વીતેલા વર્ષમાં નવેમ્બર મહિનામાં એવા એક સમાચાર આવ્યા હતા કે જે જાણ્યા પછી દરેક ગુજરાતવાસી ગર્વની લાગણી અનુભવી રહ્યા હતા અને આનંદ જોવા મળ્યો હતો. આ સમાચાર હતા કે કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને આપવામાં આવ્યું છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે જેનાથી અનેક પ્રકારના ફાયદા થશે.
રાજ્ય સહિત સમગ્ર દેશમાં આનંદ
અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાની સત્તાવાર મંજૂરી મળતા રાજ્ય સહિત સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. વિશ્વસ્તરીય રમતોત્સવનું આયોજન ગુજરાતની ધરતી પર થવાનું છે, જે રાજ્ય તેમજ દેશ માટે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રમતપ્રેમી, સ્પોર્ટ્સ એસોસિએશન અને યુવા રમતવીરો માટે આ ઘટના વિશેષ આનંદનું કારણ બની છે.
અમદાવાદ પર વિશ્વની નજર
કોમનવેલ્થ ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં થવાનું હોવાથી, દેશ-વિદેશની નજર હવે ગુજરાત પર કેન્દ્રિત રહેવાની છે. આ આયોજન રાજ્યને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત રીતે રજૂ કરશે અને યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપશે.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવો માઈલસ્ટોન
આ આયોજનને સફળ બનાવવા માટે અમદાવાદમાં વિશાળ સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરને ‘ગ્લોબલ મલ્ટી-સ્પોર્ટ્સ હબ’ બનાવવા માટે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંતરરાષ્ટ્રીય માપદંડની સ્ટેડિયમ સુવિધાઓ, ટ્રેનિંગ એરિના અને અન્ય સંબંધિત માળખાકીય વિકાસ પર કામ તેજ કરવામાં આવ્યું છે.
ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પણ સુધારા
ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પણ સુધારા જોવા મળી રહ્યા છે. મેટ્રો, BRTS, મુખ્ય માર્ગો, પાણી-ડ્રેનેજ સિસ્ટમ અને શહેરી આયોજન માટે વિશેષ ટાઉન પ્લાનિંગ સ્કીમોને ઝડપી બનાવવામાં આવી રહી છે. આ તમામ વિકાસ કાર્ય ગેમ્સ દરમ્યાન મોટી સંખ્યામાં ખેલાડીઓ, ટીમો, અધિકારીઓ અને દર્શકોની આવરજવર સરળ બનાવશે.
વહીવટી અને ટેકનિકલ આયોજન પર ખાસ ભાર
કોમનવેલ્થ ગેમ્સને સફળ બનાવવા માટે ટેકનિકલ વ્યવસ્થા, વહીવટી મેનેજમેન્ટ અને ખેલાડીઓના અનુભવને વિશ્વસ્તરીય બનાવાનું આયોજન ચાલુ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ, સિક્યોરિટી, ટ્રાન્સપોર્ટ, મેડિકલ સપોર્ટ તથા વોલન્ટિયર્સની વિશાળ ટીમ માટે ખાસ તાલીમની યોજના બનાવાઈ છે. વિશેષજ્ઞોના મતે, આ આયોજન માત્ર કોમનવેલ્થ ગેમ્સ પૂરતું નથી, પરંતુ 2036 ઓલિમ્પિક ગેમ્સના આયોજન તરફ ભારત માટે એક મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.
રાજ્યમાં ઉત્સવ જેવો માહોલ
ગુજરાતની ધરતી પર થનાર આ ભવ્ય આંતરરાષ્ટ્રીય રમતોત્સવને લઈને રાજ્યમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ રમતગમતના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો