હાલના દિવસોમાં સમગ્ર યુરોપ ભીષણ અને અભૂતપૂર્વ ગરમીની ઝપેટમાં આવી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ અને 'હીટ ડોમ' ની ઘાતક અસરોને કારણે યુરોપના દેશોમાં તાપમાનના તમામ જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે. સામાન્ય રીતે આહલાદક, ઠંડી આબોહવા અને બરફવર્ષા માટે જાણીતા યુરોપમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લોકો ગરમીથી બચવા માટે વલખાં મારી રહ્યા છે. ફ્રાન્સ, સ્પેન, ઇટાલી સહિતના દેશોમાં સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
લોકો એર કંડિશનર અને કૂલર ખરીદવા માટે પાગલની જેમ દોડ્યા
સોશિયલ મીડિયા પર હાલમાં ફ્રાન્સના ચેમ્બરી શહેરનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે યુરોપની વર્તમાન કટોકટીનો જીવંત પુરાવો છે. ચેમ્બરીમાં ગરમી એટલી અસહ્ય અને અકળાવનારી બની ગઈ છે કે ત્યાંના એક મોટા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરના દરવાજા ખુલતાની સાથે જ લોકો એર કંડિશનર અને કૂલર ખરીદવા માટે પાગલની જેમ દોડ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સેંકડો ગ્રાહકો કૂલિંગ ડિવાઇસ તરફ ઝડપથી ભાગ્યા હતા, જેમાં એકબીજાથી આગળ નીકળવાની હોડમાં ભારે અફરાતફરી અને ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો.

Also Read
Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?
Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી
Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?
યુરોપિયન દેશોમાં આવી સ્થિતિ ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી
આમ તો ભારત જેવા એશિયન દેશો માટે ઉનાળામાં એસી-કૂલરની પડાપડી સામાન્ય હોઈ શકે, પરંતુ યુરોપિયન દેશોમાં આવી સ્થિતિ ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી. ફ્રાન્સ જેવા દેશોમાં મોટાભાગના ઘરોમાં પરંપરાગત રીતે એસી હોતા નથી કારણ કે ત્યાં આખું વર્ષ ઠંડી હોય છે. પરંતુ આ વખતે તાપમાન અચાનક આકાશે આંબતા લોકોના ઘરોમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. અહેવાલો અનુસાર, ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ અઠવાડિયે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે.
આટલી બધી ગરમી પડવાના મુખ્ય કારણો શું છે?
હવામાન વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોના જણાવ્યા અનુસાર, યુરોપમાં આ વર્ષે આવી આકરી ગરમી પડવા પાછળ બે મુખ્ય વૈજ્ઞાનિક પરિબળો જવાબદાર છે: આ સપ્તાહે ફ્રાન્સનું રાષ્ટ્રીય સરેરાશ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઓલ-ટાઇમ રેકોર્ડ છે.
હીટ ડોમ ની અસરો
આ વર્તમાન ગરમીનું સૌથી મોટું અને ત્વરિત કારણ છે. 'હીટ ડોમ' એ એક એવી હવામાન સંબંધી અસાધારણ સ્થિતિ છે જેમાં વાતાવરણમાં હાઇ પ્રેશર નો એક મોટો વિસ્તાર સર્જાય છે. આ હાઇ પ્રેશર પોતાની નીચેની ગરમ હવાને એક ચોક્કસ વિસ્તારમાં 'કેદ' અથવા લોક કરી દે છે, જેવી રીતે કૂકરમાં વરાળ દબાઈ રહે છે. આ હીટ ડોમને કારણે આકાશ એકદમ સાફ રહે છે, વાદળો બનતા નથી અને સૂર્યના આકરા કિરણો સીધા જ જમીન પર પડે છે. હવા બહાર નીકળી ન શકવાના કારણે દિવસ અને રાત બંને સમયે તાપમાન સતત વધતું જાય છે. આ અઠવાડિયે ફ્રાન્સનું રાષ્ટ્રીય સરેરાશ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઓલ-ટાઇમ રેકોર્ડ છે..

જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ
વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે કે માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગના કારણે આવી હીટ વેવ હવે પહેલા કરતા વધુ વારંવાર, લાંબી અને અત્યંત ખતરનાક બની રહી છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું હોવાથી યુરોપની આબોહવા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને જે ગરમી દાયકાઓમાં એકાદ વાર પડતી હતી તે હવે દર વર્ષે સામાન્ય બની રહી છે.
ભૂતકાળમાં યુરોપના કયા દેશોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો?
જો યુરોપના હવામાનના ઇતિહાસ પર નજર કરીએ તો, અગાઉ પણ ગરમીએ ત્યાં ભયાનક વિનાશ વેર્યો છે:
વર્ષ 2003ની ઐતિહાસિક હીટવેવ: યુરોપના ઇતિહાસમાં વર્ષ 2003ની ગરમી સૌથી ઘાતક અને જીવલેણ સાબિત થઈ હતી. તે સમયે ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને સ્પેનમાં ગરમીના કારણે અંદાજે 70 હજાર થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. એકલા ફ્રાન્સમાં જ યોગ્ય કૂલિંગ સિસ્ટમના અભાવે 15 હજાર થી વધુ વડીલો અને બીમાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.

વર્ષ 2029 ના રેકોર્ડ્સ: વર્ષ 2019માં ફ્રાન્સના ઇતિહાસમાં સૌથી વધુ તાપમાન વેરાર્ગુસ શહેરમાં 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેણે ફ્રાન્સને હચમચાવી દીધું હતું.
વર્ષ 2022નો પ્રકોપ: વર્ષ 2022 માં બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર પારો 40.3 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો હતો. જ્યારે સ્પેન અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેને કારણે ત્યાંના સૂકા જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી અને હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.
વર્તમાન સ્થિતિ અને તંત્રની કડક એડવાઇઝરી
હાલમાં ફ્રાન્સ સિવાય ઇટાલી, સ્પેન અને ગ્રીસના મોટાભાગના હિસ્સા પણ આ ભીષણ ગરમીની લપેટમાં છે. રોમ, મેડ્રિડ જેવા પ્રવાસી શહેરોમાં પણ પ્રવાસીઓ ગરમીથી બચવા છાંયડો શોધી રહ્યા છે. અનેક દેશોના વહીવટીતંત્રે રેડ એલર્ટ જાહેર કરીને લોકોને બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી કે હાઇડ્રેટિંગ પ્રવાહી પદાર્થો પીવા અને વડીલો તથા બાળકોની ખાસ સંભાળ રાખવા કડક એડવાઇઝરી આપી છે.

ગ્લોબલ વોર્મિંગ સામે મનુષ્યની લાચારી
ફ્રાન્સના સ્ટોરમાં એસી ખરીદવા માટે મચેલી આ ભગદડ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ તે ગ્લોબલ વોર્મિંગ સામે મનુષ્યની લાચારી દર્શાવતો એક ચિંતાજનક સંકેત છે. જો પર્યાવરણના બગાડની આ જ ઝડપ ચાલુ રહેશે, તો આગામી સમયમાં યુરોપના દેશો માટે એસી લક્ઝરી નહીં પણ જીવવા માટેની અનિવાર્ય જરૂરિયાત બની જશે.. ફ્રાન્સ ઉપરાંત યુરોપના અન્ય મોટા દેશો પણ હાલમાં ઇતિહાસની સૌથી ભયાનક અને જીવલેણ હીટવેવ નો સામનો કરી રહ્યા છે. વિશ્વ હવામાન સંસ્થા અને યુરોપિયન હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ અને દક્ષિણ યુરોપના દેશોમાં તાપમાન સામાન્ય કરતાં 5 થી 12 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે નોંધાયું છે.
યુનાઇટેડ કિંગડમ (UK): બ્રિટનમાં ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ તૂટ્યો
સામાન્ય રીતે આખું વર્ષ વરસાદ અને હળવી ઠંડીનો અનુભવ કરતા બ્રિટનમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. દક્ષિણ ઇંગ્લેન્ડમાં તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે, જે જૂન મહિનાના ઇતિહાસમાં સૌથી વધુ છે. બ્રિટનના હવામાન વિભાગે દેશના ઇતિહાસમાં પહેલીવાર સળંગ ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. બ્રિટનના મોટાભાગના ઘરો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એસી ન હોવાને કારણે હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગરમીના કારણે રેલવેના ટ્રેક ઓગળવા ના ભયથી ઘણી ટ્રેન સેવાઓ પણ રદ કરવી પડી છે.

સ્પેન અને પોર્ટુગલ: 42 ડિગ્રીથી વધુ તાપમાન અને 200થી વધુ મોત
આ હીટવેવની શરૂઆત આઇબેરિયન પેનિનસુલા સ્પેન અને પોર્ટુગ માંથી થઈ હતી. સ્પેનના બિલબાઓ શહેરમાં પારો 42.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. સ્પેનમાં ભીષણ ગરમી અને હીટસ્ટ્રોકના કારણે 200થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત, સ્પેન હાલમાં ગંભીર દુષ્કાળ અને જળ-સંકટ નો સામનો કરી રહ્યું છે, જેના કારણે ત્યાંના ડેમમાં પાણીનું સ્તર રેકોર્ડબ્રેક તળિયે પહોંચી ગયું છે. સૂકા હવામાનને કારણે સ્પેનના જંગલોમાં પણ ભયાનક આગનો ખતરો તોળાઈ રહ્યો છે.
જર્મની અને ઇટાલી: વીજળી ગુલ અને હાઇ એલર્ટ
જર્મનીના ફ્રેન્કફર્ટ, કોલોન અને રાજધાની બર્લિન સહિતના મોટા શહેરોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઇટાલીના રોમ અને મિલાન જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ઇટાલીમાં લોકો ગરમીથી બચવા એટલી મોટી સંખ્યામાં એસી અને કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે કે પાવર ગ્રીડ પર લોડ વધી જતાં અનેક શહેરોમાં પાવર આઉટેજની સમસ્યા સર્જાઈ છે. હોસ્પિટલોના ઇમરજન્સી રૂમ ગરમીથી પીડાતા દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.

બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ: ઐતિહાસિક કાર્યક્રમો રદ
યુરોપના આ નાના દેશો પણ ગરમીની ભયાનક અસરોથી બચી શક્યા નથી. બેલ્જિયમમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વચ્ચે વીજળીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે, કારણ કે એસી ચલાવવા માટે પાવર સ્ટેશનોએ તેમની પૂરી ક્ષમતાથી કામ કરવું પડી રહ્યું છે. ગરમીની તીવ્રતાને જોતા બેલ્જિયમમાં દર વર્ષે યોજાતી પ્રખ્યાત બેટલ ઓફ વોટરલૂ ની ઐતિહાસિક પુનઃપ્રસ્તુતિનો કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. નેધરલેન્ડ્સમાં પણ હવામાન વિભાગે ઇતિહાસમાં પહેલીવાર આઠ પ્રાંતો માટે અભૂતપૂર્વ 'રેડ એલર્ટ' આપ્યું છે.
સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા: બરફની જગ્યાએ ભઠ્ઠી
આલ્પ્સના પર્વતો અને બરફના ગ્લેશિયર્સ માટે જાણીતા સ્વિટ્ઝર્લેન્ડના બાસેલ શહેરમાં જૂન મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. ઓસ્ટ્રિયામાં યોજાનારી પ્રખ્યાત ઓસ્ટ્રિયન ગ્રાન્ડ પ્રી રેસમાં પણ ગરમીના કારણે ઓફિશિયલ હેઝાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર










