ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે ગુજરાતીઓ અને અન્ય ભારતીયો દ્વારા અપનાવાતો ડંકી રૂટ 2025માં ફરી ચર્ચાનો વિષય બન્યો હતો. વર્ષ દરમ્યાન આવા ત્રણ મુખ્ય કિસ્સાએ મોટા ચકચાર જગાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિ હેઠળ 2025માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરી ડિપોર્ટેશનનો માર્ગ શરૂ કર્યો હતો જેમાં ત્રણ ફ્લાઇટમાં કુલ 332 ભારતીયો, જેમાં મોટા ભાગ ગુજરાતીઓ હતા – અમેરિકાથી ડિપોર્ટ થઈને દેશમાં પાછા આવ્યા હતા.
78 ગુજરાતીઓને ટ્રમ્પે પરત મોકલ્યા
આમાંથી પહેલા ફ્લાઇટમાં 37 ગુજરાતીઓ, બીજા ફ્લાઇટમાં 8 અને ત્રીજા ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ હતા. જોકે, ડંકી રૂટનો જોખમ હજુ યથાવત છે અને લોકો હજું પણ જીવન જોખમમાં મૂકી વિદેશ જવા પ્રયાસો કરી રહ્યા છે.
યુએઈના શારજાહમાં 230 ભારતીયો જેમાં 170 ગુજરાતીઓ ફસાયા હતા
વિદેશ જવા પ્રયાસમાં ગેરકાયદેસર માર્ગોને કારણે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. યુએઈના શારજાહમાં 230 ભારતીયો જેમાં 170 ગુજરાતીઓ, ફસાયા હતા. એજન્ટોએ તેમને દુબઈથી બ્રાઝિલ સુધી ચાર્ટર્ડ ફ્લાઇટ વચન આપ્યું હતું અને પછી બ્રાઝિલથી રોડ માર્ગે મેક્સિકો સરહદે ગેરકાયદેસર પ્રવેશ કરવાની યોજના બનાવી હતી.
મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવી ખંડણી મંગાઇ
ચોંકાવનારો કિસ્સો મહેસાણાના એક પરિવાર સાથે સામે આવ્યો હતો. પરિવારના સભ્યો પોર્ટુગલ જવાનું વિચારી રહ્યા હતા, પરંતુ એજન્ટો દ્વારા લિબિયામાં ઉતારી દેવામાં આવ્યા. ત્યાં તેમને બંધક બનાવી રૂ. 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી
પ્રાંતિજના યુવકનું મોત
ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના એક યુવકનું ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશ દરમિયાન મોત નિપજ્યું હતું. યુવક અને પરિવારે દોઢ મહિના સુધી મુસાફરી કરી હતી પણ નિકારગુઆમાં યુવકની તબિયત લથડી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત 16,700 સ્ટાર્ટઅપ્સ સાથે દેશમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું હતું