દેશ અને ગુજરાતમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં સામાન્ય લોકો ઠગાઇના શિકાર બની રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ પોલીસ સતત સક્રિય રહી છે. સાયબર ગઠીયાઓ પોતે ના ફસાય તે માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે અને તેથી ગુજરાત પોલીસે સાયબર માફિયાઓ પર તવાઇ લાવવા માટે ખાસ ઓપરેશન મ્યુલ હન્ટ શરુ કર્યું હતું.
મ્યુલ એકાઉન્ટ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી
મ્યુલ એકાઉન્ટના માધ્યમથી કરોડોની સાયબર છેતરપિંડી વધતા ડિસેમ્બરની શરુઆતમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના હેઠળ રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેંક ખાતા ભાડે આપનાર અથવા કમિશન માટે કામ કરતી સેંકડો સંદિગ્ધ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સાયબર માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી
સાયબર માફિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેને પોલીસ ભાષામાં મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. સાયબર માફિયાઓ દ્વારા સામાન્ય લોકોને કમિશન કે મામૂલી રકમની લાલચ આપી તેમના બેંક ખાતા ટ્રાન્સફર માટે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવે છે.
મ્યુલ તરીકે સામેલ વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી
સામાન્ય વ્યક્તિ પોતાનું બેંક એકાઉન્ટ, ડિટેલ્સ, પિન નંબર અને ચેકબુક ગુનેગારોને આપી દે છે, અને ગુનેગારો તેનાથી મોટાં આર્થિક ટ્રાન્ઝેક્શન કરે છે. પોલીસ તપાસમાં, મ્યુલ તરીકે સામેલ વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય છે.
489 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી
ગુજરાત પોલીસે આ વર્ષે મ્યુલ અકાઉન્ટની તપાસ માટે વિશેષ ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કર્યું હતું જેમાં કુલ 534 ફરિયાદો નોંધાઈ હતી અને 489 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ દ્વારા આપી હતી.
3,422 ગુનાઓ પરથી પર્દાફાશ થયો
ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન 3,422 ગુનાઓ પરથી પર્દાફાશ થયો હતો અને કુલ 771 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેની આંકડાકીય કિંમત 1,708 કરોડ રૂપિયા જેટલી છે. પોલીસ દ્વારા સતત તપાસ અને સજાગ કામગીરી દ્વારા મ્યુલ અકાઉન્ટ સંબંધી કિસ્સાઓને ઘટાડવા માટે કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો----- Gujarat Flashback 2025 : આ વર્ષે વિદેશની ઘેલછામાં ગુજરાતના પરિવારો એજન્ટોની માયાજાળમાં ફસાયા હતા, ટ્રમ્પે 78 ગુજરાતીઓને પરત મોકલ્યા હતા