળાયા છે.

સુરત શહેરમાં ઓક્ટોબરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો
સુરત શહેરમાં ઓક્ટોબર હીટ આક્રમક બનતાં શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.માત્ર એક જ દિવસમાં તાપમાનનો પારો દોઢ ડિગ્રીનો વધારો નોંધતાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.પાછલા બે વર્ષ-2021 અને 2022ના ઓક્ટોબર માસના મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે.હવામાન વિભાગના પાછલા આઠ વર્ષના આંકડા તપાસતાં આ બીજી વખત બન્યું છે જ્યારે ઓક્ટોબરમાં પારો 38 ડિગ્રીની સપાટી વટાવી ગયો છે.આ પૂર્વે વર્ષ 2012માં સર્વોચ્ચ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે હજી પણ ઓલ ટાઈમ ઓલટાઇમ હાઈ રેકોર્ડ છે. શહેરમાં બપોરની સાથે રાતના વાતાવરણમાં પણ ગરમાવો વધ્યો છે.લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું,જેથી રાત્રિ દરમિયાન પણ લોકોને એસીનો સહારો લેવો પડી રહ્યો છે.
7 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર
રાજ્યનાં 7 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર નોંધાયો છે.જેમાં સૌથી વધુ ડીસામાં 40.2 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.3 ડિગ્રી, કેશોદમાં 38.6ડિગ્રી અને નલિયામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ જિલ્લામાં ઉનાળા જેવી આકરી ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ લોકો થઈ રહ્યો છે.ભુજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી પહોંચી જતાં શહેરીજનોને દિવસ દરમિયાન અકળાવનારી ગરમીનો સામનો કરવો પડ્યો હતો.જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મહત્તમ તાપમાન સરેરાશ 36 ડિગ્રી આસપાસ નોંધાતાં આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે.દિવસ અને રાત્રિનાં પણ ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.રાત્રિનાં ગરમીમાંથી રાહત મેળવવા ફરજિયાત એસી ચાલુ કરવાની ફરજ પડી રહી છે.
વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધે છે
નલિયાનું મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી, કંડલા પોર્ટ 37.7 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં ચડ-ઉતાર જોવા મળી રહ્યો છે.ગઈકાલે 14 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવખત અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીની અંદર પહોંચી ગયો હતો.જો કે,આજે સર્વત્ર લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે.તેની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધતા રાજકોટ,ઓખા, દ્વારકા અને કચ્છના નલીયામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસના કારણે આહલાદક નજારો છવાયો હતો.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: ઓક્ટોબરની ગરમીએ તોડ્યા રેકોર્ડ, ભેજનું પ્રમાણ વધવાથી લોકો પરેશાન!